મુંદરા, તા. 28 : ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં
રૂપાંતરિત થયા બાદ બીજી જ ચૂંટણી થઈ રહી છે, એવા ઔદ્યોગિક વિકાસ સાથે માળખાકીય ક્ષેત્રમાં પણ અગ્રેસર થઈ રહેલા શહેરની મુંદરા-બારોઈ
નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં `કેસરિયા'ની પક્ષની
આણ બરકરાર જ રહી હતી, પણ મતદારોએ બંને પક્ષના બેઠકો વધવાના દાવાને
ખોટા પાડીને યથાવત જ પરિણામ આપતાં 2021ના પરિણામની જેમ જ કુલ સાત વોર્ડની 28 બેઠકમાં ભાજપને 19 અને કોંગ્રેસને 9 બેઠકનું પ્રમાણ ફરી જાળવ્યું હતું. સવારે પરિણામની આતુરતા એટલી ચરમસીમાએ પહોંચી હતી
કે, અહીંની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે
9 વાગ્યે મતગણતરી શરૂ થતાં પહેલાં જ રાજકીય
કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. વહીવટી
તંત્ર દ્વારા પરિણામો બહાર પાડવામાં પણ ઝડપ દેખાઈ હતી અને સંભવત: સમગ્ર કચ્છમાં મુંદરા નગરપાલિકાનું પ્રથમ સત્તાવાર પરિણામ પ્રગટ થઈ ગયું હતું. આ વખતે
75.03 ટકા જેટલું સૌથી ઊંચું મતદાન
થયું હતું, એવી આ સુધરાઈના પરિણામો
પર નજર કરવામાં આવે તો કેટલીક વધુ ચર્ચાવાળી બેઠકો પર અસંતુષ્ટોની આંશિક અસર અને ત્યાં
ક્રોસ વોટિંગ પણ દેખાયું હતું. સમગ્ર મુંદરા શહેરમાં પોતાના પોકેટમાં `કમળની આણ' યથાવત રહી હતી, તો કોંગ્રેસે
પણ તેમના મતવિસ્તારમાં પરિવર્તનના પ્રયાસોને ફગાવી દીધા હતા. બધા વોર્ડ જેમ વોર્ડ નંબર
ત્રણમાં પણ ગત વર્ષની જેમ જ ત્રણ ભાજપ અને એક કોંગ્રેસના ખિસ્સામાં ગઈ હતી. ભાજપની જૂની બોડી સાથે સરખામણી કરવામાં આવે તો
ભાજપમાંથી જીતનારા 10 ચહેરા એવા
છે, જે ફરી લડયા અને જીત સાથે નગરસેવક બન્યા છે.
ત્રણ ચહેરા એવા છે, જેમના પરિવારમાંથી સ્થાન અકબંધ રહ્યું છે.
જેમાં ગત બોડીમાં રહેલા કાઉન્સિલરના પતિ કે ભત્રીજાના નામનો સમાવેશ થાય છે,
જ્યારે છ નવા નગરસેવક કેસરિયા પક્ષે આપ્યા છે. એમાંથી ચાર મહિલા છે.
જ્યારે અગાઉ કારોબારી ચેરમેન પદ સંભાળનારા
નગરસેવકના ભત્રીજા તેમજ ગત પેટા ચૂંટણીમાં વિજય મેળવેલા ઉમેદવારની સીટ ભાજપ આ વખતે
સાચવી શક્યો નહોતો. દ્વિપક્ષીય રહેલા જંગમાં સૌથી વધુ મત કોંગ્રેસના વોર્ડ નંબર ચારના
ઉમેદવાર ઇમરાન સલીમ જતને 2,509 જેટલા મળ્યા
હતા. અપક્ષો અને `આપ'ના ઉમેદવારો નોંધપાત્ર મત મેળવીને ત્રીજા પરિબળ
તરીકેની ભૂમિકામાં નિષ્ફળ રહ્યા હતા તેમજ `નોટા'ના મત
જોવામાં આવે તો વોર્ડ નં. ચારમાં 48 અને વોર્ડ નં. 5માં 40 સિવાય નોંધપાત્ર હાજરી નહોતી. આ પરિણામ સાથે જ પ્રમુખપદની ચર્ચાઓ
પણ રાજકીય વર્તુળમાં શરૂ થઈ ચૂકી છે. માહિતી
મુજબ આ વખતે પ્રથમ અઢી વર્ષના સમયગાળામાં બક્ષી
પંચ અનામત રોટેશન હોવાથી વોર્ડ નં. 2માંથી 1352 મત મેળવી
વિજેતા બનેલા ભોજરાજભાઇ ગઢવી અને વોર્ડ નં. પાંચમાંથી 1548 મત મેળવી વિજેતા બનેલા રાજેશભાઈ
માલમનું નામ સપાટી પર આવી ગયું છે. ભોજરાજભાઈ ગત ટર્મમાં કારોબારી ચેરમેન પદનો અનુભવ
ધરાવે છે, જ્યારે રાજેશભાઈ ખારવા સમાજના લોકપ્રિય આગેવાન
છે. આ જીત બાદ પત્રકારો સમક્ષ પ્રતિક્રિયા આપતાં મુંદરા શહેર ભાજપ પ્રમુખ અરાવિંદ પટેલ,
મહામંત્રીઓ હિરેન સાવલા, ગૌરાંગ ત્રિવેદીએ કહ્યું
કે, મુંદરાના નગરજનોએ ખોબેખોબા ભરીને ભાજપ પર વિશ્વાસ મૂક્યો
છે. મતદાતાઓનો આભાર માનતાં તેમણે ઉમેર્યું કે, આ મત વિકાસને છે
અને જીતનો વિશ્વાસ તો હતો જ. મુંદરા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ભગીરથાસિંહ ઝાલાએ
કહ્યું કે, સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.