વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગોળીબારમાં
સાંગોપાંગ બચી ગયા. એ પછી અખાતી યુદ્ધનાં પરિણામ બદલતાં દેખાઇ રહ્યાં છે. હોર્મુઝમાં
પરિસ્થિતિ સંવેદનશીલ છે, પરંતુ અત્યાર
સુધી અક્કડ વલણ લેનાર અમેરિકા અને ઇરાને નરમી બતાવી છે. ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ
અરાઘચી બે દિવસમાં બે વાર ઇસ્લામાબાદ ગયા. ત્યાંથી મસ્કત (ઓમાન) અને પછી સીધા મોસ્કો
પહોંચ્યા. આ દોડધામ દર્શાવે છે કે, ઇરાન કાયમી યુદ્ધવિરામ માટે
પોતાની શરતો ગોઠવી રહ્યું છે. ટ્રમ્પે ભલે કહ્યું કે, હવે સમાધાન
કરવું હોય તો ઇરાને ખુદે ફોન કરવો પડશે, પરંતુ પાછલા બારણેથી
સમજૂતી અને સમજાવટના ભરચક પ્રયાસ થઇ રહ્યા છે. તેમાંય રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની
એન્ટ્રી પછી પરિસ્થિતિ ઝડપથી બદલાણી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેવર નરમ પાડયા ને યુદ્ધવિરામને
અનિશ્ચિતકાળ માટે લંબાવી દીધો છે. તેમણે અમેરિકી પ્રતિનિધિ મંડળને ફરી ઇસ્લામાબાદ મોકલવાની
તૈયારી દેખાડી છે, જે દર્શાવે છે કે, ટ્રમ્પ
પોતે ભલે બૂમબરાડા પાડતા હોય, પણ તેમને યુદ્ધની સ્થિતિમાંથી બહાર
આવવું છે. ઇરાન સામેનું યુદ્ધ એ જીતી શક્યા નથી. નવેસરથી યુદ્ધ કરવા માટે તેમણે બીજી
મે સુધી અમેરિકી કોંગ્રેસ (સંસદ)ની સ્વીકૃતિ મેળવવી પડે એમ છે, જે મુશ્કેલ એટલા માટે છે કે, અમેરિકાના 63 ટકા નાગરિકો આ યુદ્ધની વિરુદ્ધ
છે અને અમેરિકા ઇઝરાયલ માટેની લડાઇ પોતાના સંસાધનો,
સૈનિકોના ભોગે લડે એવું જરાય નથી ઇચ્છતા. હકીકતમાં અખાતી દેશમાં વધતો
તણાવ માત્ર બે દેશ વચ્ચેની લડાઇ પૂરતો સીમિત નથી, પરંતુ વૈશ્વિક
સ્થિરતા અને શાંતિ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. પાકિસ્તાને પોતાને શાંતિમસીહા તરીકે
ઉપસાવવા માટે દોડાદોડી હજુએ કરી રહ્યું છે, પરંતુ તાજેતરના ઘટનાક્રમથી
તેની વિશ્વસનીયતા સામે પ્રશ્નો સર્જાણા છે. શાંતિમંત્રણાના પ્રથમ પ્રયાસ વખતે પણ એવો
ઘટસ્ફોટ થયો હતો કે, વડાપ્રધાન શરીફ અને આસીમ મુનીર અમેરિકાએ
પઢાવેલી ભાષા બોલી રહ્યા છે. હાલમાં ઇરાની સંસદ સભ્યોએ કહી દીધું છે કે, તેમને ઇસ્લામાબાદ પર ભરોસો નથી. પાકિસ્તાન અમેરિકાના બાંધિયા તરીકે કામ કરી
રહ્યું છે. અગાઉ ઇરાની મીડિયાએ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનની
કૂટનૈતિક ભૂમિકા શંકાસ્પદ છે. પાકિસ્તાને ઢોલ પીટીને શાંતિમંત્રણા માટે માહોલ ઊભો કર્યો
હતો, પરંતુ તેમાં ઇરાનના ભાગે તો ગુમાવવાનું અને નમવાનું જ આવતું
હતું. વાતચીતનો બીજો દોર શરૂ થવા પહેલાં જ પડી ભાંગ્યો એ પછી પાકિસ્તાનનો ભાંડો ફૂટી
ગયો છે. પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ અને લશ્કરીવડા આસીમ મુનીર જે રીતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પની ભાષા બોલી રહ્યા હતા અને ટ્રમ્પ મુનીરની જે રીતે પ્રશંસા કરી રહ્યા હતા એ
પરથી જ બધું સામે સ્પષ્ટ આવી ગયું હતું અને આમ પણ મધ્યસ્થકાર તરીકે પાકિસ્તાનની કામગીરી
ટપાલી જેવી અને જેટલી જ હતી. જે સંદેશા ઇરાન-અમેરિકાને પહોંચતા કરતા હતા. હકીકતમાં
પાકિસ્તાનની એવી કોઇ હેસિયત જ નથી કે યુદ્ધવિરામ કરાવી શકે. ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ
અરાઘચી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના શરણે પહોંચ્યા છે. પુતિન સક્રિય ભૂમિકા ભજવશે તો
કાયમી રસ્તો નીકળી શકે. કોઇ પણ આંતરરાષ્ટ્રીય વાટાઘાટમાં મધ્યસ્થની ભૂમિકા ત્યારે જ
સફળ થાય જો બંને પક્ષકાર તેમના ઉપર ભરોસો કરે. પાકિસ્તાન એ વિશ્વાસ મેળવી શક્યું...
ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન ઉપર ભરોસો મૂકે એવી સંભાવના ઓછી છે. આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં
પોતાની છાપ છોડવા પાકિસ્તાન ઉતાવળિયું બન્યું. કોઇ તૈયારી કે વૈજ્ઞાનિક મંથન વિના મધ્યસ્થકાર
બનવા ગયું, પણ એ પ્રયાસ નિરર્થક રહ્યા. દુનિયા ઇચ્છે છે કે,
સમાધાન ઝડપથી થાય અને પરિસ્થિતિ થાળે પડે.