• રવિવાર, 05 એપ્રિલ, 2026

કચ્છમાં કારતક જેવી વિષમતા ચૈત્ર માસમાં અનુભવાઈ

ભુજ, તા. 4 : કચ્છમાં માવઠાંનો દોર જામ્યો છે, પણ હજુ આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં ધૂપ-છાંવનો માહોલ યથાવત્ રહ્યો છે. ધૂપ-છાંવના આ માહોલ વચ્ચે વાતાવરણમાં ભાગ્યે જ જોવા મળતી વિષમતા હાલે અનુભવાઈ રહી છે. કારતક માસમાં જેવી વાતાવરણીય વિષમતા કચ્છમાં જોવા મળતી હોય છે તે આ વખતે પલટાયેલાં વાતાવરણ વચ્ચે ચૈત્ર માસમાં લોકો અનુભવી રહ્યા છે. મહત્તમ પારો એકંદરે અંકુશમાં રહેતાં તાપનો પ્રભાવ ઘટયો, પણ વાતાવરણમાં ઉકળાટ જળવાયલો રહ્યો હતો. ભુજ, નલિયા અને કંડલા (એ.)માં લઘુતમ પારો 19 ડિગ્રીએ પહોંચતાં સવારના સમયે લોકોએ વાતાવરણમાં શીતળતા અનુભવી હતી. 2017 પછી એપ્રિલમાં ભુજમાં લઘુતમ પારો 19 ડિગ્રીએ પહોંચ્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે. છેલ્લા દોઢ દાયકામાં એપ્રિલમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન ત્રણ જ વાર નોંધાયું છે. હવામાન વિભાગે બે દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના દેખાડી છે, પણ પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી 7 અને 8 એપ્રિલે પુન: એકવાર જિલ્લામાં કેટલાંક સ્થળે ગાજવીજ સાથે માવઠું વરસે તેવી આગાહી કરી છે. વાતાવરણમાં જોવા મળતા આ પ્રકારના ફેરફારની અસર જનસામન્ય પર પડતી જોવા મળી રહી છે. દરમ્યાન, ભચાઉ અને આસપાસના વિસ્તારમાં સાંજના સમયે એકાએક વરસાદી ઝાપટાં પડતાં રસ્તા પર પાણી વહી નીકળ્યાં હતાં. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

Panchang

dd