નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટના
ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ એક મહત્ત્વપૂર્ણ નિવેદનમાં કહ્યું હતું કે, ચૂંટણીપંચ જેવી સંસ્થાઓએ સ્વતંત્ર રીતે કામ
કરવું જોઈએ અને રાજકીય પ્રતિક્રિયાઓથી પ્રભાવિત ન થવું જોઈએ. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું
હતું કે, `ચૂંટણીઓ ફક્ત
સમયાંતરે થતી ઘટનાઓ નથી. તે એક એવી પદ્ધતિ છે, જેના દ્વારા રાજકીય શક્તિ રચાય છે. આપણી બંધારણીય લોકશાહીએ સાબિત કર્યું છે
કે, સમયસર ચૂંટણીઓ સરકારમાં સુચારુ રૂપે પરિવર્તન થાય છે. આ પ્રક્રિયા
પર નિયંત્રણ, વાસ્તવમાં રાજકીય સ્પર્ધાની શરતો પર નિયંત્રણનો
અર્થ છે.' નાગરત્નાએ પટણામાં ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટી ખાતે
`બંધારણવાદ બિયોન્ડ રાઇટ્સ : સ્ટ્રક્ચર મેટર્સ
કેમ' વિષય પર ડો. રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ પ્રવચન
દરમ્યાન જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ, કોમ્પ્ટ્રોલર
અને ઓડિટર જનરલ (કેગ) અને નાણાપંચ સમાન રીતે રચાયેલા છે. આ સંસ્થાઓ વિશિષ્ટ છે,
બાહ્ય પ્રભાવોથી મુક્ત છે અને એવાં ક્ષેત્રોની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં
આવ્યું છે, જ્યાં સામાન્ય રાજકીય પ્રક્રિયાઓ નિષ્પક્ષતા સુનિશ્ચિત
કરવા માટે પૂરતી ન હોય. તેમણે કહ્યું, `આ સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે અને રાજકીય પ્રક્રિયાઓથી
પ્રભાવિત ન થાય તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.'