• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

મુંબઈ સામે હૈદરાબાદનો છ વિકેટે વિજય

મુંબઈ, તા. 29 : ઇન્ડિયન પ્રીમિયર લીગની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું હતું. ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેન (અણનમ)એ શાનદાર અડધી સદી કરતાં સનરાઇઝર્સે 18.4 ઓવરમાં 4 વિકેટે 249 રન બનાવી જીત મેળવી હતી. જીતના ઈરાદે મેદાને ઉતરેલી હૈદરાબાદની ટીમ વતી ટ્રેવિસે 30 દડામાં 4 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 76 રન કર્યા હતા, જ્યારે અણનમ રહેલા ક્લાસેને 30 દડામાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 64 રન ઝૂડયા હતા, તો અભિષેકે 24 દડામાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 45 રન અને અરોડાએ 10 બોલમાં 30 રન બનાવ્યા હતા. મુંબઈ વતી ગજનફરે 4 ઓવરમાં 51 રન આપી 2 વિકેટ ખેરવી હતી, તો બોલ્ટ અને પંડયાને 1-1 વિકેટ સાંપડી હતી. અગાઉ રિયાન રિકલ્ટનની વિદ્યૃતવેગી અણનમ સદીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં પ વિકેટે 243 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. રિયાન મુંબઈ ઇન્ડિયન્સની ઈનિંગ્સનો એન્કર મેન બની રહ્યો હતો. તેણે પહેલી ઓવરથી લઇને છેલ્લી ઓવર સુધી મુંબઇની રન રફતાર વધારી હતી. રિકલ્ટને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલ ઇતિહાસનો સર્વાધિક અંગત સ્કોર બનાવ્યો હતો. તે પપ દડામાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 123 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલા એમઆઇ તરફથી 2008 સીઝનમાં સનથ જયસૂર્યાએ અણનમ 114 રન કર્યાં હતા. મુંબઇ ઇનિંગ્સમાં 14 છગ્ગા અને 21 ચોગ્ગા લાગ્યા હતા. સનરાઇઝર્સના બોલર સામે હલ્લાબોલ કરીને મુંબઇએ પાવર પ્લેમાં વિના વિકેટે 78 રન કરી ઝડપી શરૂઆત કરી હતી. રિકલ્ટન અને વિલ જેકસ વચ્ચે પહેલી વિકેટમાં 43 દડામાં 93 રનની ભાગીદારી થઇ હતી. જેકસ 22 દડામાં પ ચોગ્ગા-3 છગ્ગાથી 46 રને આઉટ થયો હતો. સૂર્યકુમાર (પ)ની નિષ્ફળતા જારી રહી હતી. નમન ધીરે 22 રનનું યોગદાન આપ્યું હતું. કપ્તાન હાર્દિક પંડયાએ 1પ દડામાં 31 રનની કેમિયો ઈનિંગ્સ રમી હતી. તિલક 19મી ઓવરમાં ક્રિઝ પર આવ્યો હતો અને 7 રને આઉટ થયો હતો. અંતિમ બે દડામાં છગ્ગો અને ચોગ્ગો ફટકારી રિકલ્ટને મુંબઇનો સ્કોર 243 રને પહોંચાડયો હતો. સનરાઇઝર્સ તરફથી પ્રફૂલ્લ હિંગેને 2 વિકેટ મળી હતી. 

Panchang

dd