ભુજ, તા. 4 : કુદરતની સુંદરતા અને પ્રકૃતિનાં
સંરક્ષણ માટે કચ્છની સૌપ્રથમ ઇકો ફ્રેન્ડલી તેમજ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 પ્રોટો ટાઈપ સ્કૂલ મહારાણી
પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ છેલ્લાં 25 વર્ષથી `સચેત નાગરિક પર્યાવરણ રક્ષક' મિશનથી લોકોને જાગૃત કરી રહ્યા છે. અહીં બાળકોને
નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં
આવે છે, જે અંતર્ગત બાળકો પોતાના અડોશ-પડોશમાં રહેતા લોકોને પર્યાવરણનું
સંરક્ષણ કેવી રીતે કરવું તે માટે શિક્ષિત કરે છે. શાળાની રોજિંદી પ્રવૃત્તિઓમાં પર્યાવરણ
શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. આજે સમગ્ર જગતમાં વિષમ પરિસ્થિતિઓ ઉદ્ભવી રહી છે,
આ બાબતોથી લોકોને અવગત કરવા તેમજ પ્રકૃતિના સંરક્ષણ માટે આ શાળા દ્વારા
વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વ્યાપક સમુદાયને પર્યાવરણીય મુદ્દાઓ
વિશે જાગૃત કરવાનો છે. જેમ પૃથ્વી એક છે તેવી જ રીતે કચ્છ પણ એક જ છે, જે અત્યાર સુધી પર્યાવરણપ્રેમીઓ દ્વારા રક્ષાયેલું છે પણ જો સાથે મળીને આપણે
તેનું રક્ષણ નહીં કરીએ તો આપણે તેને ખોઈ બેસશુ. આજે સમગ્ર જગતમાં ક્યાંક અતિવૃષ્ટિ,
દાવાનળ, દુકાળ, ધરતીકંપ,
વાવાઝોડાં જેવી વૈશ્વિક કુદરતી આફતો આવે છે, જેનું
મુખ્ય કારણ મનુષ્ય દ્વારા થતો પ્રકૃતિનો દુરુપયોગ છે. પ્રકૃતિ એ કુદરતે આપેલો અમૂલ્ય
વારસો છે જેનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. પૃથ્વી એ કુદરતે આપેલી ભેટ છે અને ભેટનું
મહત્ત્વ તો અનન્ય જ હોય! લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી
સ્કૂલનાં બાળકો, આચાર્ય તેમજ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ
સંરક્ષણ મિશન ચલાવે છે. આ ઉપરાંત કમ્પોઝ પીટ કેવી રીતે બનાવવું તેનું વિદ્યાર્થીઓ દ્વારા
તૈયાર કરાયેલા વીડિયો વડે માર્ગદર્શન આપ્યું છે. જાહેર જગ્યા ઉપર જઈ સામાન્ય નાગરિકોનાં
મંતવ્યો પણ જાણ્યા છે તેમજ શાળામાં તેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તેનું પ્રદર્શન અને
વેચાણ પણ કરે છે. ઘરનો કચરો આસપાસ ન ફેંકતાં નગરપાલિકા દ્વારા કરાયેલી કચરાના નિકાલની
વ્યવસ્થાનો ઉપયોગ કરે તેવો લોકોને અનુરોધ કરે છે.