માંડવી, તા. 12 : અહીં ભારે વાહનવ્યવહારને કારણે
વધતા અકસ્માતો અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે ઓટો પાર્ટ્સ એસોસીએશને અડધો દિવસ
બંધ પાળી શોક વ્યક્ત કર્યો હતો. માંડવીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રકો અને ડમ્પરોના
બેફામ વાહનવ્યવહારને કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાની ભાવના વધી રહી છે. બાયપાસ
રોડનું કામ લાંબા સમયથી ધીમી ગતીએ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનો શહેરના મુખ્ય માર્ગોમાંથી
જ પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા
ગંભીર બની છે. તાજેતરમાં સ્વામિનારાયણ મંદિર નજીક એક અકસ્માતમાં યુવતીના ઘટનાસ્થળે
થયેલા મોતથી ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ફરીથી ઊઠ્યો હતો. આ અંગે વારંવાર રજૂઆતો કરવા
છતાં પગલાં લેવામાં ન આવતા કચ્છ માંડવી મર્ચન્ટ્સ એસોસીએશન દ્વારા તંત્રવાહકોને લેખિત
રજૂઆત કરી શહેરમાં ભારે વાહનો (ટ્રક અને ડમ્પર)ના પ્રવેશ પર સમયમર્યાદા મૂકવા,
પીક ટ્રાફિક સમયમાં ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા,
બાયપાસ રોડના કામને ઝડપી પૂર્ણ કરવા, શહેરના મુખ્ય
અને જોખમી વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કડક વ્યવસ્થા કરવા, મંદિર,
બજાર અને શાળા વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી સુવિધાઓ ઊભી
કરવા માંગ કરી હોવાનું પ્રમુખ નરેન્દ્રભાઈ સુરુએ જણાવ્યું હતું.