ભુજ, તા. 6 : મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અશાંતિને
પગલે ઘરઆંગણે ઊંચકાયેલા ઇંધણના ભાવ અને ડીઝલની ભારે તંગી વચ્ચે ગુજરાત સરકારે પોતાનો
એક નિર્ણય બદલીને પરિવહન વાહનધારકોને મોટી રાહત આપી છે. સરકારના નિર્ણય અનુસાર વાહનોમાં
જીપીએસ સિસ્ટમ (વીએલટીડી) એપ્રૂવલ માટે હવેથી આરટીઓ કે એઆરટીઓમાં પોતાનાં વાહનો લઈ
જવામાંથી પરિવહન વાહનધારકોને મુક્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વાહનોને એઆરટીઓ અને આરટીઓ કચેરીમાં રૂબરૂ
પરીક્ષણ માટે ફરજિયાત લઈ જવાનો નિયમ હોવાથી રાજ્યના પરિવહનધારકો મુશ્કેલીમાં મુકાયા
હતા અને ડીઝલની તંગી વચ્ચે રાહત આપવા માટે સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રી સુધી પત્ર
મારફતે રજૂઆતો કરી હતી. વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા આજે બહાર પડાયેલા એક પરિપત્ર
મુજબ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રાકિંગ ડિવાઇસ ફીટ કરાવ્યા બાદની નિયમાવલીમાં ફિટમેન્ટ
માટે વાહનોને ભૌતિક ચકાસણી અર્થે આરટીઓ અને એઆરટીઓ કચેરી ખાતે હાજર રાખવા બાબતની જોગવાઈ
કરવામાં આવી હતી, પરંતુ આ અંગે વાહનમાલિકોને પડતી મુશ્કેલીઓની
રાજ્યભરમાંથી રજૂઆતો થતાં તેને ધ્યાને લઈ વીએલટીડીના ફિટમેન્ટ બાદ વાહનને ભૌતિક ચકાસણી
માટે સંબંધિત વાહનવ્યવહાર અધિકારીની કચેરીઓમાં હાજર રાખવા અંગેની જોગવાઈ રદ કરવામાં
આવી રહી છે. જો કે, આ
પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, નિરીક્ષણ દરમિયાન
જો કોઈ વાહનમાં નિયમ અનુસાર વીએલટીડી ફિટ કરેલું નહીં હોય કે તે બિનકાર્યરત હોવાનું અથવા તો ખોટી માહિતીના
આધારે ફિટનેસ દર્શાવેલી હોવાનું જણાશે તો સંબંધિત વાહનમાલિક કે વાહનસંચાલકો સામે કેન્દ્રીય
મોટર વાહન નિયમો તથા અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન કમિશનર કચેરીના આ પરિપત્રથી રાજ્યના પરિવહન
વાહનધારકોને મોટી રાહત સાંપડવાની શક્યતા છે. કેમ કે, ડીઝલની તંગી
વચ્ચે તેઓને વાહન લઇ આવતી વખતે ઇંધણનો ભારે ખર્ચનો સામનો કરવો પડતો હતો. બીજી તરફ કચ્છ
જિલ્લા મોટારિંગ પબ્લિક સલાહકાર અને સેવા સમિતિના પ્રમુખ ઉમર સમાએ નિર્ણયને આવકારતાં
પોતાની રજૂઆતનું નિરાકરણ આવતાં મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.