નવી દિલ્હી, તા. 12 : મહિલા અનામત
વિધેયકના સમયની સામે વાંધા સાથે નારાજ વિપક્ષને મનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ પણ લોકસભા અને રાજ્યસભાના તમામ રાજકીય પક્ષોના નેતાઓને પત્ર લખી ખરડો
સર્વસંમતિથી પસાર કરાવવા અપીલ કરી હતી. પત્રમાં વિધેયક પર થનારી ચર્ચાને ઐતિહાસિક લેખાવતાં
મોદીએ આ વિધેયક લોકતંત્રને વધુ સશક્ત બનાવવાનો અવસર હોવાનું કહ્યું હતું. વડાપ્રધાને
સાંસદોને આ વિધેયક એક સ્વરમાં પસાર કરવા માટે પક્ષગત રાજકારણથી ઉપર ઊઠીને એકજૂટતા બતાવવાનું
આહ્વાન કર્યું હતું. વધુમાં વધુ સાંસદો આ વિષય પર સંસદમાં પોતાના વિચારો વ્યક્ત કરે.
આ ક્ષણ કોઈ એક પક્ષ કે વ્યક્તિથી ઉપર છે. આ મહિલાઓ અને ભાવિ પેઢી પ્રત્યે જવાબદારી
બતાવવાનો સમય છે. મોદીએ પત્રમાં નોંધ્યું હતું કે,
તમામ રાજકીય પક્ષો રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાની આકાંક્ષા વ્યક્ત
કરી રહ્યા છે, એ જોતાં આ આકાંક્ષાને વાસ્તવિક્તામાં બદલવાનો આ
જ સાચો સમય છે. આ દેશની નારીશક્તિ અને 140 કરોડ ભારતીયો માટે એક મહાન ઉપલબ્ધિ બનશે. મને પૂરો વિશ્વાસ છે
કે, આપણે સૌ સાથે મળીને સંસદમાં આ ઐતિહાસિક કાર્ય
પૂર્ણ કરીશું તેવું તેમણે જણાવ્યું હતું. ભારતને વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન સાકાર
કરવા, કોઈ પણ સમાજની પ્રગતિ માટે પણ મહિલાઓ નિર્ણય, નેતૃત્વ લેવાની ભૂમિકા ભજવે તે જરૂરી હોવાનું વડાપ્રધાને પત્રમાં નોંધ્યું
હતું. - ખરડાની જાણકારી
આપ્યા વિના મોદી સાથ માગે છે : ખડગે : નવી દિલ્હી, તા. 12 : મહિલા અનામત
વિધેયક માટે તમામ પક્ષોનો સાથ માગનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેએ પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, મોદી સરકાર વિધેયક અંગે પૂરી જાણકારી આપ્યા
વિના વિપક્ષો પાસેથી સમર્થન માગી રહી છે. આમ થતાં એવી શંકા મજબૂત થાય છે કે,
સરકાર મહિલાઓને ખરેખર સશક્ત બનાવવા નથી માગતી, પરંતુ આ ખરડાનો રાજકીય લાભ લઇ લેવા ઉતાવળ કરે છે, તેવા
પ્રહાર ખડગેએ કર્યા હતા.