નવી દિલ્હી, તા. 30 : અમેરિકા અને
ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટ વિશે હજી પણ રહસ્ય અકબંધ છે. એકબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ઈરાન સાથે પરમાણુ સમજૂતી માટે વાટાઘાટનું દબાણ કરી રહ્યાં છે
અને બીજીબાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર સનસનીખેજ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેને સ્ટ્રેટ
ઓફ ટ્રમ્પ ગણાવી રહ્યાં છે. આ સાથે જ તેમણે ચેતવણીનાં સૂરમાં ધમકી પણ આપી હતી કે, તોફાન આવી રહ્યું છે અને તેને કોઈ રોકી નહીં
શકે. બીજીબાજુ ઈરાની નૌસેનાએ વળતી ચેતવણી આપતાં કહ્યું હતું કે, તેની પાસે એવા ગુપ્ત હથિયાર છે જેનાં નામ સાંભળીને પણ દુશ્મન સેનાઓને હાર્ટ
એટેક આવી જશે. ટ્રમ્પની આ પોસ્ટ પછી વૈશ્વિક સ્તરે હલચલ વધી ગઈ છે. ઈરાન અને અમેરિકા
વચ્ચેની મડાગાંઠ માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. વ્હાઈટ હાઉસમાં આજે ટ્રમ્પ અમેરિકી
સેન્ટ્રલ કમાન્ડ સાથે ઈરાન જંગનાં પ્રકરણને બંધ કરવાં અંગે મંથન કરવાનાં છે. સૂત્રોનાં
હવાલેથી મળતા અહેવાલ અનુસાર અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાન ઉપર નાના અને ઘાતક શત્રોથી
નવા હુમલાની તૈયારી કરી છે. જેને હવે ટ્રમ્પની મંજૂરીની જ રાહ છે. ઉલ્લેખનીય છે કે,
આજે ટ્રમ્પે હોર્મુઝનો નક્શો જારી કરીને તેનાં ઉપર નામ સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ
લખ્યું હતું. તેમણે આગળ નાકાબંધીની રણનીતિને શાનદાર ગણાવતાં કહ્યું હતું કે,
તહેરાને હાર માનવી જ પડશે. જ્યાં સુધી તે પોતાની પરમાણુ મહત્ત્વાકાંક્ષા
નહીં છોડે ત્યાં સુધી સમજૂતી નહીં થઈ શકે. આ ઉપરાંત ટ્રમ્પે હવે અમેરિકા માત્ર કાગળનાં
ટુકડા વાંચવા માટે 18 કલાકની સફર
કરીને પાકિસ્તાન જશે નહીં. ટૂંકમાં ટ્રમ્પે હવે પાકિસ્તાનમાં ઈરાન સાથે વાટાઘાટની સંભાવના
નકારી કાઢી છે. જો કે ટ્રમ્પ બોલેલું ક્યારે ફરી જશે તેની પણ કોઈ ખાતરી આપી શકાય તેમ
નથી. બીજીબાજુ ઈરાની નૌસેનાના કમાન્ડર રિયર એડમિરલ શહરમ ઈરાનીએ સરકાર મીડિયામાં કહ્યું
હતું કે, ઈસ્લામિક ગણરાજ્ય બહુ જલ્દી પોતાના દુશ્મનોનો
સામનો એવા શત્રોથી કરાવશે જેનાંથી તે સૌથી વધુ ડરે છે. તેમણે આગળ કહ્યું હતું કે,
આ હથિયાર બાજુમાં જ છે અને મને આશા છે કે તેને જોઈને કોઈને હાર્ટએટેક
નહીં આવે.