• મંગળવાર, 19 મે, 2026

ભૂખી નદી નવસર્જન કાર્ય તેજ; મિયાવાંકી વનની યોજના

મુંદરા, તા. 18 : મુંદરા તાલુકામાં ચાલી રહેલા ભૂખી નદી નવસર્જન અભિયાન અંતર્ગત કામગીરી  વધુ વેગ પકડી રહી છે. નદીના પુન:સર્જન તથા પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખી હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં કુલ 53,366 ઘનમીટર જેટલું નદીનું ડિસિલ્ટિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ભારે મશીનરી અને માનવબળની મદદથી નદીના પટમાંથી કચરો દૂર કરવાની કામગીરી સતત પ્રગતિ હેઠળ રાખવામાં આવી રહી છે, જેના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાંડાગરાથી કપાયા સફાઈ પૂર્ણ

તાલુકાની પ્રાચીન અને ખેડૂતોને આશીર્વાદ સમાન ભૂખી નદીને પુનર્જીવિત કરવાના આ ગ્લોબલ કચ્છ- કચ્છમિત્ર  દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના માતબર આર્થિક સહાયથી શરૂ થયેલા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળસંરક્ષણ મંત્રી સી. આર. પાટિલના હસ્તે શરૂ થયું હતું, જેની ઝડપથી ટેન્ડારિંગ પ્રક્રિયા બાદ હવે ધમધોકાર કામગીરી આગળ વધી રહી છે અને નદીની જનરલ સફાઈ - ડિસિલ્ટિંગ સાથે સાથે મિયાવાકી પદ્ધતિ હેઠળ વન નિર્માણ પણ ટૂંકમાં શરૂ થવાનું આયોજન ગોઠવાઈ રહ્યું છે. આ ઉપરાંત, કાંડાગરાથી કપાયા સુધીનું જંગલ સફાઈ કાર્ય સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે વાંકી તથા મંગરા વિસ્તારમાં જંગલ સફાઈનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. નદી કિનારે ફેલાયેલા ઝાડી- ઝાંખરા અને અવરોધોને દૂર કરીને સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ નદીના કુદરતી પ્રવાહને સરળતા મળશે તેમજ આસપાસના વિસ્તારોમાં હરિયાળી વધારવા માટેનો માર્ગ વધુ સુગમ બનશે.

કુદરતી અને ગીચ વન નિર્માણ

`િમયાવાકી' જાપાનીઝ પદ્ધતિ છે, જે ઓછી જગ્યામાં ઝડપથી ગીચ અને કુદરતી જંગલ ઊભું કરવાની વિશ્વપ્રસિદ્ધ તકનીક તરીકે જાણીતી છે. ભૂખી નદી નવસર્જન સાથે જોડાયેલા આ સમગ્ર અભિયાનને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટ પર્યાવરણ અને જળસંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

આરંભમાં પાંચ ગામમાં મિયાવાકી પ્રોજેક્ટ : ચેનલ ફેન્સિંગ - રસ્તાઓ

પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના હેતુસર હવે આગામી તબક્કામાં પાંચ ગામમાં મિયાવાકી પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. મિયાવાકી પદ્ધતિ અંતર્ગત અંદાજે 1.25 એકર વિસ્તારમાં ચેનલ ફેન્સિંગ કરીને અંદર  `+'  આકારના રસ્તા બનાવી વિસ્તારને ચાર સમાન ભાગોમાં વહેંચવામાં આવશે. આ વિસ્તારમાં કુલ અંદાજે 3000 જેટલા વિવિધ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેથી આગામી સમયમાં ગીચ અને કુદરતી જંગલ જેવી હરિયાળી ઊભી થઈ શકે. આ પ્રોજેક્ટ હેઠળ સ્થળ પર ગજેબો, બગીચામાં ઉપયોગી ખુરશીઓ તથા અન્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. સાથે જ સમગ્ર વિસ્તારને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખી આગામી ત્રણ વર્ષ સુધી વૃક્ષોની સંભાળ અને જાળવણી સંસ્થા દ્વારા કરવામાં આવશે. હાલ પાંચેય ગામોની જગ્યાઓ નક્કી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે અને ટૂંક સમયમાં સ્થળ પર કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

Panchang

dd