મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 3 : અમદાવાદમાં આગામી સમયમાં અનેક
મહત્ત્વની ખેલ સ્પર્ધાઓના આયોજનનો તખતો ઘડાઈ
રહ્યો છે અને ગુજરાતને સ્પોર્ટસ હબ બનાવવાની મોટી-મોટી વાતો થઈ રહી છે, પણ ગ્રામ્ય સ્તરે રમતની સુવિધાઓની ઉપેક્ષાઓનો
કમનસીબ દોર ખતમ થતો જ નથી. કચ્છમાં મસ્કા ગામે સવા બે વર્ષ પહેલાં લગભગ છ એકરમાં રૂા.
7.18 કરોડના ખર્ચે રમતગમત સંકુલ
બનાવવાની જાહેરાત થઈ ત્યારે સમગ્ર પંથકના ખેલાડીઓ હરખાયા હતા, પણ હવે એવું લાગે છે કે, મસ્કાના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. કચ્છના મહેસૂલ વિભાગના ભમ્મરિયા
કૂવામાં તેની મંજૂરી માટેની ફાઈલ અટવાઈ ગઈ છે અને બીજી તરફ જવાબદારોના જરૂરી પ્રયાસોનો
અભાવ જોઈ શકાય છે. માહિતગાર સૂત્રો એવું કહે છે કે, હવે તો ઉપરથી
પણ એવું નક્કી થયું છે કે, તાલુકાકક્ષાએ ખેલ સંકુલોની યોજના આગળ
વધારવી નથી અને મસ્કા માટે સરકારનો ઓર્ડર હજી થયો નથી. રમત વિભાગ કહે છે કે,
અમે બધી પ્રક્રિયાઓ આટોપીને ફાઈલ મહેસૂલ વિભાગને મોકલી દીધી છે અને મહેસૂલ
વિભાગના અધિકારીઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી!
થોડા વર્ષ પહેલાં ગુજરાતના અમુક પસંદ થયેલા તાલુકાઓમાં રમત સંકુલો વિકસવાવવાની
જાહેરાત એસએજી દ્વારા કરાઈ હતી. કચ્છમાંથી પણ મસ્કા, મોટી વિરાણી,
દયાપર સહિત ત્રણેક સ્થળ સૂચવાયાં
હતાં, જેમાંથી અંતે મસ્કા પર પસંદગી મુકાઈ હતી. એસએજીએ મસ્કામાં
ગ્રામ પંચાયતની જમીન પર ઈન્ડોર મલ્ટિપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથેનું ખેલ સંકુલ બનાવવા માટે રૂા. 7,18,99,902ની રકમના ટેન્ડર પણ 2024ની શરૂઆતમાં મગાવવામાં આવ્યા
હતા, જે માટે પાર્ટી પાસ થઈ ગઈ હતી. મસ્કાની સાથે
દાહોદના લીમખેડા, ખેડાના કડલાલ, ભાવનગરના
પાલીતાણા જેવા તાલુકાકક્ષાના સંકુલના ટેન્ડર જારી થયા હતા. મસ્કામાં ક્રિકેટ એકેડેમીની
સામેની જમીનમાં રમત સંકુલ બનવાની તૈયારી હતી. એ વખતે એવું કહેવાયું હતું કે,
તેમાં ચાર પ્રચલિત રમત કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સના ટ્રેનરો પણ ફાળવવામાં આવશે. નવાઈની વાત એ છે કે,
જમીનની મંજૂરીની પ્રક્રિયા બાકી હોવા છતાં એસ.એ.જી.એ એ વખતે કરોડો રૂપિયાના
ટેન્ડર પણ જારી કરી દીધા અને રમતપ્રેમીઓ આનંદિત બન્યા હતા, પણ
એ વાતને આજે મહિનાઓ વીતી ગયા છતાં તેમાં કોઈ જ પ્રગતિ થઈ નથી. આ સંદર્ભમાં જિલ્લા રમત
વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકુરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, અમે ખૂંટા માપણી અને નિરીક્ષણ સહિતની પ્રક્રિયાઓ પૂરી કરીને ઘણા સમય પહેલાં
જ કલેક્ટર ઓફિસમાં ફાઈલ મોકલી દીધી છે,
પણ ત્યાંથી હજી કોઈ મંજૂરી મળી નથી. દરમ્યાન, માહિતગાર
વર્તુળોના જણાવ્યા અનુસાર ગુજરાતના દસેક તાલુકામાં આવા રમત સંકુલો બનાવવાની યોજના આગળ
વધી જ નથી. કચ્છમાં કલેક્ટર ઓફિસ દ્વારા જિલ્લામાં અન્ય કેટલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ
છે તેની વિગતો મગાવવામાં આવી હતી અને રમત કચેરી દ્વારા ભુજ અને ગાંધીધામના ખેલ સંકુલો
અંગેની વિગતો મોકલાઈ હતી, પણ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી
દ્વારા મહેસૂલ વિમાગને જમીન મંજૂરી માટે મોકલવામાં આવેલી ફાઈલનો કોઈ જવાબ મળ્યો નથી.
