• રવિવાર, 07 જૂન, 2026

નલિયા ગોડાઉન પર ઘઉં ખરીદી આઠ દિવસથી ઠપ

નલિયા,તા. 6 : અબડાસા તાલુકામાં રવિ માર્કાટિંગ સિઝન 2026-27 અંતર્ગત ટેકાના ભાવે ઘઉં ખરીદી કેન્દ્ર છેલ્લા આઠ દિવસથી બંધ છે. બારદાન (ગુણીઓ)ની અછતને કારણે ખરીદી પ્રક્રિયા થંભી ગઈ છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે તાલુકા પંચાયતના સદસ્ય સંગાર અલીઅકબરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. ખરીદી બંધ હોવાને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. પોતાનાં વાહનોમાં ઘઉં ભરીને આવેલા અનેક ખેડૂતો નિરાશ થઈ પરત ફરી રહ્યા છે, જેનાથી તેમને આર્થિક નુકસાન અને સમયનો વ્યય થઈ રહ્યો છે. ઉનાળાની સિઝન અને હવામાન પલટાના ભય વચ્ચે ખુલ્લામાં રાખેલો ઘઉંનો પાક બગડી જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ઉપરાંત, મર્યાદિત સમયમર્યાદાને કારણે ઘણા નોંધાયેલા ખેડૂતો ટેકાના ભાવથી વંચિત રહી નીચા ભાવે માલ વેચવા મજબૂર બનશે. બારદાન જેવી પ્રાથમિક ચીજવસ્તુની અછતને કારણે આઠ દિવસ સુધી ખરીદી અટકી પડે તે ગંભીર બાબત છે. તેમણે કલેક્ટરને તાત્કાલિક ધોરણે નલિયા ગોડાઉન ખાતે પૂરતી સંખ્યામાં બારદાન ઉપલબ્ધ કરાવી ખરીદી પ્રક્રિયા પુન: શરૂ કરવા આદેશ કરવા માંગ કરાઇ હતી. 

Panchang

dd