• શુક્રવાર, 22 મે, 2026

ભગવાનના ચરિત્રો સાંભળવાથી મન શાંત થાય છે

ભચાઉ, તા. 21 : કણભા ગુરુકુળના 25મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે તા. 22 મે સુધી આયોજિત કથામાં ભગવાનના ચરિત્રો સાંભળવાથી મન શાંત થાય છે, તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિવિધ ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આણંદ રોકડિયા હનુમાન અને સહજાનંદ સ્મૃતિ મંદિરના કોઠારી તથા સર્વજીવ હિતાવ: કણભા ગુરુકુળના ઉપમેનાજિંગ ટ્રસ્ટી મંડળના વડીલ સંત શાત્રી સ્વામી ભક્તવત્સલ સ્વામીજીએ કહ્યું હતું કે, અનેક જન્મોના પુણ્ય કર્મ કર્યા હોય તેને આવા ઉત્સવોનો લાભ મળે છે, તેમણે યજમાન પરિવાર તથા હરિભક્તોને ભાગ્યશાળી ગણાવ્યા હતા. પ્રારંભમાં પોથીવક્તાનું પૂજન, પોથીયાત્રા તથા યજમાનો દ્વારા સંતોનું  પૂજન કરવામાં આવ્યું હતું. મંડળના મુખ્ય સંત પુરાણી સ્વામી ન્યાલકરણદાસજી સ્વામીએ વ્યાસાસનેથી જણાવ્યું હતું કે, ભગવાનના ચરિત્રો સાંભળવાથી મન શાંત થાય છે. શતાનંદ સ્વામી રચિત સત્સંગી જીવન શાત્ર એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોર અને ચિંતામણિ તુલ્ય છે. અનંત કોટિ જન્મોના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આ કથા સાંભળવાનો યોગ પ્રાપ્ત થાય છે, તેમણે શ્રદ્ધાથી કથા સાંભળવાનો અનુરોધ કર્યો હતો. પારાયણના બીજા વક્તા  પુરાણી સ્વામીએ કહ્યું હતું કે, ભગવાન પાસે શું માગવું ? ચાર પ્રકારના કુસંગ થકી તથા કામ, ક્રોધ આદિ અંત: શત્રુથી રક્ષા માગવી-ભગવાનના સાચા સંતનો યોગ માગવા કહ્યું હતું. ભગવાનનો દૃઢ આશરો એ જ સાચો માર્ગ છે. વડીલો તથા વિદ્વાનોનો યોગ્ય આદર કરવો તથા પુરુષોત્તમ માસમાં ભગવાનની જે ભક્તિ કરશે તેને અધિક ફળ પ્રાપ્ત થશે. પારાયણ નિમિત્તે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે પણ પોતાનો ભાવ કથામાં વ્યક્ત કર્યે હતો. મંદિરમાં ઘનશ્યામ મહારાજનું પુરુષોત્તમ માસ નિમિત્તે રાજોપચારથી વિશાળ હરિભક્તોના સમુદાય વચ્ચે પૂજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે હવન તથા અભિષેક પણ કરવામાં આવ્યા હતા. કથા અંતર્ગત હરિ પ્રાગટય ઉત્સવ ધામધૂમથી ઊજવાયો હતો તથા રાત્રે ગુરુકુળના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સત્સંગમાં મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. અધિક માસ નિમિત્તે દરરોજ નવા ઉત્સવ યોજવામાં આવશે, એમ મંડળની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ઉત્સવનું સંચાલન ઘનશ્યામ વહાલકારકદાસજી સ્વામી કરી રહ્યા છે. 

Panchang

dd