• સોમવાર, 13 એપ્રિલ, 2026

મુંદરા બંદરે ઝડપાયેલા 2988 કિલો ડ્રગ્સના કેસમાં ત્રીજા આરોપીને જામીન

અમદાવાદ, તા. 12 : કચ્છના મુંદરા પોર્ટ પરથી વર્ષ 2021માં ઝડપાયેલા ભારતના સૌથી મોટા ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પૈકીના એક એવા રૂા. 3,000 કરોડના હેરોઈન કેસમાં પકડાયેલા ત્રીજા આરોપી હરપ્રિતસિંહ તલવાર ઉર્ફે કબીરને ગુજરાત હાઈકોર્ટે `ટ્રાયલમાં અસાધારણ વિલંબ'ના આધારે જામીનમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સપ્ટેમ્બર 2021માં ડાયરેકટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા મુંદરા પોર્ટ પર અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરના કન્ટેનરની આડમાં આવેલા આશરે 2,988 કિલો હેરોઈનના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે રૂા. 3,000 કરોડ આંકવામાં આવી હતી. આ કેસની ગંભીરતા જોતાં તેની તપાસ એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવામાં આવી હતી.કોર્ટે કહ્યું હતું કે, તમામ 23 સાક્ષીની તપાસ પૂરી થઈ ચૂકી છે અને જો કેસની સુનાવણી પૂરી થવામાં અનિશ્ચિત સમય લાગે તેમ હોય તો માત્ર ગુનાની ગંભીરતાના આધારે આરોપીને અનંતકાળ સુધી જેલમાં રાખી શકાય નહીં. રૂા. 3,000 કરોડના આટલા મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં તપાસ પૂરી કરવામાં અને કાર્યવાહી શરૂ કરવામાં થયેલો વિલંબ તપાસ એજન્સીઓની કાર્યપ્રણાલી સામે પણ પ્રશ્ન ઊભા કરે છે. આ ચુકાદો ભવિષ્યમાં એનડીપીએસ એક્ટ હેઠળના અન્ય ગંભીર કેસોમાં પણ એક મહત્ત્વની ન્યાયિક ઉદાહરણરૂપ બની શકે તેમ છે. આ કેસમાં તલવારની ભૂમિકાના સંદર્ભમાં તમામ 23 સાક્ષીઓની ઉલટ તપાસ પૂરી થયા બાદ કોર્ટે જામીન આપ્યા હતા.  

Panchang

dd