મોથાળા (તા. અબડાસા), તા. 30 : મોથાળા જિલ્લા
પંચાયતની બેઠક હેઠળ વરાડિયા તા.પં. સીટના બૂથ નં. 2માં લગાવેલા વિજાણુ યંત્ર ઇ.વી.એમ.માં ગેરરીતિ થવા બાબતે ભારતીય
રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ ગઢવી દ્વારા ચૂંટણી હારી ગયા બાદ આક્ષેપો સાથે
ફરિયાદ કરાઇ હતી. મતોની ગણતરીમાં કોઇ ક્ષતિ રહી ગઇ હોવાની અથવા મતદાન પ્રક્રિયામાં
ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે અપેક્ષાથી વિપરીત ચૂંટણીનું પરિણામ આવતાં
આક્રોષ વ્યક્ત કરાયો હતો. કલેક્ટર સમક્ષ પ્રતિનિધિ મંડળે વરાડિયા ગામના બૂથ પર થયેલાં
મતદાનની ફરીથી તપાસ કરવામાં આવે અને મતોની પુન: ગણતરી કરવા તેમજ મતદાન મથક પરના ફોર્મ
17-સીની વિગતો ચકાસવા માંગ કરાઇ
હતી. જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરાય તો હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ફરજ પડશે
તેવું જણાવાયું હતું. પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ મંધરા સહિત રજૂઆતમાં ઉમેદવારો હાજર રહ્યા
હતા. આ અંગે લેખિત રજૂઆત કલેક્ટર તેમજ ચૂંટણી
આયોગ કમિશનર સમક્ષ કરાઇ હતી.