અંજાર, તા. 6 : અહીંના ચિત્રકૂટ સર્કલથી આશાબા
વે-બ્રિજ સુધીના માર્ગને અંદાજિત 18 કરોડના ખર્ચે બેમાંથી ચાર માર્ગીય
બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર
મારી હતી. આ પ્રકલ્પને દોઢ વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં આ અંગે પ્રક્રિયા
આગળ ધપતી ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સ્થાનિક કક્ષાએ માર્ગ અને મકાન
વિભાગની બેદરકારીના કારણે આ પ્રકલ્પ ખોરંભે
ચડયો હોવાના આક્ષેપો ઉઠયા છે. શહેરના આશાબા
વે-બ્રિજથી આદિપુર સુધીનો માર્ગ ચાર માર્ગીય
બન્યો છે. અબલત્ત ચિત્રકૂટ સર્કલથી આશાબા વે-બ્રિજ
સુધીનો માર્ગ દ્વિ-માર્ગીય હોવાના કારણે અહીં
નાના-મોટા અકસ્માતો સર્જાય છે. રાજ્યમંત્રી
અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ધારદાર રજૂઆતને પગલે 10 મીટરના માર્ગને ચાર
માર્ગીય બનાવવા માટે મંજૂરી અપાઈ હતી. અબલત્ત સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ પ્રકલ્પને ઝડપભેર
પૂર્ણ કરવામાં તૈયારી ન દર્શાવતા જુદા-જુદા
કારણોસર આ અંગે વિલંબ થઈ રહ્યો છે. અંદાજિત દોઢ વર્ષ પૂર્વ મંજૂર થયેલા આ પ્રકલ્પ
અંગે સ્થાનિકે કોઈ પ્રકારની હિલચાલ જોવા મળતી નથી. આ અંગે માર્ગ અને મકાન વિભાગના
ઈજનેર પ્રવીણ મારવાડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે આ માર્ગ ઉપર
સાંગ નદી પાસે મેજર બ્રિજ આવતો હોવાથી પ્રકલ્પનો ખર્ચ વધી જાય છે. બ્રિજની ડિઝાઈન
મંજૂરી સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હાલમાં
આ પ્રકલ્પ માટે અંદાજિત 36 કરોડનો ખર્ચ
થશે. વધારાની વહીવટી સહિતની દરખાસ્ત ઉચ્ચકક્ષા
મોકલવામાં આવી છે, જેની મંજૂરી બાદ આગળની પ્રક્રિયા
હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનું સીધુ પ્રતિનિધિત્વ કરનારા રાજ્યમંત્રી આ મત વિસ્તારના
છે. લોકોની સુખાકારીને સ્પર્શતા આ મહત્ત્વના મુદ્દે વિલંબ થઈ રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્રનું
ગોકળગતિએ કામ થતું હોવાના કારણે મહત્ત્વનો પ્રકલ્પ ખોરંભે ચડયો હોવાના આક્ષેપભર્યો
ગણગણાટ સાંભળવા મળ્યો હતો. નોંધપાત્ર છે કે, ભુતકાળના સમયમાં
આ માર્ગ અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ચાર માર્ગીય બનાવવા માટે મનોમંથન થયુ
હતું. સાંગ નદી પાસેના બ્રિજના વિસ્તરણ ખર્ચ વધુ
હોવાથી આ પ્રકલ્પને કોરણે મૂકાયો હતો.
ઐતિહાસિક શહેરે આ માર્ગે વિકાસની કેડીએ ડગ માંડયા છે. તાજેતરમાં કળશ સર્કલથી ચિત્રકૂટ
સુધીના માર્ગને ચાર માર્ગીય બનાવવાનુ કામ ચાલી રહ્યં છે તેવામાં બાકી રહેતા રસ્તાને પણ સત્વરે
ચાર માર્ગીય બનાવવામાં આવે, તો નાગરિકોને
ચાર માર્ગીય રિંગરોડ મળી શકે.