હેમાંગ પટ્ટણી-હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 20 : બે વિધાનસભા મતક્ષેત્ર અને ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારને આવરી લેતા એક જિલ્લા જેવો વિશાળ વિસ્તાર ધરાવતા ભુજ તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતનો ચૂંટણીનો માહોલ ધીરેધીરે જામતો જોવા મળી રહ્યો છે. વૈશાખી તાપના આકરા પ્રભાવ અને મતદારોમાં જોવા મળતી નીરસતા વચ્ચે ચૂંટણીનો ધમધમાટ મતદાનની તારીખ નજીક આવતાં વેગ પકડશે.
ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો ગઢ બનેલા ભુજ તાલુકામાં
કોંગ્રેસ માટે કપરા ચઢાણની સ્થિતિ
જોવા મળી રહી છે. તા. પંચાયતની 32 પૈકી બે બેઠક ભાજપે બિનહરીફ મેળવી લીધી છે. હવે 30 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાં 24 બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો, તો પાંચ બેઠક પર ત્રિપાંખિયો જંગ છે.
એક બેઠક પર ભાજપ અને અન્ય વચ્ચે સ્પર્ધા છે. જિ. પંચાયતની 38માંથી સૌથી વધુ આઠ બેઠકો ભુજ તાલુકામાં. આ આઠ પૈકી
સુખપર જિ.પંચાયતમાં બળૂકા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊતરતાં મુકાબલો પ્રતિષ્ઠાભર્યે બની
રહ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપે તા. પંચાયતની 24 અને
જિ. પંચાયતની આઠમાંથી પાંચ બેઠક ભાજપે મેળવી હતી.
પ્રચારમાં સુસ્તી!
કચ્છમિત્રની ટીમે પટેલ ચોવીસીને આવરી લેતા સુખપર, માનકૂવા, માધાપર
ઉપરાંત આહીરપટ્ટીના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે પ્રચારમાં સાવ સુસ્તી
જોવા મળી હતી. ખેતી-પશુપાલનનો મહત્તમ વ્યવસાય ધરાવતા આ વિસ્તારના લોકો પોતાની રોજિંદી
કામગીરીમાં વ્યસ્ત એવા તે જોવા મળ્યા કે તેમને ચૂંટણીલક્ષી ધમાલની કોઇ પરવા જ નહોતી.
2.24 લાખ ભાગ્યવિધાતા
ભુજ તાલુકો સૌથી વધુ બેઠક સાથે સર્વાધિક મતદારો ધરાવે
છે. 30 તા. પંચાયત અને આઠ જિ.પંચાયતની બેઠક માટે 1,15,256 પુરુષ અને 1,09,713 મહિલા મળી 2,24,969 મતદારો રાજકીય પક્ષોના ભાગ્યવિધાતા બન્યા છે.
95થી ભાજપનું શાસન
1963ની સાલથી અસ્ત્વિમાં આવેલી ભુજ તા.પંચાયતમાં 1993ની સાલ સુધી કોંગ્રેસનું શાસન હતું, એ બાદ બે વર્ષના વહીવટદારના શાસન પછી
1995માં ભાજપે આ તાલુકામાં આરંભથી વિજયયાત્રા ત્રણ દાયકા
પછી અવિરત જારી રહી છે.
સીમાંકનનો સળવળાટ
આ વખતે સીમાંકનમાં મહત્ત્વનો બદલાવ થયો છે. વળી એસઆઇઆરની
ઝુંબેશનાં પગલે અનેક મતદારોનાં નામ યાદીમાંથી બાકાત થઇ ગયાં છે જેનો સળવળાટ સ્થાનિક
સ્વરાજ્ય જંગમાં જોવા મળી રહ્યો છે..
મતદારયાદીમાં છબરડા
મતદારયાદીમાં સુધારણા ઝુંબેશ છેડવામાં આવી હોવા છતાં
મતદારયાદીમાં છબરડા જોવા મળ્યા છે. માનકૂવાની મુલાકાત દરમ્યાન એક વિગત એવી જાણવા મળી
કે, માનકૂવા ગામની યાદીમાં કેટલાક ભુજ
શહેરના મતદારોનાં નામ સમાવાયાં છે, તો કલ્યાણપરના મતદારો અત્યાર
સુધી માનકૂવા સીટમાં હતા તેમનો સમાવેશ હવે આણંદસર બેઠકમાં કરાયો છે. કોંગ્રેસે આ કૃત્ય
રાજકીય ષડયંત્ર સમાન હોવાનો આક્ષેપ કરી સુધારા કરવા રજૂઆત કરી છે.
