• મંગળવાર, 21 એપ્રિલ, 2026

કાંઠાળ મુંદરામાં કમળની `ભરતી'માં `ઓટ' આણવા પંજાનો પુરુષાર્થ

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા તા. 20  : ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામવા સાથે હજુ બીજા વખતની ચૂંટણી થઈ રહી છે એવી કાંઠાળ નગરી મુંદરા-બારોઈ નગરપાલિકાની ચૂંટણીમાં પણ મુખ્યત્વે `ડોર ટુ ડોર' પ્રચારે જોર પકડી લીધું છે. પ્રથમ ચૂંટણીમાં ટિકિટ અસંતુષ્ટોનું પરિબળ કેવો દેખાવ કરશે એવી ચર્ચા હતી, પરંતુ આ વખતે કોંગ્રેસ-ભાજપ  વચ્ચે સીધો જંગ છે. એકોએક વોર્ડમાં મોટી સંખ્યામાં પ્રચારમાં નીકળતા વિશાળ કાર્યકરોની ફોજ સાથેની મુંદરાની બજારો - શેરીઓમાં દેખાતી `કમળ'ની `ભરતી' સામે તમામ એકજૂટ બનીને ઊતરેલો કોંગ્રેસનો `પંજો' આ ભરતીને `ઓટ' માં તબદીલ કરવા મોટેભાગે યુવાનોના બળે  તનતોડ પુરુષાર્થ કરી રહ્યો છે. નગરપાલિકાની ગત પ્રથમ બોડીમાં 19 - 9થી વિજય બાદ પેટા ચૂંટણીમાં વધુ એક વિજય સાથે સમગ્ર પાંચ વર્ષ મજબૂત સ્થિતિમાં પસાર કરનાર ભાજપ આ વખતે તેમણે કરેલા વિકાસકામો ગણાવીને મત માગી રહ્યો છે, તો સામે કોંગ્રેસ પાસે જીત માટે ભ્રષ્ટાચાર, કામોની નબળી ગુણવત્તા અને લોકોની નારાજગીનો `અંડર કરંટ' જેવા મુદ્દા આગળ ધરે છે.

ભાજપના પ્રચારમાં તમામ સમાજ : ચાર લઘુમતી ઉમેદવાર

પ્રારંભમાં ભાજપે ટિકિટ જાહેર કર્યા બાદ નારાજગીનો ફણગો ફૂટયો, પણ તે ક્ષણભંગુર નિવડયો હતો, `સમજાવીદેવાયા બાદ અત્યારે કેસરિયાની ફોજમાં તમામ સમાજ દેખાય છે. એટલે સુધી કે, ગત વર્ષે લઘુમતી સમાજને બે ટિકિટને બદલે આ વખતે ચાર ટિકિટ આપી છે અને લઘુમતી પ્રભુત્વના વોર્ડમાં યુવાનો જોશભેર પ્રચાર કરતા દેખાય છે.  જો કે, એ જોશ મતપેટી સુધી  પહોંચશે કે નહીં એ કહેવું  સમીક્ષકોના મતે પણ અઘરું છે. આ સિવાય મુંદરામાં ઔદ્યોગિક વિકાસ બાદ મોટી સંખ્યામાં પરપ્રાંતીય વસતી આવી છે, પરંતુ આ વખતે `સર'ની યાદીમાં એ લોકોએ વતનનો `મત' યથાવત રાખતાં મતદારોની સંખ્યામાં ગાબડું પડયું છે.  આ કમળના કમિટેડ મનાતા મતદારો વિશે ભાજપને પ્રશ્ન પૂછતાં જવાબ આપે છે કે, જેટલા યાદીમાંથી નીકળ્યા છે. એનાથી વધુ તો અમારી પાસે સરસાઈ હતી, એટલે કોઈ ફેર કાંઠાળ મુંદરામાં કમળની `ભરતી' નહીં પડે. આપ-અપક્ષની મર્યાદિત હાજરી આ વખતે વોર્ડ નંબર 1, 3, 4, 6, 7માં ભાજપ કોંગ્રેસનો સીધો જંગ છે. જ્યારે માત્ર વોર્ડ નં. 2 અને 5માં જ એક `આપ' અને એક અપક્ષ છે. વળી, ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ પણ એવી તૈયારી કરી હતી કે, તમામ વોર્ડમાં ઉમેદવાર ઊભા રહેશે, પણ ફોર્મ ભરેલા ચાર ઉમેદવારમાંથી પણ બે જણે તો પાછા ખેંચી લેતાં હવે સત્તાવાર રીતે દ્વિપક્ષીય જંગ છે. અપક્ષની નહિવત હાજરી છે, પરંતુ અસ્મિતા આંદોલન સૂત્ર સાથે સક્રિય સંગઠન કેટલીક બેઠકોમાં કોંગ્રેસને મજબૂત સમર્થન આપી મહેનત કરે છે. એ મત કપાય તો પરિણામ પર ચોક્કસ અસર પડે. ભાજપ પાસે અત્યારે લગભગ 70 વર્ષના પીઢ નેતાઓથી માંડીને ઊભરતા યુવાન નેતા સુધીનું કાર્યકર બળ છે. સામે કોંગ્રેસમાં પીઢ સુકાનીની ગેરહાજરીની ખોટ પડે છે, ત્યારે મોટાભાગના યુવાનો જ આ કેસરિયા ગઢનો જુસ્સા સાથે સામનો કરી રહ્યા છે અને પંજો વધુ મજબૂત બનશે છાતી ઠોકીને કહે છે.

