ભુજ, તા. 3 : ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં
ગઈકાલે કરુણ બનાવ બન્યો હતો, જેમાં
ટાયરનું લોક ઊડીને માથાંમાં વાગતાં મૂળ બિહારના 17 વર્ષીય કિશોર મોહમ્મદ શેખ અફરોજનું
ગંભીર ઈજાઓનાં કારણે મોત થતાં  અરેરાટી ફેલાઈ
હતી. ઉપરાંત અંજારનો 41 વર્ષીય યુવાન
જિતેન મોહનલાલ હડિયા પોતાના હાથમાં થયેલા ઈન્ફેકશન માટેની ગોળી ખાઈને સૂઈ ગયા બાદ તે
ઊઠયો નહીં, આ નિદ્રાધીન અવસ્થામાં
જ તેણે દમ તોડી દીધો હતો. આ બાબતે એ-ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ રવિવારે બપોરે
દોઢ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. મીઠીરોહર સીમમાં એ.વી. જોષી પુલિયો ઊતરતા શેખરવાડીની
બાજુમાં હનુમાન મંદિર પાસે હિન્દુસ્તાન ટાયર પંક્ચરની દુકાન આગળ આ બનાવ બન્યો હતો,
જેમાં હતભાગી મૂળ બિહારના મુઝફ્ફરપુરનો અને હાલે સ્થાનિકે રહેતો 17 વર્ષીય મોહમ્મદ શેખ અફરોજ પગપાળા
જતો હતો, ત્યારે હિન્દુસ્તાન ટાયર પંક્ચરની દુકાનમાં
પંક્ચર બનાવવાનું કામ ચાલું હતું, આ દરમિયાન ટાયર પંક્ચર બનાવતી
વખતે ટાયરનું લોક છટકી જતાં તે ઊડીને બાજુમાંથી પસાર થતા મોહમ્મદના માથાં-કપાળમાં લાગતાં
ગંભીર ઈજાઓ થવાનાં કારણે તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
હતો, જ્યાં તબીબે મૃત જાહેર કરતાં રામબાગ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ
કરવામાં આવ્યું હતું. આ બનાવમાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ
કરી કાર્યવાહી કરી છે.  બીજી તરફ અંજારના વિજયનગરની
શાળા નં. 13ની બાજુમાં
રહેતા જિતેન હડિયાને હાથમાં થયેલા ઈન્ફેકશનને લીધે તે ઈન્ફેકશન માટેની ગોળી ગઈકાલે
ખાઈને સૂઈ ગયો હતો. આ બાદ તેને ઉઠાડવામાં આવતેં તે ન ઊઠતાં બેભાન અવસ્થામાં જ ખાનગી
હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અંજાર પોલીસે
હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃત્યુ પાછળનાં કારણ જાણવા તપાસ હાથ ધરી છે.