દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 6 : ખારા પાણીનાં આક્રમણનો માર
ઝીલતા આ કાંઠાળ તાલુકામાં 4500 ચો.કિ.નું
ક્ષેત્રફળ ધરાવતી ધરતી મોસમી વરસાદની વાટ જોતી આંખ માંડી રહી છે ત્યારે તાલુકામાં સમાવિષ્ટ
એક મધ્યમ કદ સિંચાઇ યોજના અને 21 નાની સિંચાઇ
યોજના હેઠળનાં જળાશયોમાં સંગ્રહશક્તિ સામે હયાત જીવંત પુરવઠો 22.83 ટકા જાણવા મળ્યો હતો. માપર, ગોણિયા, પુનડી,
ધોકડા, લુડવા બેઝિંગ લેવલે છે. સૌથી વધુ પાણી 33 ફૂટની ઓગન ક્ષમતા સામે 19'-6'' વિજયસાગરમાં હોવાની વિગતો મળી
છે. ડોણ ખાતેનો જ્યોતેશ્વર ડેમ મધ્યમ સિંચાઇ યોજનામાં છે અને તે અત્યારે માત્ર 22.31 ટકા વરસાદી જળ જાળવી બેઠો છે.
હવામાન વિભાગમાંથી મળતો મોસમનો વર્તારો મોસમની ધીમી સંભાવનાઓ આપતો હોવાથી કૃષિકારો
ભાગ્યના ભરોસે છે. મહેસૂલ વિભાગમાંથી નાયબ મામલતદાર હરેશભાઇ આમનાની જાણકારી પ્રમાણે
તાલુકામાં શહેર, ગ્રામ્ય વિસ્તારના રેવન્યૂ
એરિયાનું એકંદર ક્ષેત્રફળ 4500 ચો.કિ.મી. છે. તાલુકામાં 90 ગ્રામ પંચાયતો છે અને ખેતીવાડીની જમીન એક લાખ ઓગણચાલીસ હજાર
એકસો ઓગણત્રીસ હેક્ટર છે. સિંચાઇ યોજનાના કાર્યવાહક અધિકારી યુવરાજસિંહ સિસોદિયાએ આપેલી
અને મેના ત્રીજા અઠવાડિયાની સ્થિતિ પ્રમાણે વરસાદી નીર માટેના જળાશયોની એકંદર સંગ્રહશક્તિ
2627 મિલિયન ઘનફૂટ સામે હયાત પુરવઠો
600 મિલિયન ઘનફૂટ બચ્યો છે. એ અંદાજિત
સંગ્રહ નજરે વીસ-બાવીસ ટકા આસપાસ સંગ્રહ છે. લુડવા,
ધોકડા, પુનડી, ગોણિયાસર,
માપર, વિરાણી, ઘોડાલખ ડેમ
તળિયે છે. ધુણઇ ડેમ માત્ર 6 ફૂટે છે. વાંઢ ડેમ કેવળ 6 ઇંચે છે. દેઢિયામાં દોઢ ફૂટ અને કોટડી ડેમ માંડ બે ફૂટ સપાટીએ
છે. તાલુકામાં સૌથી વધુ વરસાદી પાણી સંગ્રહ 19'-6'' પ્રવાસન ધામ વિજયસાગર ડેમમાં છે જેની ઓગન સપાટી 33 ફૂટ છે. વેંગડી 25 ફૂટ સામે 9.6 ફૂટ, ખારોડ 29 ફૂટ સામે 5'-06'', ધુણઇ 30 ફૂટ સામે 6 ફૂટ,
વણોઠી 16 ફૂટ સામે
6 ફૂટ,
ફરાદી 15 ફૂટ સામે
9'-06'', રાજડા 24 ફૂટની ક્ષમતા સામે સાડા ચાર
ફૂટ લેવલે છે. ફિલોણ 4 મીટર સામે
એક મીટરે છે. તાલુકામાં મધ્યમ સિંચાઇ હેઠળના એક જળાશય (ડોણ)ની 490 હેક્ટર, જ્યારે નાની સિંચાઇ હેઠળના 21 જળાશયો હેઠળ 7884 હેક્ટરની જમીન સિંચાઇ યોજનાઓ
આધારિત મોટી નદી ચેકડેમ હેઠળ લગભગ 15 હેઠળ 1587 હેક્ટર અને
નાના ચેકડેમો 356 હેઠળ 2314 હેક્ટર ખેતજમીન સિંચાઇ હેઠળ
જોતાં તાલુકામાં ખેતીવાડી વિસ્તાર 1,43,876 હેક્ટર છે. શહેર, તાલુકાની આબાદી ત્રણેક લાખ, પાલતુ પશુઓ, વગડાઉ જીવ જાનવર, વિહંગો વરસાદ ખેંચાય અને જળાશય સૂકાઇ
જાય તો વલખાં મારે કે સોરવાય તે સ્વાભાવિક છે. આવી અપ્રિય ઘડીની નોબત આવે તો નર્મદા
નહેર વાટે જળાશયો ભરવાનું આગોતરું આયોજન સરકારે કરવાનું રહે તેવો સૂર સાંભળવા મળ્યો
હતો. ભારતીય મોસમ વિભાગના હવાલાથી પ્રસરેલી જાણકારી મુજબ આવતું ચોમાસું સામાન્ય કરતાં
ઓછી વર્ષાની સંભાવના જો સાચી પડે તો મોન્સૂનની શરૂઆત ધીમી અને શુષ્ક રહે તો કૃષિ આધારિત
અર્થતંત્ર ઉપર માઠી અસર નકારાય નહીં અને તેની આડઅસરે મોંઘવારી વધે, પડયા ઉપર પાટુ જેવા હાલ થાય. છેલ્લા વર્ષોમાં વરસાદી રેલમછેલ મોટાભાગે વાવાઝોડાંની
ઝાપટને લીધે થતી રહી. સદ્નસીબે આ વર્ષે હજુ એવી અપ્રિય આફતથી ઉગરી જવાયું છે. આ દરમ્યાન
અતિશય ગરમી અને બફારાને કારણે ત્રાસેલી સર્પ પ્રજાતિ રહેઠાણો સુધી દેખા દેતાં ધરતીના
ધણીની પધરામણીનો ઈન્તજાર છે.