જયપુર, તા. 3 : રાજસ્થાનની રાજધાની જયપુરમાં
સોમવારે ભારે કમનસીબ સવાર ઊગી હતી. શરાબના નશામાં ભાન ભૂલીને ડમ્પરચાલકે પાંચ કિલોમીટર
સુધી પૂરપાટ ગતિએ ડમ્પર દોડાવતાં મોતનું તાંડવ મચાવ્યું હતું. એક પછી એક માર્ગે આવેલાં
40 વાહનને કચડી નાખતાં 19 લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય પ0થી વધુ લોકો ગંભીર હદે જખમી થયા હતા. હજુ
મરણઆંક વધવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. આ ખતરનાક ઘટનામાં ડમ્પર હેઠળ કચડાઈને જીવ ખોનારા
લોકોના અંગોના ટુકડા થઈને રસ્તા પર વિખેરાઈ જતાં લોહીભીના થઈ ગયેલા માર્ગો પર કાળજાં
કંપાવી દે તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આખરે પાંચ કિ.મી. સુધી બેફામ દોડાવાયેલાં
ડમ્પરને ઘેરી લઈ લોકોએ ચાલક કલ્યાણ મીણાને પકડીને માર માર્યો હતો. પોલીસે તેની ધરપકડ
કરી હતી. ભારોભાર આક્રોશ સાથે લોકોએ ડમ્પરચાલકને આકરી સજા કરવાની માંગ કરી હતી.  મોડેથી આ ભયાનક ઘટના સંબંધિત એક સીસીટીવી ફૂટેજ  સામે આવતાં આખી કહાની જ બદલી ગઈ હતી. ફૂટેજમાં દેખાયું
છે તેમાં આ કોઈ સામાન્ય દુર્ઘટના નહોતી, પરંતુ એક કારચાલક સાથે ડમ્પરચાલક વચ્ચે થયેલી બોલાચાલીનું લોહિયાળ પરિણામ હતું.
ઝઘડા બાદ ગુસ્સાભેર ડમ્પરચાલકે ધોરીમાર્ગ પર અનેક વાહનોને ટક્કર મારવા માંડતાં અનેક
પરિવારોના દીવડા બુઝાઈ ગયા હતા.પોલીસે કહ્યું હતું કે, ડમ્પરચાલક
નશામાં હતો. તેની સારવાર ચાલી રહી છે. ભારે આક્રોશ ફેલાવનાર આ ઘટનામાં પોલીસે સીસીટીવીને
મહત્ત્વનો પુરાવો બનાવ્યો છે.  આ જીવલેણ દુર્ઘટનામાં
મૃતકોમાં શરીરોના ટુકડા થઈ ગયા હતા. કોઈના હાથ તો કોઈના પગ કપાઈ ગયા હતા. પાંચ કિલોમીટર
સુધી રસ્તાઓ લોહીભીના થઈ ગયા હતા. દુર્ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા, જેમાં ત્રણની હાલત ગંભીર બતાવાઈ હતી. મરણઆંક
વધવાની ભીતિ દર્શાવાઈ હતી. ઉશ્કેરાઈ ગયેલા લોકોએ આવા શરાબી ચાલકોને આકરી સજા કરવાની
માંગ કરી હતી.