પ્રકાશ જ્હા દ્વારા : ગાંધીનગર, તા. 30 : ગુજરાતના રાજ્યસભાની ખાલી પડતી ચાર બેઠકો માટેની ચૂંટણી અંગેનું
જાહેરનામું આગામી સપ્તાહના અંતમાં જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસ અને
આપ પાસે ભાજપને પડકાર ફેંકવા જેટલા મત ન હોવાથી ચૂંટણી બીનહરિફ થાય તેવી સંભાવના છે.
રાજ્યસભામાંથી ગુજરાતના ચાર સાંસદો તેમની મુદત પૂર્ણ થતાં નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસના શક્તાસિંહ ગોહિલ, ભાજપના રામભાઈ મોકરીયા, રમીલાબેન બારા અને નરહરી અમીનનો
સમાવેશ થાય છે. રાજ્યસભાની ચૂંટણી અંગેનું
જાહેરનામું સાતમી મેની આસપાસ જાહેર થશે, તેવું મનાઈ રહ્યું છે.
ગુજરાતમાં આ વખતે જ્યારે બેઠક ઉપર ભાજપના જ ઉમેદવારો વિજય થશે, આ ચૂંટણી બિનહરીફ થવાની હોવાથી રાજકીય ઉત્તેજનાઓ જોવા મળતી નથી. કોંગ્રેસ અને
આમ આદમી પાર્ટી પાસે એટલા મત નથી, જે ભાજપને માટે પડકાર બની શકે.
ભાજપના હાલ 160 ધારાસભ્ય
છે અને એના ચારે ઉમેદવારોને વિજય બનવા માટે તે પૂરતા છે. રાજ્યસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર
મૂકવાની નથી અને પહેલીવાર રાજ્યસભામાં ગુજરાતમાંથી કોઈ કોંગ્રેસનો સંસદ સભ્ય નહીં હોય, એવી ઘટના નોંધાશે. રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી માટે આગામી દિવસોમાં
મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાશે અને પેનલ બનાવી કેન્દ્રીય મંડળને
મોકલી આપવામાં આવશે, તેમ ભાજપના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. રાજ્યસભાની
આ ચૂંટણી માટે નવા ઉમેદવારો આવશે કે જુનાને રીપીટ કરી ચોથી બેઠક માટે ઉમેદવારની પસંદગી
સહિતનો નિર્ણય કેન્દ્રીય મોવડી મંડળ પર છોડવામાં આવે, તેવું પાટનગરના
રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.