• સોમવાર, 13 એપ્રિલ, 2026

ટાટ એચ.એસ.ની પરીક્ષા માટે અમદાવાદ ગયેલા કચ્છના ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા

ભુજ, તા. 12 : રવિવારે અમદાવાદ ખાતે યોજાયેલી ટાટ એચ.એસ.ની પરીક્ષા આપવા ગયેલા કચ્છના પરીક્ષાર્થીઓ હોલ ટિકિટમાં અધૂરાં સરનામાના કારણે મુશ્કેલીમાં મૂકાયા હતા. આજે અમદાવાદ ખાતે શિક્ષક યોગ્યતા કસોટી (ઉચ્ચતર માધ્યમિક) ધોરણ 11-12 માટે (ટાટ એચ.એસ.)ની પરીક્ષાનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં કચ્છમાંથી પણ 900થી 1000 જેટલા ઉમેદવાર પરીક્ષા આપવા પહોંચ્યા હતા, પરતું કેટલાક ઉમેદવારોનાં પરીક્ષા કેન્દ્ર અમદાવાદના 30થી 35 કિલોમીટરનાં અંતરે ગ્રામ્ય વિસ્તારમાં આવેલાં હતાં, તેમાંયે આ કેન્દ્રોનાં અધૂરાં સરનામા અને બે કેન્દ્ર એક જ સંકુલમાં હોવા છતાં બનેનાં લોકેશન અલગ અલગ બતાવતા હોવાથી ઉમેદવારો અવઢવમાં મૂકાયા હતા. જો કે, કચ્છ ટાટ ગ્રુપના તખતાસિંહ સોઢા અને અન્યો પરીક્ષાર્થીઓને મદદરૂપ બનતાં ઉમેદવારો માંડ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે, એચ - ટાટ, ટેટ, ટેટ-1 હોય કે પછી કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કચ્છમાંથી આ પરીક્ષા આપવા હજારોને ઉમેદવારને 500-600 કિલોમીટરનું અંતર કાપી જવું પડે છે, જેમને આર્થિક, શારીરિક અને માનસિક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તેમાંય મહિલા ઉમેદવાર હોય, તો મુશ્કેલી વધી જતી હોય છે, ત્યારે હવે સમય પાકી ગયો છે કે, કચ્છના ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્યો પરીક્ષા કેન્દ્રની પગ ખોડીને માંગ કરે તેવો સૂર ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો.  દરમ્યાન, કચ્છ ટાટ ગ્રુપના પ્રમુખ શ્રી સોઢાએ રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ સમક્ષ કચ્છને કેન્દ્ર ફાળવવા કરેલી રજૂઆતના જવાબમાં આપેલી વિગતો મુજબ આ પરીક્ષા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઝોન નક્કી કરેલા છે, તેથી જો કચ્છને કેન્દ્રની માંગ ન સંતોષાય, ત્યાં સુધી કચ્છના ઉમેદવારોને આવી પરીક્ષાઓ માટે રાજકોટ કેન્દ્ર ફાળવવામાં આવે, તો રાહતરૂપ બની શકે તેવી માંગ પરીક્ષા બોર્ડ સમક્ષ કરી હતી. 

Panchang

dd