સુખપરમાં પ્રતિષ્ઠાભર્યો જંગ
પટેલ ચોવીસીના સુખપર ગામની જિ.પંચાયત બેઠક પર આ વખતે
પ્રતિષ્ઠાભર્યો જંગ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં કચ્છમાં ભાજપને જ્યાં સૌથી વધુ
લીડ મળી હતી એ સુખપર બેઠક પર આ વખતે તા. પંચયતના પૂર્વ પ્રમુખ હરીશભાઇ ભંડેરી સામે
કોંગ્રેસમાંથી અરજણ ભુડિયા વચ્ચે સીધો જંગ છે. કાર્યાલય ખૂલવા સહિતનો ધમધમાટ હજુ ધીમા
ડગલે શરૂ થયો છે. શાસક-વિપક્ષના દાવા-પ્રતિદાવા સુખપર બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી
લડતા હરીશ ભંડેરીએ કહ્યું કે, ભાજપ આ બેઠક પર આ વખતે ગત વખત કરતાં
પણ વધુ લીડથી જીતી નવો વિક્રમ સર્જશે. વિકાસને નિરંતર ચાલતી પ્રક્રિયા ગણાવી વિકાસને
આ જ માથાંએ આ વિસ્તારમાં ભાજપને અડીખમ રાખ્યો
છે. કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભુડિયાએ કહ્યું કે, કોંગ્રેસની નેમ
સ્વચ્છ અને પારદર્શક વિકાસ આપવાની છે.
માધાપરમાં સામસામી ટક્કર
ભુજના પરાસમાન અને શહેરી વિકાસની છાંટ ધરાવતી માધાપર
જિ. પંચાયત બેઠક છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો મક્કમ ગઢ બની રહી છે. આ
વખતે ભાજપમાંથી રમેશ ચાડ સામે કોંગ્રેસે મિતેશ ભાડકાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ગામની
મુલાકાત દરમિયાન ભાજપનો પ્રચાર વેગ પકડતો જોવા મળ્યો હતો. જ્યારે કોંગ્રેસ પ્રચારના
શ્રીગણેશ કરી રહ્યાનું જોવા મળ્યું હતું. માધાપર
ગામ રાજકીય દૃષ્ટિએ ઘણું વજન ધરાવે છે. જિ. પંચાયતના બે પૂર્વપ્રમુખ, સંગઠનના જિલ્લા મહામંત્રી આ ગામના
છે. જિ. પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારાએ માધાપરમાં ભાજપનો ગઢ અડગ રહેશે તેવો
અડીખમ વિશ્વાસ દેખાડયો હતો.
સબળ વિકલ્પ નથી મળતો
કચ્છમિત્ર ટીમની મુલાકાત દરમિયાન કેટલાક ગ્રામજનોએ
પોતાનો કચવાટ ઠાલવવા સાથે એક વાત એવી કહી હતી કે વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ. કમનસીબે
વિપક્ષ મજબૂત ન હોવાના કારણે અમને સક્ષમ વિકલ્પ મળતો નથી.
ભુજ તા.માં 94 ઉમેદવાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કચ્છમાં આ વખતે જિલ્લા
પંચાયતની ભુજ તાલુકામાં ભીરંડિયારા,
દિનારા, કેરા, કુકમા, માધાપર, નારાણપર (પસાયતી), સુખપર અને સુમરાસર (શેખ) એમ કુલ આઠ બેઠક ઉપર કોંગ્રેસ-ભાજપના આઠ-આઠ, આપના ત્રણ, એઆઈએમઆઈએમના બે તથા એક અપક્ષ એમ 22 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તાલુકા પંચાયતની
30 બેઠક ઉપર 72 ઉમેદવારે
ઝંપલાવ્યું છે.
વિકાસકામો અંગે સંતોષ
તાલુકાના સુખપર જિલ્લા પંચાયતની બેઠક પર આ વખતે સ્થાનિકના
બદલે બંને પક્ષે અન્ય ગામના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જો કે, વિકાસકામો અંગે કોઈ અધૂરાશો ન હોવાથી
સત્તાપક્ષને જીત મળવાની સંભાવના વેપારી મર્ચન્ટ એસો.ના પ્રમુખ હીરાલાલ મગનલાલ શેઠે
વ્યક્ત કરી હતી. જો કે, થોડા સમય અગાઉ આ ગામના થયેલાં વિભાજન
બાદ નવી બનેલી મદનપુરા ગ્રામ પંચાયતનો વિવાદ આ ગામમાં કેટલાક નાગરિકોમાંથી સાંભળવા
મળ્યો હતો, તો ગામના અન્ય વેપારી સૈયદ સમસુદ્દીન ઓસમાણે કહ્યું
કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રાષ્ટ્રીય મુદ્દા સાથે કોઈ નિસ્બત નથી હોતી તેમને સ્થાનિકે
સતાવતી સમસ્યાનો ઉકેલ જોઈતો હોય છે.
