• મંગળવાર, 25 જૂન, 2024

જૈનોના વર્ધમાનનગરમાં વિદ્યાર્થીઓ માટે ટયુશન વર્ગ શરૂ કરવા સૂચન

ભુજ, તા. 18 : ભુજ નજીક જૈનોનાં વર્ધમાનનગરમાં વર્ધમાનનગર ઓનર્સ એસો. દ્વારા વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વર્ધમાનનગરનાં 130 વિદ્યાર્થી ભાઇ-બહેનનું સરસ્વતી સન્માન કરાયું હતું. અધ્યક્ષ રાહુલભાઇ મહેતાના પ્રમુખ પદે તથા સંસ્થાના પૂર્વ મંત્રી આર. સી. શાહ, માતૃછાયાના પૂર્વ આચાર્યા નલિનીબેન શાહ, દાતા જિતેન્દ્ર બી. શાહ, માનવજ્યોતના પ્રબોધ મુનવરના અતિથિવિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં કસ્તૂરબાઇ મ.સા. તથા સાધ્વી અર્ચિતગુણાશ્રીજી મ.સા.એ માંગલિક શ્રવણ કરાવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમના ચેરમેન તુષારભાઇ જૈને મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો. ગીતાબેન ઝવેરી, જયાબેન મુનવર, અમિતા જૈને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. હેની ચેતન મહેતાએ સરસ્વતી વંદના રજૂ કરી હતી. મંચસ્થ અગ્રણીઓના હસ્તે નગરના વિદ્યાર્થી ભાઇ-બહેનોને પ્રમાણપત્ર તથા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. સ્વામીવાત્સલ્યના દાતા જયાબેન બાબુલાલ કલ્યાણજી શાહનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું. કાર્યક્રમના દરેક દાતાઓનું સન્માન કરાયું હતું. આર. સી. શાહે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી આવનારા દિવસોમાં ટયુશન કલાસીસ વર્ધમાનનગર મધ્યે શરૂ કરવા સૂચન કર્યું હતું. ધીરજભાઇ પારેખે સમગ્ર ટીમનાં કાર્યની પ્રશંસા કરી હતી. નલિનીબેન શાહે માતા-પિતા-ગુરુ પ્રત્યેનું ઋણ અને સમાજ પ્રત્યેનું ઋણનું મહત્ત્વ સમજાવી દરેક શક્તિઓ સમાજ માટે લગાડવા સમજ આપી હતી. રેશ્માબેન ઝવેરીએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. માનવજ્યોતના પ્રબોધ મુનવરે વર્ધમાનનગરની ભાઇચારાની ભાવનાઓને બિરદાવી હતી. વર્ધમાનનગરના અધ્યક્ષ રાહુલભાઇ મહેતા તથા મંત્રી હસમુખભાઇ વોરાએ સંસ્થાની પ્રવૃત્તિઓ, મુશ્કેલીઓ, થયેલાં કાર્યોની જાણકારી આપી હતી. સંચાલન વંશીબેન શાહ તથા અમિતા જૈને, આભારદર્શન દીપકભાઇ મહેતાએ કર્યું હતું. વ્યવસ્થામાં વર્ધીલાલ પારેખ, વિરેન સંઘવી, પરેશ શાહ, ગૌતમ શાહ, કલ્પેશ શાહ, દીપક લાલન, મુકેશ મહેતા, અરિવંદભાઇ મહેતા, રાઇઝિંગ ગ્રુપ, આદિનાથ ગ્રુપ વગેરેએ સહયોગ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang