કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 21 : વિકાસના નારા સાથે કચ્છની
નગરપાલિકાઓમાં ભાજપે સત્તા તો હાંસલ કરી, પરંતુ ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તુલનાએ
વિપક્ષ મજબૂત બનતાં જિલ્લાની પાંચ સુધરાઇમાં શાસકો માટે શાસન ચલાવવું મુશ્કેલ બની રહેશે.
જો કે, આવી પરિસ્થિતિનો સામનો કરવામાંથી માંડવી નગરપાલિકાના શાસકો બચી ગયા છે કેમ કે,
છમાંથી માત્ર એક માંડવી નગરપાલિકાની ચૂંટણીમાં
સમગ્ર બેઠકો ભાજપે અંકે કરી લીધી હતી. તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીઓમાં ભાજપે સત્તા તો મેળવી, પણ ધીરે ધીરે લોકોની નારાજગી બહાર આવતાં તેનો ફાયદો
કોંગ્રેસને થયો અને ગત ચૂંટણીની તુલનાએ આ વખતે વિપક્ષની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો.
સત્તા મેળવ્યા બાદ બે દિવસ પહેલાં જ ભાજપે તમામ નગર-પાલિકાઓના પદાધિકારીઓની જાહેરાત
કરી અને કચ્છની છ નગરપાલિકાનું શાસન સંભાળ્યું. જે કે, કોંગ્રેસે હજુ વિપક્ષી નેતાનાં
નામો જાહેર નથી કર્યાં, પરંતુ કોંગ્રેસી નગરસેવકોએ લોકપ્રશ્નોને વાચા આપવા સાથે મોરચો
સંભાળી લીધો છે અને ખાસ કરીને ભુજમાં વિપક્ષનો આકરો મૂડ સ્પષ્ટ કળાય છે જે નિહાળી આગામી
સમયમાં શાસકો માટે શાંતિથી બેસી રહેવાની શકયતાઓ ઓછી દેખાઇ રહી છે. - ભુજમાં શાસકો માટે વિકાસનાં
કામોમાં ચૂક પાલવશે નહીં : રાજકારણનું
એપી સેન્ટર લેખાતાં કચ્છના મુખ્ય મથક ભુજના 11 વોર્ડની 44 બેઠકમાંથી
ભાજપે 28 બેઠક અંકે કરી, પણ સામે કોંગ્રેસ-13 અને નવા પક્ષ તરીકે પદાર્પણ
કરનાર એઆઇએમઆઇએમની 3 બેઠકો મળી
16 બેઠકો સાથે વિપક્ષે વિરોધનું
મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી લીધું છે. અહીં નોંધનીય છે કે, વિજેતા જાહેર થયાના થોડા
દિવસો બાદ જ કોંગ્રેસે લોકોના પ્રશ્નો લઇ સુધરાઇ ગજાવવાનું શરૂ કરી દીધું છે, જે જોતાં
આગામી સમયમાં આ વિરોધની જ્વાળા વધુ ભયંકર સ્વરૂપ લેશે જેને ઠારવી શાસક પક્ષ માટે મહેનત
માગી લેશે. - મહાનગરપાલિકામાં પણ વિપક્ષ
ડબલ ડિજિટમાં : કચ્છનું
આર્થિક હબ લેખાતા અને મહાનગરપાલિકાનો દરજ્જો મેળવનાર પંચરંગી શહેર ગાંધીધામમાં સત્તા
પક્ષે 41 બેઠક સાથે મજબૂત સત્તા મેળવી,
પણ સામે વિપક્ષે સિંગલ ડિજિટમાંથી ડબલ આંકમાં બેઠકો મેળવી ભાજપ માટે `ઈઝી ગોઇંગ'ને `ટફ' બનાવી નાખી, જેથી ભાજપના પદાધિકારીઓ
માટે વહીવટ સામાન્ય નહીં રહે તે નક્કી છે. - ઐતિહાસિક શહેર અંજારમાં વિપક્ષ વધુ મજબૂત : રાજાશાહી
સમયથી જ ઐતિહાસિક શહેર અંજાર રાજકીય ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ વખતે ફરી ભાજપે 27 બેઠક પર વિજય પતાકા લહેરાવી
શાસન જાળવી રાખ્યું છે, પણ ગત ટર્મમાં માત્ર એક જ વિપક્ષી નેતા હોવા છતાં લોકપ્રશ્ને
લડતમાં કયાંયે કચાશ ન રાખી સત્તા પક્ષ માટે
પડકાર સર્જ્યો હતો, ત્યારે આ વખતે વિપક્ષના ફાળે નવ બેઠક આવતાં સુધરાઇના સત્તાધીશોને
વિવિધ કામોમાં વધારે ચીવટ રાખવી પડશે અને લોકસમસ્યાઓ પણ સત્વરે ઉકેલવી પડશે. - મુંદરા-બારોઇ નગરપાલિકામાં
કેસરિયો લહેરાયો, તો વિપક્ષે પણ પંજો ફેલાવ્યો : ઔદ્યોગિક
ક્ષેત્રે ઝડપભેર વિકસતા અને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મેળવનારા મુંદરા
શહેર સાથે બારોઇ જોડાઇ બનેલી નગરપાલિકાની આ વખતે બીજી ચૂંટણી યોજાઇ, જેમાં 19 બેઠક સાથે ભાજપે કેસરિયો
લહેરાવ્યો, તો તેની સામે કોંગ્રેસે પણ 9 બેઠક અંકે કરી પંજો મજબૂત બનાવ્યો અને આ પંજો વિવિધ સમસ્યાઓમાંથી
છુટકારો અપાવવા લોકોનો હાથ પકડશે જેથી સત્તા પક્ષ માટે પડકારરૂપ બની રહેશે. - નખત્રાણા સુધરાઇમાં ભાજપ
સાથે કોંગ્રેસનું પણ પદાર્પણ : નવરચિત નખત્રાણામાં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં 24 બેઠક સાથે ભાજપનું રાજતિલક
થયું, તો સાથોસાથ કોંગ્રેસે પણ ચાર બેઠક પંજામાં અંકે કરી સુધરાઇમાં પદાર્પણ કર્યું
છે. સુધરાઇના નવનિયુક્ત શાસકો હજુ નગરપાલિકાનો વહીવટ સમજશે અને વિકાસનાં કામો હાથ ધરશે
ત્યારે તેમાં રહેલી ખામીઓ સાથે વિપક્ષ પણ મજબૂત રીતે વિરોધ નોંધાવી લોલંલોલ ચાલવા નહીં
દે તે નક્કી છે. - બંદરીય
શહેર ભાજપના મુકુટની કલગી બન્યું : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ નગરપાલિકાઓની બેઠકો પર કોંગ્રેસે
પોતાની છાપ જાળવવા ઉપરાંત તેમાં વધારો કર્યો છે, જ્યારે એકમાત્ર માંડવી શહેરે તમામ
36 બેઠક ભાજપને ધરી સત્તા પક્ષના
મુકુટની કલગી બની ઊભરી આવ્યું અને શહેરીજનોના મતોનાં મોજાંમાં ભાજપ તરી ગયો અને કોંગ્રેસ
તણાઇ ગઈ. સરવાળે કચ્છ નગરપાલિકાઓના નવનિયુક્ત શાસકો માટે વિકાસનો પથ કાંટાળો રહેશે
તે નક્કી છે.