• રવિવાર, 07 જૂન, 2026

રાપરમાં ત્રણ વખત ઓટીપી આવ્યો છતાં ગેસનો બાટલો અપાતો નથી

રાપર, તા. 6 : ઉજ્જવલા અને એવી અનેક સહાયકારી યોજનાઓ થકી રાપર તાલુકામાં ઘરેઘરે એલપીજી ગેસ કનેક્શન હોવાથી અન્ય કેરોસીન, બળતણ, કોલસા જેવા વિકલ્પો બંધ થઈ ગયા છે ત્યારે અછત ટાણે જ ગેસ એજન્સીઓની મનમાની ગેસધારકોની મુશ્કેલી વધારી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ રાપરમાં મુખ્ય એચપી ગેસના કર્મચારીઓ ગ્રાહકોના ઘરે જઈને ઈન્સ્પેક્શનનાં નામે મનસ્વી રીતે ઉઘરાણા કરાતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે અને ઈન્સ્પેક્શન, ઈન્સ્યોરન્સ તથા ટયુબ રિપ્લેસમેન્ટ ન કરાવનારા ગ્રાહકોને કનેક્શન રદ કરવાની ધમકી આપતા હોવાની ફરિયાદો ઊઠી હતી. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એક તો માંડ દોઢ મહિને ગેસનું બાકિંગ થતું હોય અને તેમાંય આવી રીતે બ્લોક કરી દેવામાં આવતાં મજબૂર ગેસ ધારક જાય તો ક્યાં જાય?! ભારત ગેસ અને ઈન્ડેન ગેસ એજન્સી તો ક્યારે ખૂલે છે અને ક્યારે બંધ થઈ જાય છે એની ગ્રાહકોને પણ ખબર નથી હોતી ! કચ્છમિત્ર દ્વારા ભારત ગેસ એજન્સીની મુલાકાત લેતાં અડધું શટર ખોલીને બાટલાનો વેપાર થતો હતો! એક કનેક્શન ધારક મહિલાએ બળાપો કાઢતાં કહ્યું કે, ત્રણ વખત ઓટીપી આપવા છતાં બાટલો મળતો નથી ! તો એચપી ગેસનું કનેક્શન ધરાવતા એક વયસ્ક વેપારીએ પિસ્તાલીસ દિવસે બાકિંગ કરાવતાં તેમનું કનેક્શન બ્લોક કરી દેવામાં આવ્યું હતું ! કારણ કે, તેમણે એજન્સીના કર્મચારીને માગણી મુજબ ઈન્સ્યોરન્સ અને ટયુબ રિપ્લેસમેન્ટ કે એવું કંઈ કરાવ્યું ન હતું. એજન્સીના સેલ્સ ઓફિસર આશિષ અગ્રવાલને રાપર અર્બન એરિયા હોવા છતાં પિસ્તાલીસ દિવસે શા માટે બાકિંગ થાય છે, તેમ પૂછતાં તેમણે તંત્ર ઉપર દોષનો ટોપલો ઢોળી ઈન્સ્પેક્શન જરૂરી હોવાનું જણાવ્યું હતું, જ્યારે કોઈ પ્રશિક્ષણ વગરના મિકેનિક રબરની ટયુબ માત્ર એચપીની જ (બીજી કોઈ આઈએસઆઈ માર્કાની પણ નહીં!) લગાવવાનો દુરાગ્રહ રાખતા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા હતા.  અત્યારે કોમર્શિયલ સિલિન્ડર મળતાં ન હોવાથી લગભગ ધંધાર્થીઓ ઘરેલુ બાટલા જ વાપરતા હોઈ અત્યારે બ્લેકમાં ડોમેસ્ટિક સિલિન્ડરોના ભાવ અધધધ છે, ત્યારે આ વહેતી ગંગામાં હાથ ધોવા અત્યારે તમામ એજન્સી ધારકો કાયદેસરના હકદાર ગ્રાહકોને કોઈ ને કોઈ બહાને બાટલા ન આપી કાળાબજારમાં વેચી રહ્યા છે, ત્યારે જો જિલ્લા પુરવઠા અધિકારી કડક તપાસ કરે તો વાગડમાં પણ મસમોટું બાટલા કૌભાંડ બહાર આવે તેમ છે ! બિચારો કેરોસીન, બળતણ અને કોલસાથી વંચિત ગેસ ધારક કોને ફરિયાદ કરે

Panchang

dd