ભુજ, તા. 3 : પશ્ચિમી વિક્ષોભની અસર તળે
રાજ્ય પર સર્જાયેલી ચાર અલગ-અલગ સિસ્ટમના પ્રભાવથી કચ્છ સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો
આવ્યો છે. જિલ્લાના ચાર તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટાંએ ઉનાળામાં ચોમાસુ માહોલ સર્જ્યો
હતો. સવારના ભાગે ઠંડો પવન ફૂંકાતાં ગરમીમાં મોટી રાહત મળી હતી. બપોર બાદ જિલ્લાના
મોટાભાગના વિસ્તારમાં ઉઘાડ નીકળતાં પુન: એકવાર મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે
હવે બે દિવસ સૂકું વાતાવરણ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી ફરી સાત - આઠ તારીખે છૂટાછવાયા
વિસ્તારમાં ઝાપટાં વરસે તેવી આગાહી કરી છે. - ભુજમાં ચોમાસુ માહોલ : જિલ્લા મથક
ભુજ અને આસપાસના વિસ્તારમાં સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતાં ચોમાસુ માહોલ છવાયો
હતો. વરસાદ તૂટી પડે તેવાં વાતાવરણ વચ્ચે છૂટાછવાયા છાંટા પડયા હતા. વહેલી સવારે ઠંડો
પવન ફૂંકાતાં લોકોએ ઉનાળામાં શીતળ વાતાવરણની અનુભૂતિ કરી હતી. જિલ્લા કંટ્રોલ રૂમમાં
સત્તાવાર રીતે મુંદરા અને અંજારમાં પાંચ-પાંચ અને ગાંધીધામમાં ચાર મિ.મી. વરસાદની નોંધ
થઈ હતી. - મુંદરામાં પાણી વહ્યાં : મુંદરામાં
હવામાન ખાતાંની આગાહી મુજબ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ચોમાસાં
જેવા માહોલ વચ્ચે સવારે માવઠું થયું હતું અને એક તબક્કે રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં
હતાં. બપોર બાદ ઉઘાડ નીકળી ગયો હતો અને ફરી પાછી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. અબડાસાના
મુખ્ય મથક નલિયા સહિતના વિસ્તારમાં પવન-ગાજવીજ સાથે ગતરાત્રિ દરમ્યાન ઝાપટાં પડયાં
હતાં. - અંજારમાં ઝાપટું : અંજાર શહેર
અને આસપાસના વિસ્તારમાં સવારના ભાગે કમોસમી વરસાદી ઝાપટાં વરસતાં માર્ગો પરથી પાણી
વહ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારમાં આવો જ માહોલ જોવા મળ્યો હતો. માવઠાંનાં પગલે વાતાવરણમાં
ઠંડક પ્રસરી હતી. - નખત્રાણા
તાલુકામાં પવન ફૂંકાયા : ચઈતર ડોરો અને ચોમાસે મીં બોરો એ કહેવત
અત્યારે સાર્થક બની રહી છે. નખત્રાણા પંથકમાં
અનેક જગ્યાએ છાંટા અને ઝાપટાં પડયાં હતાં. ગત રાત્રે એક વાગ્યાની આજુબાજુમાં સાંગનારા વિસ્તારમાં હવાનો
વંટોળ આવ્યો હતો, ત્યારે વૃક્ષો
ધરાશાયી થયાનું ખેડૂત જયંતીભાઈએ જણાવ્યું છે. વડીલોના મતે ચૈત્ર માસમાં માવઠું થાય
અથવા વાદળછાયું વાતાવરણ સર્જાય એ સારાં ચોમાસાંની નિશાની છે. આજે સવારે આઠ વાગ્યામાં
વિથોણ પંથકમાં માર્ગ પલાળતો વરસાદ પડયો હતો અને રસ્તા ઉપરથી પાણી વહી નીકળ્યાં હતાં. દેવપર, ધાવડા, ચાવડકા, મોરજર, આણંદસર,
ભડલી, રાણારા, અધોછની વિસ્તારમાં
માવઠાંરૂપી છાંટા પડયા હોવાનું જાણવા મળ્યું હતું. મોટી વિરાણી, રામેશ્વર, વાંઢ, સુખપર,
જતાવીરા, ગડાપોઢા વિસ્તારમાં છાંટા પડતાં જમીન
પલળી હતી. - ગાંધીધામ-આદિપુરમાં
ઝાપટાં : કચ્છમાં કમોસમી વરસાદની આગાહી મુજબ આદિપુર-
ગાંધીધામમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. આજે સવારથી જ વરસાદી માહોલ છવાયેલો રહ્યો
હતો. સવારે 9 વાગ્યાના અરસામાં ઝરમાર વરસાદથી શરૂઆત થયા
બાદ ભારે ઝાપટું પંદરેક મિમિટ સુધી પડયું હતું, જેનાં કારણે માર્ગ ઉપર પાણી વહી નીકળ્યાં
હતાં, ત્યાર બાદ આખો દિવસ વાતાવરણ સૂર્યપ્રકાશિત રહ્યું હતું.