• શનિવાર, 06 જૂન, 2026

અબડાસાના પ્રવેશદ્વારે અનોખું વૃંદાવન ધામ બનશે

ભુજ, તા. 4 : પર્યાવરણને બચાવવા અને ગ્લોબલ વોર્મિંગથી બચવા સમગ્ર દેશ-દુનિયામાં પગલાં લેવાઈ રહ્યાં છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે પાંચમી જૂને કચ્છની વાત કરીએ તો હવે કચ્છમાં પણ વૃક્ષોનું જતન અને માવજત કરવાની મોટી જાગૃતિ જોવા મળે છે. એક સમયે સૂકો વિસ્તાર ગણાતાં કચ્છમાં અનેક સ્થળે આંખ ઠારે તેવાં દૃશ્યો જોવા મળે છે. આવો જ એક વિસ્તાર છે અબડાસા, જ્યાં ઝાડ ગોતવા મુશ્કેલ હતાં ત્યાં હજારો રોપાનું વાવતેર થતું જાય છે. ખાસ કરીને કોરોના સમયે વૃક્ષનાં મહત્ત્વની ખબર પડી ને વગર પૈસે ઓક્સિજન આપતાં વૃક્ષોની સાચી કિંમત જોવા મળતાં કોઈપણ જાતની પરવા કર્યા વગર વૃક્ષો કપાતાં હવે અટકી ગયાં છે. એટલું જ નહીં ઘર કે ગામ નહીં ખુલ્લા મોટા-મોટા પ્લોટમાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. અબડાસાની વાત કરીએ તો પ્રવેશદ્વારે રાતાતળાવ પાસે અનોખા વૃંદાવન ધામનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં એકસાથે બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. વૃંદાવન ધામનું નિર્માણ થાય અને આ હજારો વૃક્ષોના છાંયડામાં ગૌવંશ વિચરે એવા ઉમદા વિચાર સાથે સેવાધામ રાતાતળાવ પાસે ઓધવરામ સત્સંગ મંડળ સંચાલિત વાલરામજી પાંજરાપોળને અદ્યતન બનાવવાના ભાગરૂપે સૌથી પહેલાં વૃંદાવન ધામ માટે વૃક્ષારોપણ જરૂરી છે. સંસ્થાના સ્થાપક મનજીભાઈ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા વર્ષો પહેલાં ઘણા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરાયું છે અને વખતોવખત તેમાં વધારો પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ સંત વાલરામજી મહારાજ પાંજરાપોળના આધુનિકીકરણ કરવાના દાતા એવા રેખાબેન નીલેશભાઈ મંગે દ્વારા અહીં વૃંદાવન ધામ બનાવવાની શરૂઆતના ભાગરૂપે રાતાતળાવ પાંજરાપોળ સંકુલ તથા નલિયા-દેશલપર મુખ્ય માર્ગની બને બાજુ મળી 2000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં હજી પણ વૃક્ષો વધારે વાવી અને હરિયાળી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર હવે કચ્છમાં વધતા પ્રવાસનનાં મહત્ત્વનાં કારણે સતત પ્રવાસીઓની અવર-જવર થતી હોય છે. સંસ્થાના સંકુલમાં ચાલતા અન્નક્ષેત્રોનો પણ અનેક પર્યટકો લાભ લઈ રહ્યા છે. આવા સંજોગોમાં પ્રવાસીઓને એક નૈસર્ગિક સ્થળ મળે એટલે વિશાળ વિસ્તારમાં વૃંદાવન ધામ બનાવવાથી ગીચ વૃક્ષોમાં આવવાનો મોકો પણ મળશે એમ તેમણે જણાવ્યું હતું. રાતાતળાવ એ અબડાસાનું પ્રવેશદ્વાર છે. આવનાર દિવસોમાં પિંગલેશ્વર બીચને વિકસાવવાની રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારે રાતાતળાવ ખાતે અદ્યતન પાંજરાપોળ, પશુ હોસ્પિટલ અને વૃંદાવન ધામ જેવા જોવાલાયક સ્થળ પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુમાં રાતાતળાવથી નરેડી જતા રસ્તે નરેડી પ્રગતિ મંડળ, જૈન મહાજનના સહયોગથી રાતાતળાવથી છેક નરેડી સુધી રસ્તાની બંને બાજુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. બીજીબાજુ ભીમાસર, બાલાચોડ નાની-મોટી વિસ્તારમાં ભાનુશાલી મહાજન દ્વારા ત્રણ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. થોડું આગળ બેરાચિયા પાસે સામાજિક વન વિભાગ દ્વારા અદ્યતન નર્સરી બનાવવામાં આવી છે અને આ નર્સરીમાં પાંચ ફૂટ જેટલા રોપા ઉછેરવામાં આવ્યા છે જે આસપાસના ગામોમાં આપવામાં આવે છે.મોથાળા ગામના સ્મશાનમાં આજથી 35 વર્ષ પહેલાં ગામના જાગૃત લોકોએ 1500 જેટલાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જે આજે આ નીલગીરીના ઝાડ વટવૃક્ષ બનીને શોભી રહ્યા છે. 

Panchang

dd