• શનિવાર, 06 જૂન, 2026

હંગામી બિનખેતી થકી બનતા પ્રકલ્પોથી કાનુની વિવાદની ભીતિ

રાપર, તા. 4 : ગુજરાતમાં પુન: પ્રાપ્ય ઊર્જા અને ખાસ કરીને સોલાર ઊર્જા ક્ષેત્રે થઈ રહેલાં વ્યાપક રોકાણો વચ્ચે ખેડૂતો અને જમીન માલિકોના કાનુની અનિશ્ચિતાઓ ઊભી થવાની સંભાવના હોઈ વિવિધ મુદ્દે સ્પષ્ટતા કરવા રાપરના પૂર્વ ધારાસભ્ય દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં હજારો એકર ખેતીની જમીનો ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સને 29થી 30 વર્ષના લાંબા ગાળાનાં ભાડાં પેટે આપવામાં આવી રહી છે. આ જમીનો  ઉપર  કંપનીઓ દ્વારા `હંગામી બિનખેતી'ની મંજૂરી મેળવીને પ્રોજેક્ટ નાખવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયાના કારણે ભવિષ્યમાં ખેડૂતો, મહેસૂલી અધિકારીઓ, બેંકો અને રોકાણકારો વચ્ચે મોટા કાનુની વિવાદો ઊભા થવાની સંભાવના છે. આ બાબતે રાજ્યભરમાં વહીવટી એકરૂપતા જળવાઈ રહે તે માટે વિવિધ મુદ્દાઓ, જેમાં ખેડૂતનો દરજ્જો અને જમીન ખરીદી જે સોલાર કંપની લાંબા ગાળાની લીઝ પર જમીન આપ્યા બાદ અને હંગામી એન.એ. થયા પછી પણ મૂળ જમીન માલિક `ખેડૂત તરીકે નો કાનુની દરજ્જો' યથાવત્ રહે છે કે નહીં?, ખેડૂત અન્યત્ર નવી ખેતીની જમીન ખરીદી કરી શકે કે કેમ?, ગુજરાત કૃષિ જમીનધારણ મર્યાદા અધિનિયમ હેઠળ મૂળ જમીન માલિકના કુલ જમીનધારણમાં ગણાશે કે કેમ ?, લીઝ સમયગાળા દરમ્યાન જો ખેડૂત પોતાની જમીન વેચવા માંગે, તો તે માત્ર ખેડૂત વ્યકિતને જ વેચી શકે કે પછી હંગામી એન.એ.ના કારણે બિનખેડૂત કે કોઈ કંપનીને વેચી શકે કે કેમ, તેની પર ખેડૂતધારો લાગુ પડે કે નહીં, આ પ્રકારની જમીનો પર વારસાઈ હક્કોની નોંધણી, બેંક ધિરાણ, અને અન્ય કાનુની વ્યવહારો કઈ શ્રેણી હેઠળ ગણાશે ?, હંગામી એન.એ. પછી જમીનનો મૂળ કૃષિ સ્વભાવ કાયદાની દૃષ્ટિએ યથાવત્ રહે કે બદલાઈ જશે. સોલાર ઊર્જા પ્રોજેક્ટ માટે લાંબા ગાળાની લીઝ હેઠળ આપવામાં આવેલી ખેતીની જમીન અંગે જમીનધારણ મર્યાદા, ખેડૂત દરજજ્જો, ખરીદ-વેંચાણહંગામી બિનખેતી તથા સંબંધિત મહેસૂલી પ્રશ્નો અંગે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા ગુજરાતનાં મહેસૂલ વિભાગના અગ્રસચિવને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પંકજભાઈએ વધુમાં ઉમેર્યું હતુ કે, આ પ્રશ્નો માત્ર કોઈ વ્યકિત ગત કેસ પુરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યના હજારો ખેડૂતનાં ભવિષ્ય અને કરોડો રૂપિયાનાં રોકાણો સાથે જોડાયેલા છે. હાલમાં જુદા જુદા જિલ્લાઓમાં સ્થાનિક કક્ષાએ મહેસૂલી અધિકારીઓ દ્વારા આ કાયદાઓનું અલગ-અલગ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કાનુની અનિશ્ચિતતા ઊભી થઈ છે. ખેડૂતોના હક્કો સુરક્ષિત રહે અને સોલાર ક્ષેત્રે પારદર્શિતા આવે તે માટે રાજ્ય સરકાર વહેલી તકે એક સર્વગ્રાહી પરિપત્ર જારી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં ખેડૂતો, મહેસૂલી અધિકારીઓ, બેંકો અને રોકાણકારો વચ્ચે મોટા કાનુની વિવાદો ઊભા ન થાય તથા તથા તેઓના હિતો જળવાઈ રહે તેવું તેમણે જણાવ્યું હતું. 

Panchang

dd