કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 16 : સરહદી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આવેલા સામૂહિક
આરોગ્ય કેન્દ્રની હાલત `દીવા
તળે અંધારું' જેવી થઈ ગઈ છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ હોસ્પિટલ ઇન્ચાર્જના
ભરોસે ચાલી રહી છે. અખબારી અહેવાલોના પડઘા બાદ તંત્રએ બે તબીબોની નિમણૂક તો કરી,
પણ આ તબીબો જાણે `ગેસ્ટ
આર્ટિસ્ટ' હોય તેમ રજા મૂકીને ચાલ્યા જતાં દરરોજ 200થી 250 દર્દીની
ઓપીડી ધરાવતી આ હોસ્પિટલ ફરી તબીબ વિહોણી બની ગઈ છે.
હિટ
એન્ડ રન જેવી નીતિ
સૂત્રોના
જણાવ્યા અનુસાર, નલિયામાં બદલી થઈને આવેલા એક તબીબ તો હાજર થઈને તુરંત રજા
પર ઊતરી ગયા છે, જ્યારે એક મહિલા તબીબ 15 દિવસ હાજર રહી કપાત પગારની રજા મૂકી રવાના થઈ ગયા છે.
આ પરિસ્થિતિને કારણે હવે વાયોર અને કોઠારા પીએસસીના તબીબોને વારાફરથી નલિયા ધક્કા ખાવા
પડે છે. પરિણામે તે ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. ગરીબ દર્દીઓ
માટે હવે મોંઘીદાટ ખાનગી સારવાર સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
ડોક્ટરો
કાગળ પર
અબડાસાની
સવા લાખની જનસંખ્યા સામે આખા તાલુકામાં સરકારી ચોપડે માત્ર બે જ એમબીબીએસ તબીબો કાર્યરત
છે. તેરા પીએસસીમાં મુકાયેલા બોન્ડેડ ડોક્ટર પણ ચાલ્યા ગયા છે. જખૌ પીએસસીમાં તબીબની
નિમણૂક માત્ર કાગળ પર જ છે, ત્યાંના ડોક્ટરને જિલ્લામાં `લાયઝનિંગ' માટે બેસાડી દેવાયા હોવાની ચર્ચાએ
જોર પકડ્યું છે.
100 કિ.મી.નો જોખમી પ્રવાસ
હોસ્પિટલમાં
એક્સ-રે મશીન ધૂળ ખાય છે, એમ્બ્યુલન્સ મંજૂર થઈ છે, પણ હજુ સુધી નલિયાના રસ્તા જોઈ શકી નથી. નર્સિંગ સ્ટાફના હેડની જગ્યા પણ ખાલી
છે. રાત્રિના સમયે ઇમર્જન્સી સેવા મળતી નથી, પરિણામે દર્દીઓને
100 કિ.મી. દૂર
ભુજ દોડવું પડે છે. અનેક કિસ્સાઓમાં તો ભુજ પહોંચતા પહેલાં જ રસ્તામાં દર્દીઓ દમ તોડી
રહ્યા છે.
ડાયાલિસીસ
સેન્ટર, છતાં બંધ
નલિયાના
વાલજીભાઈ ભાનુશાલીએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, `નલિયામાં ડાયાલિસીસ સેન્ટર હોવા છતાં અમારે ભોજાય જવું
પડે છે. પહેલા ત્રણ મશીન હતાં, હવે માત્ર એક જ ચાલુ છે. બિનઅનુભવી
ટેકનિશિયન અને વીજ પુરવઠો ખોરવાય ત્યારે મશીન બંધ થઈ જવાની સમસ્યાને કારણે દર્દીઓનો
જીવ જોખમમાં મુકાય છે.' સ્થાનિક અગ્રણી રાજેશ ઠક્કરે જણાવ્યું
કે, `વર્ષોથી ખાલી પડેલી 4 તબીબોની જગ્યા તાત્કાલિક ભરવી જોઈએ. સામાન્ય અને ગરીબ
વર્ગના લોકો માટે બીમારીના સમયે હાલત કફોડી થઈ જાય છે. સરકાર દ્વારા કાયમી તબીબો મૂકવામાં
આવે તો જ ગરીબ લોકોને આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની શકે.'