આહીરપટ્ટીમાં ખેડૂતોના પ્રશ્નો
તાલુકાની આહીરપટ્ટીમાં જિલ્લા પંચાયતની કુકમા, જ્યારે તાલુકા પંચાયતની કુકમા,
કાળી તળાવડી, ધાણેટી, પદ્ધર
બેઠક આવે છે, આહીરપટ્ટીના
આ ગામડાંઓમાં અત્યારે ચૂંટણીનાં પગલે ઉનાળો હોવા છતાં ચૂંટણીલક્ષી કામગીરીના
ધમધમાટ વચ્ચે બંને પક્ષે પ્રચાર અને ચૂંટણી સભાઓનું આયોજન થઈ રહ્યું છે. તે દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા
કુકમા જિલ્લા પંચાયત બેઠકનાં લાખોંદ ચોકડીએ કાર્યાલયો ખોલી દીધાં છે. કુકમા જિલ્લા
પંચાયતની સીટ પર કોંગ્રેસના પાંચા વેલજી કોઠીવાર, ભાજપના અબ્દુલરહમાન
યાકુબ મમણ અને આપના ધનજી ખીમા ચાવડા વચ્ચે ત્રિપાંખિયો જંગ લડાશે. તો તાલુકા પંચાયતની
ધાણેટી, પદ્ધર પર કોંગેંસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર,
જ્યારે કુકમા અને કાળી તળાવડીમાં કોંગેંસ, ભાજપ
અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.
દિનારામાં
નવાજૂનીના એંધાણ
પચ્છમ પંથકમાં દિનારા જિલ્લા પંચાયત બેઠક ઉપરાંત દિનારા, ધ્રોબાણા, જુણા
અને રતડિયા તાલુકા પંચાયતની બેઠકો છે, જે પૈકી રતડિયા બેઠકમાં
ભાજપના પરવેઝ ઇશાભાઇ સમા બિનહરીફ જાહેર થયા છે, જ્યારે દિનારા
જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસના મરિયમબાઇ રસીદ સમા અને ભાજપના જન્નતબાઈ રસુલ સમા
વચ્ચે જંગ છે, જેમાં અગાઉ લગભગ ત્રણેક વખત કોંગ્રેસના ઉમેદવાર
જીત્યા છે પરંતુ 15 વર્ષમાં ખાસ કોઈ વિકાસકામો
થયાં નથી તેવો ગણગણાટ લોકોમાંથી સંભળાઈ રહ્યો છે. આ મત વિસ્તારના ધ્રોબાણા, કુરન, કોટડા
વિગેરે ગામો ભાજપ સાથે રહે તેવા એંધાણ છે, જ્યારે દિનારા જે મોટું
ગામ છે અને વધુ મતદારો છે તે કોંગ્રેસના પડખે રહેવા સંભવ છે.
ધ્રોબાણા પર ભાજપનો દાવો
ધ્રોબાણા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના મેમુનતબાઈ ઇશાક
સમાની સામે હબીબાબાઇ અલારખિયા સમા કોંગ્રેસ તરફથી લડી રહ્યાં છે, આ બેઠક પણ ગઈ ચૂંટણીમાં ભાજપના ફાળે
ગઈ હતી અને ચાલુ ચૂંટણીમાં પણ કદાચ ભાજપને લીડ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
દિનારા કોંગ્રેસનો ગઢ
દિનારા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના લતીફાબાઈ
ઇબ્રાહીમ સમાની સામે ભાજપ તરફથી સલમાબાઈ વાયદના સમા લડી રહ્યાં છે. આ બેઠક દિનારામાં
પણ અગાઉ કોંગ્રેસ જીતતી આવી છે અને દિનારા કોંગ્રેસનો ગઢ ગણાતો આવ્યો છે.
માલધારીઓ મશગૂલ
બન્ની પંથકમાં ચોરેને ચૌટે ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂકયો
છે, બન્નીના મુખ્ય મથક ગણાતા ભીરંડિયારામાં
જિલ્લા પંચાયતની બિનઅનામત સામાન્ય બેઠક પર
ભાજપ, કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ વચ્ચે ત્રિપાંખિયો ઉપરાંત તાલુકા
પંચાયતની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે
જંગ ખેલાવાનો છે, ત્યારે ત્રણેય ઉમેદવાર જીતના દાવા સાથે કાળઝાળ
ગરમીમાં પ્રચારકાર્યમાં જોતરાઈ ગયા છે, તો બીજીતરફ ખારી તાલુકા
પંચાયતની બેઠક પર પણ કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ત્રિકોણીય જંગ
સાથે ચૂંટણી લડતા ઉમેદવારો મતદાતાઓ વચ્ચે પહોંચી રહ્યા છે. ભીરંડિયારા જિલ્લા પંચાયતની
બેઠક પર ભાજપના ઉમેદવાર અબ્દુલ્લા બુઢા જતે વિકાસની વાટે બહુમતીથી જીતનો દાવો કર્યો
હતો, તો કોંગ્રેસના ઉમેદવાર અનિલ શિવજીભાઈ આહીરે બન્નીમાં ઘણા
ગામડાંઓમાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી કોંગ્રેસ તરફી ઝોક હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
હતો.
