ગાંધીધામ, તા. 30 : શહેરમાં રહેનાર એક કિશોરીને
લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી, અપહરણ કરી લઇ જઇ બાદમાં બળાત્કાર ગુજારનારા શખ્સને અહીંની કોર્ટે 20 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો
ચુકાદો આપ્યો હતો. ચકચારી એવા આ કેસની વિગતો મુજબ શહેરમાં રહેનાર એક કિશોરી સાથે બોટાદનો
આરોપી એવો જયદીપ સુરેશ ચૌહાણ નામનો શખ્સ સોશ્યલ મીડિયા થકી સંપર્કમાં આવ્યો હતો. આ
શખ્સ ભોગ બનનાર સાથે મોબાઇલ ઉપર ચેટિંગ કરતો હતો. 17 વર્ષીય કિશોરીને લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી તેનું આ આરોપી અપહરણ કરી ગયો હતો. કિશોરીને જુદી જુદી
જગ્યાએ લઇ જઇ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે ગત તા. 24/4/2024ના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ
મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં
તેના વિરુદ્ધ તપાસ પૂરી થતાં વિશેષ પોક્સો કોર્ટમાં ડી.વાય.એસ.પી. મુકેશ ચૌધરીએ ચાર્જશીટ
કરી હતી. આ કેસ અધિક સેશન્સ જજ, વિશેષ
પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે સરકારી વકીલે ફરિયાદી, પંચો, સાહેદો, સરકારી સાહેદોના
મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરી સંપૂર્ણ ટ્રાયલ ચલાવી હતી અને સરકાર
તરફે સજા અંગેની દલીલો કરી હતી. ન્યાયાધીશ એ. એમ. મેમણે મૌખિક, દસ્તાવેજી તથા મેડિકલ પુરાવાઓ ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને
સ્પે. પોક્સો એકટ કલમ-6 મુજબ 20 વર્ષની સખત કેદ તથા રૂા. 10,000નો દંડ, કલમ 376 (2) (એન)માં દસ વર્ષની સખત કેદ,
રૂા. 10,000 દંડ, કલમ 366માં 10 વર્ષ સાદી
કેદ અને રૂા. 10,000નો દંડ ફટકારતો ધાક બેસાડતો
ચુકાદો આપ્યો હતો તેમજ દંડની રકમ ન ભરે તો વધુ સજાનો આદેશ કરાયો હતો તેમજ વળતર યોજના
તળે ડી.એલ.એસ.એ. ભુજને ભોગ બનનારને રૂા. 1 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કરાયો હતો અને આરોપી પાસેથી વસૂલ
થયેલ દંડની રકમમાંથ રૂા. 20,000 ભોગ
બનનારને ચૂકવી આપવા ચુકાદો અપાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ. જી. રાણા
હાજર રહી દલીલો કરી હતી.