ગાંધીધામ, તા. 3 : માત્ર ગુજરાત જ નહીં દેશના મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક અને લોજિસ્ટિક હબ તરીકે
વિકસેલા, કચ્છ જિલ્લામાં તમામ વિકાસ
વચ્ચે કચ્છના સર્વાંગી વિકાસ માટે મજબૂત રેલ કનેક્ટિવિટી મહત્ત્વપૂર્ણ બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
કચ્છમાં મુસાફર ટ્રેન સેવાના વિસ્તરણ અંગે રેલવે મંત્રી સમક્ષ વિસ્તૃત રજૂઆત કરાઈ છે.
- પરપ્રાંતના લોકો માટે સરળ રેલ
સેવા જરૂરી : ગાંધીધામ ચેમ્બર તેજા કાનગડે જણાવ્યું હતું કે, કચ્છ
દેશના ઔદ્યોગિક નક્શામાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને અહીં કાર્યરત લાખો કામદાર
અને ઉદ્યોગકારો માટે મજબૂત રેલવે કનેક્ટિવિટી સમયની માંગ છે. જો રજૂ કરાયેલા મુદ્દાઓ
ઉપર યોગ્ય પગલાં લેવામાં આવશે, તો માત્ર મુસાફરોને જ નહીં,
પરંતુ ઉદ્યોગ, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને પણ
વિશાળ પ્રોત્સાહન મળશે. વધુમાં ઉમેર્યું હતું
કે, કચ્છમાં ઉત્તરપ્રદેશ
અને બિહાર જેવાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર અને વ્યવસાય માટે વસવાટ કરે
છે, જે માટે તેમને પોતાનાં વતન સુધી સરળ, સીધી અને વિશ્વસનીય રેલવે સુવિધાની તાત્કાલિક જરૂરિયાત છે. - ઉત્તરભારતના લોકો માટે ટ્રેન
સેવા જીવનરેખા સમાન : ચેમ્બરના
માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું
કે, કચ્છમાં વસતા ઉત્તર ભારતીય પ્રવાસીઓ માટે સીધી
ટ્રેન સેવા જીવનરેખા સમાન છે. હાલની મર્યાદિત અને અસ્થાયી સેવાઓના કારણે લોકોને ઘણી
મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનું ઉમેર્યું હતું. - આલાહઝરત ગોરખપુર સુધી લંબાવો : પૂર્વાંચલ વિસ્તારના હજારો મુસાફરને સીધો લાભ મળે, તે માટે આલાહઝરત/બરેલી ટ્રેનને ગોરખપુર સુધી
વિસ્તૃત કરીને દૈનિક ચલાવવાની માંગ પણ કરવામાં
આવી છે. આ ઉપરાંત, લાંબા
અંતરની મુસાફરી દરમિયાન સ્વચ્છતા, સતત પાણી પુરવઠો, આધુનિક કોચ અને યોગ્ય હાઇજિન જાળવવું અત્યંત જરૂરી હોવાનું જણાવાયું છે. આ સુવિધાઓમાં સુધારા થવાથી મુસાફરોનો અનુભવ સુધરશે
અને રેલ્વે પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. રેલવેનું વિસ્તૃતીકરણ માત્ર કચ્છના વિકાસ
પુરતું મર્યાદિત ન રહી સમગ્ર દેશના આર્થિક અને સમાજિક વિકાસને નવી દિશા આપશે તેવું
પત્રમાં જણાવાયું છે. - ગાંધીધામ-ભાગલપુર ટ્રેનને કાયમી ધોરણે દોડાવો : ગાંધીધામ, તા. 3 : ચેમ્બરની રજૂઆતમાં મુખ્યત્વે ગાંધીધામ-ભાગલપુર ટ્રેનના નિયમિત
સંચાલનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. હાલ આ ટ્રેન ફેસ્ટિવલ સ્પેશિયલ તરીકે ચલાવવામાં
આવતી હોવાથી મુસાફરોને સતત અસુવિધાનો સામનો કરવો પડે છે અને તેમને કનેક્ટિંગ ટ્રેનો
પર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે
સમય અને ખર્ચ બંને વધે છે. આ ટ્રેનને કાયમી અને નિયમિત સેવા તરીકે શરૂ કરવામાં આવે,
તો કચ્છ અને પૂર્વ ભારત વચ્ચે સીધી અને સુલભ કનેક્ટિવિટી સ્થાપિત થશે. - રાજસ્થાન, યુ.પીને સાંકળતી સાબરમતી-થાવે ભુજ સુધી લંબાવો
: ગાંધીધામ, તા. 3 સાબરમતી-થાવે એક્સપ્રેસ ટ્રેનને ભુજ અથવા ગાંધીધામ સુધી વિસ્તૃત
કરવાની માંગ પણ પત્રમાં વિશેષરૂપે રજૂ કરવામાં આવી છે. આ ટ્રેન રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના
અનેક મહત્ત્વપૂર્ણ સ્ટેશનોને જોડે છે અને કચ્છમાં વસતા બિહાર તેમજ ઉત્તર ભારતના મુસાફરો
માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. આ ટ્રેનનાં વિસ્તરણથી કચ્છ સુધી સીધી રેલ્વે કનેક્ટિવિટી
વધશે અને માર્ગમાં આવતાં સ્ટેશનો પર પણ વેપાર, પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે તેવું જણાવાયું છે.