કાઠમંડુ, તા. 3 : નેપાળમાં સોમવારે યાલુંગ-21 નામે સાડા પાંચ હજાર મીટરથી
વધુ ઊંચા શિખર પર બરફનો પહાડ તૂટતાં સર્જાયેલી ભયાનક ઘટનામાં સાત પર્વતારોહીઓના મોત
થઇ ગયા હતા. ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં 5630 મીટર ઊંચાઇએ હિમસ્ખલન થતાં અન્ય ચાર લોકો લાપતા બન્યા હતા. મૃતકોમાં
ત્રણ અમેરિકી, બે નેપાળી, એક-એક કેનેડા અને ઇટાલીના નાગરિક સામેલ છે. આ વિસ્તાર બાગમતી પ્રાજાની ચેલવાલિંગ
વેલીમાં છે. આજે સવારે 15 પર્વતારોહકોની
એક ટીમ ગૌરીશંકર અને યાલુંગ-રી તરફ આગળ વધી રહી હતી ત્યારે હિમસ્ખલનની લપેટમાં આવતાં
સાત જણે જીવ ખોયા હતા. સ્થાનિક વોર્ડ નેતા સિંગગેલી શેરપાએ કહ્યું હતું કે, સવારથી જ પ્રશાસનને મદદ માટે જાણ કરાઇ હતી,
પરંતુ બચાવ અભિયાન મોડેથી શરૂ થયું હતું. નેપાળી સેના, પોલીસ, સશત્ર દળોને 
બચાવ અભિયાનમાં તૈનાત કરવા સાથે એક હેલિકોપ્ટર પણ મોકલાયું હતું. યાલુંગ-21 નેપાળ-ચીન સીમાની નજીક છે.
2015ના ભૂકંપ પછી પણ આ શિખર પર
અનેક પર્વતારોહી જીવ ખોઇ ચૂકયા છે.