146 કરોડના વિકાસકામોનું ભાથું : તમામ 28 બેઠક જીતશું : ભાજપ

`મુંદરા-બારોઇ નગરપાલિકા બન્યા પછી સત્તામાં આવી તેના પ્રથમ પાંચ વર્ષમાં જ 146 કરોડના વિકાસકામો કર્યા છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની વિકાસ ગાથામાં માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાએ  ટૂંકા ગાળામાં આટલા કામો કર્યા એ મોટી સિદ્ધિ છે અને લોકોએ આ વિકાસયાત્રાને આગળ ધપાવવાનું મન બનાવી જે લીધું છે. અમે કલીન સ્વીપ, તમામ 28 બેઠક જીતવાનું લક્ષ્ય અને વિશ્વાસ ધરાવીએ છીએ.એમ કહે છેમુંદરા શહેર સુધરાઈ ચૂંટણી પ્રભારી અમૂલભાઇ દેઢિયા. જામેલા ચૂંટણી માહોલ વચ્ચે તમામ કેસરી ખેસ પહેરેલાઓની મોટી હાજરીમાં હિંગળાજનગરમાં વોર્ડ નંબર સાતના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમારોહ બાદ કચ્છમિત્ર સાથે ભાજપના મોવડીઓએ સાથે ગુફતેગુ કરી હતીજેમાં પ્રભારી અમૂલભાઈને `ચૂંટણી ટિકિટ ફાળવ્યા બાદ મુંદરા શહેરમાં ઊઠેલી  146 કરોડના વિકાસકામો નારાજગી અને વિપક્ષની ભ્રષ્ટાચારના આરોપ સાથેની પ્રચાર ઝુંબેશ'નો સવાલ પૂછતાં એમણે કહ્યું કે, મતદાન ભાજપ તરફી જ થવાનું છે. ટિકિટ ફાળવણી તો ભાજપમાં લાંબી, વ્યવસ્થિત અને તબક્કાવાર પ્રક્રિયા બાદ જ સંપન્ન થાય છે અને છેલ્લે ટોચની પેનલ એ નક્કી કરે છે. મુંદરા લોહાણા સમાજ, જૈન સમાજ સાથે બેસીને આ વિષય અગાઉ પૂરો થઈ જ ગયો છે. બાકી કોંગ્રેસનું કામ જ માત્ર વિરોધ કરવાનું છે. ભાજપ હંમેશાં આપત્તિના સમયે લોકોની સાથે જ મદદ કરતું રહ્યું છે. જેનો ચૂંટણીમાં ફાયદો બેશક રહેશે. `મુંદરામાં છ કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સુધરાઈનું નવું સેવા સદન નિર્માણ, એર કન્ડિશન ટાઉનહોલ, વધુ બગીચા એ અમારી જીત પછીનું નવું લક્ષ્ય છે.' એમ કહે છે. મુંદરા શહેર ભાજપ પ્રમુખ અરાવિંદભાઈ પટેલ. અરાવિંદભાઈએ' જીત મળશે તો શું વિઝન રહેશે `એવા પ્રશ્ન પર વધુમાં પ્રતિભાવ આપ્યો કે, કોઈ એક વિસ્તાર નહીં, સમગ્ર મુંદરાની લોક સેવા અને વિકાસ કરશું. `નગરપાલિકાનું બાકી મહેકમ, ઓછો કાયમી સ્ટાફ, કચેરીનું ચૂકવાતું ઊંચું ભાડું, ડમ્પિંગ સાઈટનો લાંબા સમયથી પડતર મુદ્દો અને ગંદકી' `જેવા સવાલ પર શહેર ચૂંટણી ઈન્ચાર્જ મનોજભાઈ કોટકે કહ્યું કે, બધા મુદ્દે વહીવટી પ્રક્રિયા, ફાઇલિંગ જારી છે. ભરતી પ્રક્રિયા નવી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ તુરત શરૂ થશે. ડમ્પિંગ સાઈટ મંજૂર થઈ ગઈ છે. ભાજપ કાર્યાલયમાં ગુફતેગુ થઈ ત્યારે શહેર ભાજપ મહામંત્રીઓ હિરેન સાવલા, ગૌરાંગ ત્રિવેદી ચૂંટણી સહ ઈન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ મહેતા, રાહુલભાઈ જાની વગેરે આગેવાનો જોડાયા હતા.

