• રવિવાર, 05 એપ્રિલ, 2026

પનીર અસલી છે કે નકલી એ દર્શાવવું પડશે...

અમદાવાદ, તા.4 (અમારા પ્રતિનિધિ તરફથી) : હોટલ કે વધુ પડતું બહાર જમવાની ટેવ ધરાવનારાઓના સ્વાસ્થ્ય અંગે એક અત્યંત મહત્વના સમાચાર છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાવાળા પનીરના વેચાણમાં થયેલા ઉછાળાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની જાહેરાત બાદ ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે પણ શહેરની હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ફરજિયાત અસલી પનીર છે કે એનાલોગ એટલે કે નકલી પનીર તેવું મેન્યુમાં દર્શાવવા સુચના આપી છે. આ ઉપરાંત હોટલમાં જો એનાલોગ પનીરનો વપરાશ થતો હોય તો તેનું મોટું બોર્ડ પણ દર્શાવવું પડશે. અમદાવાદમાં નોંધાયેલા 15 હજારથી વધુ ખાદ્ય એકમોને આ બાબતે સુચના આપવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં કયું પનીર વાપરવામાં આવે છે તે લખવું ફરજીયાત રહેશે. સાથે જ એનાલોગ પનીર છે કે કેમ તેની સ્પષ્ટતા કરવી પડશે. ગ્રાહકોને વંચાય એવી રીતે આ લખાણ મૂકવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પણ આ પ્રકારે 4 એપ્રિલથી આ જોગવાઈનું ચુસ્ત પાલન કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. અસલી કે શુદ્ધ પનીર દૂધમાંથી બનાવવામાં આવતું હોય છે જ્યારે એનાલોગ પનીર કેમિકલયુક્ત હોય છે. નકલી પનીરમાં પામોલીન તેલ, વનસ્પતી ઘી, મિલ્ક પાવડર સહિત અન્ય કેમિકલ્સ તેમજ સ્ટેબિલાઈઝર્સ હોય છે. જો કોઈપણ પ્રકારે ગ્રાહકોને ભ્રમિત કરે તેવી રજૂઆત કરાશે અથવા ખોટી માહિતી આપવામાં આવે છે તો તેવા એકમો સામે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.   

Panchang

dd