ગાંધીધામ, તા. 6 : કચ્છમાં ફરજ બજાવી ગયેલા વરિષ્ઠ
આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક રાજ્યના પોલીસવડાના સર્વોચ્ચ પદે નિમણૂક થતાં
સહરદી કચ્છમાં સીમાલક્ષી ગુના ઉપર કચ્છ પોલીસનું
વિશેષ બારીકાઈથી ધ્યાન રહેશે. 1993 બેચના આઈપીએસ અધિકારી જી.એસ. મલિક કચ્છમાં એ.એસ.પી., ડી.એસ.પી. અને આઈ.જી. સહિતની કેડરમાં ફરજ બજાવી
છે. કચ્છમાં તેમના કાર્યકાળ દરમ્યાન સીમાલક્ષી
ગુના ઉપર તેમણે વિશેષ કામગીરી કરી હતી. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ગુનામાં સંકળાયેલી
ટોળકીઓનો તેમણે કુનેહપૂર્વક કામગીરી કરીને પર્દાફાશ કર્યો હતો. શ્રી મલિક એસ.પી. હતા, ત્યારે
એસ.ઓ.જી. પી.આઈ. રહેલા પૂર્વ નાયબ પોલીસવડા
ડી.આર. અગ્રાવતે તેમની સાથેની કામગીરીનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં. તેમણે કહ્યું
હતું કે, દયાપરમાં ઝડપાયેલા
એક પાકિસ્તાની શખ્સ પાસે માત્ર મોબાઈલ નંબરના
ચાર જુદા- જુદા આંકડા હતા. આખો મોબાઈલ નંબર ન હતો, પરંતુ તે ચાર
નંબરના આધારે ઝીણવટપૂર્વકની તપાસ કરીને તેમણે આ પાકિસ્તાની શખ્સ ઉપરાંત 24 પાકિસ્તાનીને ઝડપી પાડી મોટું
ઓપરેશન પાર પાડયું હતું. આ ઉપરાંત તેમના કાર્યકાળ દરમ્યાન 24 લાખની જાલી નોટ પણ પકડી પાડવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમ્યાન અનેક સીમાલક્ષી ગુનામાં
સંકળાયેલાં તત્ત્વોને જેલના સળિયા પાછળ ધકેલાયા હતા.