ભ્રષ્ટાચાર, ટ્રાફિક સહિતના પ્રશ્ને લોકોમાં નારાજગી, આશ્ચર્યજનક પરિણામ હશે, સત્તામાં આવશું : કોંગ્રેસ

`ભ્રષ્ટાચાર, શહેરનો ગીચ ટ્રાફિક, ભાજપનો આંતરિક જૂથવાદ અને પ્રચાર દરમિયાન અમને મળી રહેલા આવકાર થકી 28મીના પરિણામના દિવસે મુંદરા-બારોઈ નગરપાલિકામાં કોંગ્રેસ આશ્ચર્યજનક પરિણામ આપશે. અમારો પક્ષ બહુમતી સાથે સત્તામાં આવશે.એવો વિશ્વાસ વ્યક્ત કરે છે નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ઇમરાન સલીમભાઈ જત. વોર્ડ નં. 4માં કોંગ્રેસની ટીમ પ્રચાર કાર્ય કરી રહી હતી, ત્યારે મળેલા ઇમરાનભાઈને પ્રચારના મુદ્દા અને કેટલી બેઠકો મળશેતેવા પ્રશ્ન પર કહ્યું કે, `અમને 28 બેઠક મળશે. ભાજપ વિકાસનો દાવો કરે છે, પણ ખુદ ભાજપના કાઉન્સિલરોના વોર્ડમાં પણ કામો ન થયાની ફરિયાદો છે. વરસાદી પાણી ભરાવા, ગટર યોજનાના પ્રશ્નો, ભ્રષ્ટાચાર, 20 ટકા કમિશન ખોરી કોન્ટ્રાક્ટરોના આડેધડ કામ છતાં એમને કંઈ ન કહેવુંજેવા મુદ્દાઓ કોંગ્રેસનો ધ્વજ લહેરાવશે.

નર્મદાના નીર તો  શહેરમાં આવી ગયા છે, એવો પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે, સત્તામાં આવશું : કોંગ્રેસ

`જોડાણ ક્યાં અપાયા, 20 ટકા પણ નથી અપાયા. વોર્ડ નંબર 1, 5, 4, 6માં ગટર લાઇનના ઠેકાણા નથી. લોકો બદલાવ ઇચ્છતા હતા પણ મોટેભાગે ઉમેદવારોનું રિપીટેશન થવું એ મુદ્દો લાભ અપાવશે.' `અમે દરેક વોર્ડમાં વ્યવસ્થિત ટીમો બનાવી છે. છ મહિનાથી નગરપાલિકા ચૂંટણીની તૈયારી આરંભી દીધી હતી. યુવા-મહિલા મતદારોનો ખાસ ટેકો છે, સામે ભ્રષ્ટાચારથી લોકો તંગ આવી ગયા હોવાથી અમે જીતી જશું `એવો  વિશ્વાસ વ્યક્ત કરે છે શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ સોંધરા. ધારાશાસ્ત્રી અને પૂર્વ ઉપવિપક્ષી નેતા શ્રી સોંધરાએ પ્રચાર કાર્ય વચ્ચેથી મુલાકાતમાં કહ્યું કે, `ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન, બ્લેક લિસ્ટમાં મુકાયેલા કોન્ટ્રાક્ટરોને ફરી કામ આપવું, વિપક્ષની રજૂઆતોને દાદ ન દેવું, હોદ્દેદારોની સંપત્તિ વધવી, ચાર ઇજનેરો સહિત કર્મચારીઓ પાંચ વર્ષ થયાં પણ એક એકાઉન્ટન્ટ સિવાય કોઈ કાયમી કર્મચારીની નિમણૂક કરવામાં નિષ્ફળતા, જેવા મુદ્દાઓ અમને જીત અપાવી રહ્યા છે. `િવકાસકામોની નબળી ગુણવત્તા અને પાણી, ટ્રાફિક, રખડતા ઢોર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળતા અમને વિજય અપાવશે.' એવો દાવો કરે છે કોંગ્રેસના શહેર ચૂંટણી સહ ઇન્ચાર્જ ભરત પાતારિયા. તેઓએ તમારી ચૂંટણી તૈયારી વિષયના પ્રશ્ન પર કહ્યું કે, કામો થયાનો દાવો કરાય છે પણ એની ગુણવત્તા નથી. ગ્રાન્ટમાંથી કમિશનખોરી જ થઈ છે. રખડતા ઢોર, પાણીના ટાંકા ન બનવા, નગરપાલિકા કચેરીનું પોતાનું મકાન હજુ ન બની શક્યું અને ઊંચું ભાડું ભરવું જેવા પ્રશ્નો લોકો જાણે છે. શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મઝર ખત્રીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વિકાસકાર્યો થકી ખીલશે કમળ : પૂર્વ પ્રમુખો

