નવી દિલ્હી, તા. 4 : ગરમીના સમયગાળામાં
દેશના ઉત્તરી અને પશ્ચિમી રાજ્યો વરસાદ, કરા અને બરફવર્ષાથી પરેશાન છે. કેદારનાથમાં આજે નવેસરની બરફવર્ષાથી સમગ્ર વિસ્તારમાં
શ્વેતચાદર છવાઈ હતી. રોહતાંગ પાસ નજીક ભારે હિમપાતને કારણે અટલ ટનલ બંધ કરવામાં આવી
હતી. ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી પાંચનાં મોત થયાં હતાં. લાહોલ સ્પિતિના ઊંચા પહાડો પર બરફવર્ષા
ચાલુ હોવાથી કડકડતી ઠંડીએ કબજો જમાવ્યો છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પણ શનિવારે
તેજ તોફાનની સાથે હળવા વરસાદે વાતાવરણને ઠંડું બનાવ્યું હતું. રાજસ્થાનમાં જેસલમેર
અને બિકાનેરમાં કરા પડયા હતા. અજમેર-બ્યાવરમાં ભારે પવનથી વૃક્ષો પડી ગયાં હતાં અને
ટીન શેડ ઊડી ગયા હતા. આવનારા ત્રણ દિવસ દરમ્યાન પણ આવું જ વાતાવરણ રહેવાની ચેતવણી આપવામાં
આવી હતી. ઉત્તરપ્રદેશના કોસીકલા અનાજ બજારમાં 10 હજાર બોરીમાં રાખેલા પાંચ હજાર ક્વિન્ટલ ઘઉં વરસાદમાં પલળી ગયા
હતા. અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયાં હતાં. જયપુરમાં તોફાની પવનમાં
ઘર ધસી પડયું હતું, જેના કાટમાળમાં
દબાતાં બે લોકોનાં કરુણ મોત થયાં હતાં.