માંડવી, તા. 28 : માંડવી નગરપાલિકાનાં પરિણામોએ
સૌની આંખો પહોળી કરી નાખી હતી. કેમ કે, દરિયાઇ શહેરના મતદારોના તદ્દન એકતરફી ચુકાદાથી વિપક્ષ કોંગ્રેસમુક્ત નગરપાલિકાનું
શાસન બની ગયું છે. આજે 36માંથી 36 બેઠકનો ફેંસલો ભાજપ તરફે આવ્યો
હતો. ધારાસભ્ય સાથે પ્રદેશ ભાજપના મહામંત્રીની જવાબદારી વહન કરતા અનિરુદ્ધ દવેના નેતૃત્વમાં
માંડવી નગર સેવા સદનની 36 બેઠકમાંથી
ભાજપના 36 ઉમેદવારને મતદારોએ પસંદ કરી
તેમને વિજયી બનાવ્યા છે. ગત ટર્મમાં કોંગ્રેસને વોર્ડ નં. પમાં ચાર બેઠક, જ્યારે વોર્ડ નં. 6માં એક બેઠક મળી કુલ પાંચ બેઠક પ્રાપ્ત
થઈ હતી, તે પણ આ વખતે ગુમાવવી પડી છે. 36 બેઠકે વિજયી થતાં તેનો વિજયોત્સવ આજે બપોરે પ વાગ્યે પંડિત શ્યામજી
કૃષ્ણ વર્માની પ્રતિમા પાસેથી ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી દવેની ઉપસ્થિતિમાં
મનાવાયો હતો. શહેર ભાજપ પ્રમુખ દર્શનગિરિ ગોસ્વામીએ આ ઐતિહાસિક જીત અંગે જણાવ્યું કે, લોકોએ ભાજપની વિકાસની નીતિને અપનાવી વધુ વિકાસને
નજર સમક્ષ રાખી ભાજપને રેકોર્ડબ્રેક તમામે તમામ સીટ ઉપર વિજય અપાવ્યો છે. ઈન્ચાર્જ
નરેન્દ્રભાઈ પીઠડિયાએ લોકોના ભાજપ પ્રત્યેના વિકાસના વિશ્વાસને બિરદાવ્યો હતો. વોર્ડ
નં. 1, ર અને 3માં ભાજપ-કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ
પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ ત્રણ વોર્ડમાં ક્રોસવોટિંગ થશે અને કોંગ્રેસને અમુક
સીટ મળશે તેવી ચર્ચા શહેરમાં તથા મતગણતરી સમયે રાજકીય વર્તુળોમાં થતી હતી, પરંતુ ત્યાં પણ લોકોએ ભાજપને જ પસંદ કરેલ. વોર્ડ
નંબર - પ જે સલાયા વિસ્તારમાં આવતો હોઈ અને કાયમી કોંગ્રેસને જ આ વિસ્તારમાંથી બેઠક
મળતી હોય છે ત્યાં પણ ભાજપને પસંદ કર્યા હતા. તાલુકાના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રદ્યુમનાસિંહ
જેઠવા તથા ચૂંટણી અધિકારી વી. એમ. પ્રજાપતિ, કમલેશભાઈ ખટારિયા,
વિજયાસિંહ જાડેજા, નરશીંભાઈ ગઢવી, યોગેશભાઈ ભટ્ટ વગેરેએ પરિણામ જાહેર કર્યાં હતાં. જયેશભાઈ ભેદા તથા રમેશભાઈ
જોષીએ ચૂંટણીના રિઝલ્ટ જાહેર કરવાની કામગીરી સંભાળી હતી. વોર્ડ નં. 1માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરેલા મિત્રજિત
વિજયકુમાર ગઢવીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, અમારે સંગઠન વધુ મજબૂત કરવાની જરૂરત છે, સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણી છે તેમાં લોકોએ ચહેરા કરતાં પક્ષને વધારે મહત્ત્વ આપ્યું હોય તેવું લાગે છે.