ભુજ, તા. 20 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા
છે, ત્યારે મહત્તમ મતદાન થાય એ માટે ચાલતા
પ્રયાસો વચ્ચે આકરો તાપ મતદાનની ટકાવારી પર પ્રભાવ પાડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી
છે. ગયા વખતે કોરોનાની કસોટી વચ્ચે ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજવામાં આવી હોવા છતાં
ખાસ કરીને શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારી ઘણી કંગાળ જોવા મળી હતી. ગરમીની આકરી આણના
લીધે ટાઢા પહોરમાં વધુ મતદાન થાય એ દિશામાં
રાજકીય પક્ષોએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હવામાન વિભાગ દ્વારા સાત દિવસ માટે જે વર્તારો
આપવામાં આવે છે, તેમાં 24થી 26 તારીખ
દરમિયાન સહિત સમગ્ર રાજ્યમાં ગરીમ અને ઊકળાટભર્યું વાતાવરણ અનુભવાય તેવી આગાહી કરી છે. ખાસ કરીને મતદાનના દિવસ 26 તારીખે કચ્છમાં મહત્તમ પારો 40થી 42 ડિગ્રી
વચ્ચે રહે તેવી સંભાવના દેખાડવામાં આવી છે. 2021માં
ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજવામાં આવી હતી. એ વખતે ગરમીની આણ ન હોવા છતાં જિલ્લા અને
તાલુકા પંચાયત માટે 63 ટકા અને નગરપાલિકા
માટે માંડ પ0 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે તો વૈશાખ માસમા
ચૂંટણી યોજવામાં આવી છે. આ સમયગાળામાં ગરીમનો માહોલ તેની પરાકાષ્ટાએ હોય છે, જેથી ગરમીના તેજતોખાર માહોલમાં યોજનારી
ચૂંટણી ટકાવારી પર પ્રભાવ પાડી શકે છે. મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 વાગ્યા
સુધીનો મુકરર કરાયો છે, જેથી
સવાર અને સાંજના ટાઢા પહોરમાં મહત્તમ મતદાન થાય એ દિશામાં પ્રયાસો તેજ કરવામાં આવ્યા
છે. ગ્રામીણ વિસ્તારની તુલનાએ શહેરી વિસતારના મતદારો લોકશાહીના પર્વમાં ઓછા ઉમળકાથી
ભાગ લેતા હોય છે. ત્યારે શહેરી મતદારોને બૂથ સુધી ખેંચી લાવવા એ થોડું પડકારજનક કાર્ય
બની રહેવાનો સૂર ઊઠીને સામે આવી રહ્યો છે.