દયાપર (તા. લખપત), તા. 4 : છેવાડાના
સૂકા લખપત તાલુકામાં ખરેખર પર્યાવરણ સાચવણીની ખૂબ જરૂર છે. છેલ્લા 26 વર્ષથી દુષ્કાળ પડયો નથી. નિયમિત
વરસાદ વરસી રહ્યો છે. છતાંય તાલુકામાં જંગલ ખાતાની સાચી નિષ્ઠા હોય તો 26 વર્ષમાં તાલુકો જમ્મુ-કાશ્મીર
જેવો હરિયાળો બની જાય પણ જાળવણીમાં બેદરકારી, પાણીનું સિંચન ન થવું જેવી બાબતોને લઇ તાલુકામાં વૃક્ષ વાવેતર, વન મહોત્સવ, ચેરીયા વાવેતરના કરોડોના ખર્ચ જાણે એળે જઇ રહ્યો છે. - ઓક્સિજન પાર્ક : તાલુકાના વન વિભાગના વિસ્તરણ વિભાગ દ્વારા
મોટી સંખ્યામાં ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું છે. ઘણી જગ્યાએ વૃક્ષપ્રેમીઓએ પોતાના
કિંમતી પ્લોટ, ખેતર પાંચ વર્ષ સુધી કોઇપણ
ભાડું લીધા વગર નિ:સ્વાર્થ ભાવે જંગલખાતાને વૃક્ષ વાવેતર માટે આપ્યાં છે. પરંતુ આ ઓક્સિજન
પાર્કને જોતાં 1100 રોપાનું બોર્ડ
મારેલું છે. પણ અહીં 35 આંબલી, 45 લીમડા તેમજ
અન્ય 100 જેટલા વૃક્ષો થઇ 200 વૃક્ષ માંડ વાવ્યા છે. છતાં
1100નું બોર્ડ મારેલું છે. સંખ્યા
દર્શાવેલ છે. વૃક્ષોને સમયાંતરે પાણી મળતું નથી. દેખરેખ માટે કોઇ માણસ નથી, પરિણામે પાંચ વર્ષમાં આ કેટલા છોડ બચશે તેવા
પ્રશ્નો જાગૃત નાગરિકોએ કર્યા હતા. જાણે ખુદ `ઓક્સિજન પાર્ક' ઓક્સિજન પર ચાલી રહ્યાં છે. - ચેરિયા વાવેતર : કોટેશ્વર ક્રીક વિસ્તારમાં તેમજ અન્ય દરિયા
કિનારા કે બેટ વિસ્તારમાં જંગલખાતા દ્વારા મોટાપાયે ચેરિયાનું વાવેતર થયું છે. પરંતુ
આ વૃક્ષ થોડા મોટા થવા માંડે ત્યાં જ અચાનક સૂકાવા માંડે છે. જીવજંતુની અસર તળે આવા
કેટલાય ચેરિયાના છોડ `ઠુંઠા' થઇ ગયાં છે. ખાસ કરીને લક્કી નાળા વિસ્તારમાં
ચેરિયાના `ઠુંઠા' એટલા ખતરનાક હોય છે કે, પગને ચીરા પાડે છે, લોહી ફૂટી આવે છે. વિસ્તારોમાં બી.એસ.એફ.ના
જવાનો પેટ્રોલિંગ કરતાં હોય છે, તેમને પણ તકલીફ પડે છે. દરવર્ષે
ચેરિયા વાવેતરનો લક્ષ્યાંક નક્કી હોય છે. આ વર્ષે કેટલા વૃક્ષો વવાશે ? તેવો પ્રશ્ન રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી આશરાને કરતાં તેમણે કહ્યું હતું કે,
આ વર્ષનો ટાર્ગેટ હજુ આવ્યો નથી. ઉઘાડા પગે ચેરિયામાં ચાલતાં પગમાં ઇજા
થઇ શકે છે. `ઠુંઠા' બની જવાના કારણ અંતર્ગત તેમણે કહ્યું હતું કે,
છોડમાં કડ (બાર નિકલ્સ) બગાઇની જેમ ચોટી જાય છે, ત્યારે છોડને નુકસાન થાય છે. - સદ્ભાવનાની વૃક્ષ ભાવના : સદ્ભાવના સંસ્થા દ્વારા લખપત તાલુકાના રોડની બંને સાઇડમાં મોટાપાયે
વૃક્ષારોપણ કરાયું છે. જેમાં પિંજરાની વ્યવસ્થા પણ કરાઇ છે. આ સંસ્થા દ્વારા પાણીના
ટેન્કરો, મરંમત માટે મજૂરો ગોઠવી ઝાડને સૂકવવા નથી દેતા
એટલી ગંભીર કાળજી રાખે છે, જેના કારણે વૃક્ષ વાવેતરમાં ઘણી સફળતા
મળી છે અને છોડ લીલાછમ દેખાઇ રહ્યાં છે.