પૂરક વિગત સહયોગ : હીરાલાલ રાજદે-ખાવડા, અલી જુમા રાયશીપોત્રા-ભીરંડિયારા,
રમેશ આહીર-રાયધણપર, પ્રમોદસિંહ જાડેજા-માનકૂવા.
સંઘના કાર્યકર્તા
કોંગ્રેસના ઉમેદવાર
ભુજ તાલુકાના માનકૂવા-1 બેઠક પર આ વખતે એક રોચક વાત એ સામે આવી કે અહીં વર્ષોથી
સંઘના કાર્યકર્તા રહી ચૂકેલા અગ્રણી આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસમાંથી
ચૂંટણી લડતા મહેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજાએ કહ્યું કે, હું સંઘ સાથે જોડાયેલો છું પણ લોકો
પંચાયતની કામગીરીથી વાકેફ થાય અને સક્ષમ-સમર્થ ઉમેદવારની પસંદગી થાય એ માટે કોંગ્રેસમાંથી
ચૂંટણી લડી રહ્યો છું. પટેલ ચોવીસીની નારાણપર (પ.) જિ.પંચાયત, કેરા જિ.પંચાયત તેમજ તા.પંચાયતની બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
જોવા મળી રહ્યો છે.
લોકલક્ષી વિકાસકામોનું
ભાથું વિક્રમી જીત અપાવશે : ધારાસભ્ય
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ તા. પંચાયત અને તાલુકામાં
સમાવિષ્ટ જિ. પંચાયતની બેઠકો પર ભાજપની ભવ્ય
અને વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું
કે, અનેક લોકલક્ષી વિકાસકામો થયાં છે અને
નજીકના સમયમાં થવાના છે, તેના કારણે અમને પ્રચાર દરમ્યાન એક પણ
પ્રશ્ન સાંભળવા મળતો નથી. નર્મદાના વધારાના પાણીથી ડેમો ભરી પિયતની સુવિધા ઉપલબ્ધ કરાવવા,
પીવાનાં પાણી, રસ્તા, શિક્ષણ
અને આરોગ્યની માળખાગત સુવિધા વિકસાવા, બાયપાસ માર્ગ દ્વારા વિવિધ
ગામોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા માટે કરોડો રૂપિયાના વિકાસકામો હાથ ધરાયા છે.
કેટલાક કામોને મંજૂરી મળી ગઈ છે. કેટલાકની મંજૂરી બાકી છે. પાવરપટ્ટી હોય કે પટેલ ચોવીસી,
આહીરપટ્ટી હોય કે બન્ની-પચ્છમનો વિસ્તાર હોય ભુજ તાલુકાના એક પણ છેડાને
અમે વિકાસથી વંચિત રહેવા દીધો નથી. ચૂંટણી પ્રસાર દરમ્યાન અમને જે આવકાર મળી રહ્યો
છે, તે જોતાં ગત ચૂંટણી કરતાં પણ વધુ પ્રભાવી જીત આવખતે મળશે
તે નિશ્ચિત લાગી રહ્યું છે.
પ્રજાલક્ષી કાર્યો
કરી, સરકારી તાનાશાહી દૂર કરાશે
લોકલક્ષી કાર્યો અને સરકારની તાનાશાહી દૂર કરવાના દાવા
સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતરેલા કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયતની આઠમાંથી
પાંચ અને ભુજ તાલુકાની 30માંથી 17થી 18 બેઠક
જીતવાનો વિશ્વાસ ભુજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ લાખાજી વેલાજી સોઢાએ વ્યકત કર્યો હતો.
શ્રી સોઢાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ કચ્છમાં શિક્ષણ, આરોગ્યમાં ઘટ, રોડ-રસ્તા, ખેડૂતોના પ્રશ્નોને લઈને મતદારો સમક્ષ જઈ
રહી છે, તો વર્તમાન સમયમાં ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓનું
સરકારી તંત્ર સામે કંઈ ચાલતું નથી જેના કારણે લોકોના કામો થતા નથી, કોંગ્રેસ જીત બાદ સરકારી તાનાશાહી દૂર કરશે, તો જમીનો
મુદ્દે કંપનીઓ સામે અવાજ ઉઠાવી ખેડૂતોની સંમતિથી આગળ વધે તેવા પ્રયત્નો કરાશે.