નગરપાલિકા નવી છતાં પ્રારંભથી સક્રિય

`મુંદરા એ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં રૂપાંતરિત થયું અને ઘણા પડકારો હતા. એક સાથે અનેક લક્ષ્ય પર કામ કરવાનું હતું, પરંતુ ભાજપે શાસન સંભાળ્યું ત્યારથી મજબૂત વિકાસકામોનો પાયો નાખી દીધો હતો.  શરૂઆતમાં અઢી વર્ષમાં જરૂરી તમામ ઠરાવ કરી નખાયા, વિવિધ યોજનાઓની સરકારી મંજૂરીઓ મેળવી લેવાઈ.' એમ કહે છે મુંદરા-બારોઇ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ રહેલા કિશોરાસિંહ પરમાર. `કમળ જ ખીલવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ કહેતાં તેઓ ઉમેરે છે કે, ગામ અંદરના આંતરિક વિસ્તારોમાં પેવર બ્લોકડાક બંગલા પાસે ટ્રાફિક પ્રશ્ન ઉકેલવા દીવાલ હટાવવી, દબાણો હટાવીને 11 ઓવર હેડ ટેન્કનું કામ આગળ ધપાવવું, ગૌરવ પથ એકની પૂર્ણતા, સીએસઆર ફંડમાંથી ત્રણ બગીચા, શહેરની પાણી, ગટર યોજનાને મંજૂરી, જેવા કામો ટૂંક સમયમાં સંપન્ન કર્યાં. સત્તા આવશે જ : હવે રિંગરોડનો પ્રસ્તાવ `નવી નગરપાલિકા છતાં મુંદરાએ ટૂંક સમયમાં 146 કરોડના રસ્તા, પાણી બગીચા, સહિતના લોકસુવિધાનાં કામો સંપન્ન કર્યાં છે અને મતદારોનો વિશ્વાસ ભાજપ પ્રત્યે અકબંધ છે.' એમ કહે છે તાજેતરમાં અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા મુંદરા સુધરાઈના પ્રથમ મહિલા અધ્યક્ષા રચનાબેન જોશી.  તેમણે વધુમાં કહ્યું કે, ગૌરવ પથ-બારોઈ રોડનું કામ પૂર્ણ થયા બાદ ત્રીજા ફેસને મંજૂરી, તમામ વોર્ડમાં એક એક બગીચાનું નિર્માણ, જેરામસર તળાવ સુશોભન, ઘરોઘર નર્મદા જળ દ્વારા ઊંચા ટીડીએસ પાણીમાંથી લોકોને મુક્તિ, આંતરિક રસ્તાઓનું નિર્માણ જેવા કામોથી મુંદરાવાસીઓ ભાજપને  મત આપવાનું મન બનાવી ચૂક્યા છે. હવે પછીના પાંચ વર્ષના શાસનમાં સ્પોર્ટસ સંકુલ, એસી ટાઉનહોલફાયર સ્ટેશન અને ખાસ તો ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માટે રિંગરોડનો પ્રસ્તાવ મુકાઈ ચૂક્યો છે.

Panchang

dd