આ સંદર્ભમાં એડિશનલ કલેક્ટર શ્રી ચૌહાણનો પણ અનેકવાર સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા,
પણ તેમણે પ્રત્યુત્તર આપવાની તસ્દી લીધી નહોતી. મુંદરાના પ્રાંત અધિકારી
ભગીરથસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, હું તપાસ
કરાવી આપીશ. દરમ્યાન આ અંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો સંપર્ક કરતાં તેમણે
કહ્યું હતું કે, સરકારે મંજૂર કર્યું હતું, પણ પછી જિલ્લાકક્ષાએ બીજા રમત સંકુલો કાર્યરત હોવાને લીધે તે મુદ્દો અટકી ગયો
હતો, પણ તેની ફાઈલ સાવ બંધ થઈ ગઈ એવું નથી અને અમે એ દિશામાં
પ્રયાસ કરી રહ્યા છીએ. - નલિયા-ભચાઉમાં 26 એકર જમીન રમત ખાતા પાસે છે, સુવિધા વિકસાવો : ભુજ, તા. 28 : કોઈ પણ યોજના માટે જમીનનું
સંપાદન બહુ કઠિન પ્રક્રિયા હોય છે, પણ કચ્છમાં તો રમતગમત ક્ષેત્રે ઉદાસીનતાનો વરવો નમૂનો એ છે કે, નલિયા અને ભચાઉ ખાતે બે રમત સંકુલ માટે જમીન મંજૂર થઈ ગયા પછી પણ ખેલની કોઈ
સુવિધા ઊભી થઈ નહીં. સ્થાનિક તંત્ર કે સ્પોર્ટસ ઓથોરિટી હજી પણ પહેલ કરીને આ જમીનોમાં
મોટી નહીં તો આસપાસના વિસ્તારને ઉપયોગી બને એવી સુવિધાઓ તો વિકસાવી જ શકે. નલિયામાં
બોર્ડરવિંગની કચેરીની સામે 14 એકર જમીન સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે એસએજી દ્વારા સંપાદિત કરાઈ
અને એ વખતે ભુજના જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રને કબજો મળ્યો હતો. એ જ રીતે ભચાઉમાં
પણ 12 એકર જમીન સંપાદિત થઈ ગઈ હતી.
જે-તે વખતે ભચાઉમાં રૂા. 1.12 કરોડ અને
નલિયા માટે રૂા. 72 લાખના ખર્ચનો
પ્રાથમિક અંદાજ બાંધવામાં આવ્યો હતો, પણ પછી એ વિસ્તાર સરહદી વિસ્તાર વિકાસ યોજનાના માપદંડમાં ન આવતો હોવાના નામે
ખેલ સંકુલ પર પડદો પાડી દેવાયો. આજે પણ જમીન રમત ખાતાના નામે બોલે છે અને તેમાં દબાણ
થઈ રહ્યું છે, ત્યારે સંલગ્ન તંત્રો ધારે તો સુવિધાઓ વિકસાવી
શકે એમ છે. કોઈ જાગશે? બીજી તરફ ભુજના ખારસરાના રમત મેદાનમાં
પણ દબાણ થઈ ગયું છે અને જૂના રમતપ્રેમીઓ તેની હાલત જોઈને કચવાઈ રહ્યા છે.