ગાંધીધામ, તા. 21 : મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાં ડીસી-પાંચના પાછળના ભાગે ડમ્પિંગ
સાઈડની બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે ઢોરવાડાનું નિર્માણ થઈ રહ્યું છે. પતરાનો શેડ બનાવવામાં
આવ્યો છે, તેનું 31 લાખ રૂપિયાનું
ચૂકવણું થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ ચોમાસામાં ઢોરવાડો ડૂબમાં જાય
તેવી ભીતિ ઊભી થઈ છે. અહીં લગભગ 50 લાખથી વધુના ખર્ચે ઢોરવાડો
બનાવવાનો છે, કામગીરી શરૂ થઈ છે. છાપરું બનાવવામાં આવ્યું છે. તેનું લાખો રૂપિયાનું
ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જમીન કરતાં ઢોરવાળો ચાર ફૂટ કરતાં વધુ નીચે
છે. ભરતી ભરવામાં આવી નથી. ચોમાસા પહેલા ભરતી નહીં ભરાય તો ઢોર વાળો ડૂબમાં જાય તેવી
ભીતિ છે. અહીં હાલના સમયે રખડતા ઢોરને પકડીને રાખી શકાય તેવી સ્થિતિ નથી. કામગીરી અધૂરી
છે અને લાખો રૂપિયાનું ચુકવણું થઈ રહ્યું છે. છતાં પણ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરવાની
તસ્દી લેતા ન હોવાના આક્ષેપો જાણકારો કરી રહ્યા છે. મહાનગરપાલિકા વિસ્તારમાંથી પકડેલા
ઢોર કોઈ ગૌશાળાઓ લેવાની ના પાડે અથવા તો કોઈ કારણે ગૌશાળામાં મોકલી ન શકાય તેવી સ્થિતિમાં
આ રખડતા ઢોરને ત્યાં રાખવા એક મોટો પ્રશ્ન ઊભો થાય તેવી સંભાવના છે. હાલના સમયે જે
રીતે ઢોરવાડો બનાવાયો છે, તેમાં તો ઢોરને રાખવા સંભવ નથી. જો તેમાં ઢોર રાખ્યા હોય
અને વરસાદ પડે તો તેમાં વ્યાપક પાણી ભરાય તેમ છે. જેના કારણે પશુઓને નુકસાન પહોંચે
તેવી ભીતિ છે. જમીનના મુખ્ય લેવલ કરતા ઢોર વાળો ચાર ફૂટથી વધુ નીચે છે. તેના કારણે
પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવના છે. ઢોરવાડાનું
કામ અધૂરું છે, અવાડા બનાવવાના પણ બાકી છે. રૂપિયાના ચુકવણા કરવામાં આવી રહ્યા છે. - રૂપિયાનું ચુકવણું કરતાં પહેલાં સ્થળ નિરીક્ષણ જરૂરી : મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને
લાખો રૂપિયાનું ચુકવણું કરતા પહેલા સ્થળ નિરીક્ષણ કરવું જોઈએ અને કામગીરી મુજબના રૂપિયાનું
ચુકવણું કરવું જોઈએ તેવું શહેરના જાગૃત નાગરિકો કહી રહ્યા છે. ઢોરવાડામાં એન્જિનિયરના
હિસાબે લાખો રૂપિયાના ચૂકવણા થઈ રહ્યા છે. ખરેખર અધિકારીઓએ જમીન ઉપર તપાસ કરીને તિજોરીમાંથી
રૂપિયા આપવા જોઈએ. હાલ આ મામલામાં કમિશનર ખુદ તપાસ કરે તેવી માંગ ઊઠી છે.