• બુધવાર, 18 માર્ચ, 2026

મુંદરામાં રાંધણગેસ ફાળવણીમાં વિલંબ : પાઇપલાઇન ધારકોને ચેતવણી

મુંદરા, તા. 16 : ખાડી યુદ્ધને પગલે ખાસ કરીને રાંધણગેસના બાટલાઓમાં વિવિધ શહેરોમાં તંગીની રાવ ઊઠી છે, ત્યારે મુંદરામાંથી સત્તાવાળાઓ દ્વારા ખોટા ભયથી દૂર રહેવા અને ખાસ કરીને ગેસ લાઇનવાળા ધારકોને બાકિંગ ન કરવા સૂચના અપાઈ છે. મુંદરામાં છેલ્લા થોડા દિવસોથી રાંધણગેસ એલપીજીના સિલિન્ડર બાટલા નોંધાવા માટે લાઈનો લાગતી હોવાના અને પાંચ-છ દિવસથી ડિલિવરી ન મળતી હોવાની ફરિયાદો બહાર આવી હતી. દરમ્યાન, આજે કેટલાક સૂત્રોએ એવા પણ આક્ષેપો ઉઠાવ્યા હતા કે, ખાનગી ધંધાર્થીઓ પાસે બાટલા પહોંચી જાય છે, પરંતુ ઘરમાં રસોઈ માટે જરૂરી છે એને પહોંચતા નથી. જો કે, આ સંબંધે મુંદરા મામલતદાર કચેરીનો સંપર્ક કરતાં તેઓએ આવી હજી સુધી કોઈ ફરિયાદ ન આવ્યાનું કહીને ઉમેર્યું કે, પૂરતો પુરવઠો છે અને કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડી દીધું છે કે, પાઇપલાઇન દ્વારા પીએનજી ગેસ મેળવતા ગ્રાહક હોય તેઓ ખોટા ભયમાં આવી જઈને એલપીજીનું બાકિંગ ન કરાવે અને જો એવા ગેસ કનેક્શન હશે તો હવેથી તબક્કાવાર કાર્યવાહીમાં કનેક્શન રદ પણ થશે, એવું કેન્દ્ર સરકારનું જાહેરનામું આવી ચૂક્યું છે. બીજીબાજુ, રેસ્ટોરેન્ટ અને હોટેલ ધારકોવાળા પણ રાંધણગેસના બાટલાનો વપરાશ કરતા હોવાના પ્રશ્ન સંદર્ભે કહ્યું હતું કે, આવી કોઈ પણ ફરિયાદ હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં તંત્ર અચકાશે નહીં. બીજી તરફ ગેસ પાઇપલાઇન આપનાર  ગુજરાત ગેસની ભુજ કચેરીનો સંપર્ક સાધતાં તેમણે પણ કહ્યું હતું કે, પીએનજી ગેસ એ કુદરતી ગેસ છે અને એનો હાલમાં પૂરતો પુરવઠો છે, જેથી કરીને વધારામાં એલપીજી કનેક્શન હોય તો એના પર બાકિંગ કરીને કૃત્રિમ તંગી ઊભી કરવામાં ન આવે.

Panchang

dd