• બુધવાર, 18 માર્ચ, 2026

કચ્છમાં પાઈપલાઈન વાટે ગેસ વિતરણનું નેટવર્ક ઘણું મર્યાદિત

ભુજ, તા. 16 : મિડલ ઈસ્ટના દેશોમાં વણસતી મહાયુદ્ધની સ્થિતિ વચ્ચે ઘરેલુ રાંધણગેસનાં વિતરણમાં વિકટ સ્થિતિનું સર્જન થયું છે. સરકારે એલપીજીની સાથે પીએનજી એટલે કે પાઈપ્ડ નેચરલ ગેસનો વ્યાપ વધારવા પર ભાર મૂક્યો છે. જો કે, વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં હજુય પાઈપલાઈન વાટે ગેસ વિતરણનું નેટવર્ક સીમિત વિસ્તારમાં જ પથરાયેલું જોવા મળી રહ્યું છે. પાઈપલાઈન વાટે ગેસ વિતરણ વિસ્તારવાનું આયોજન તો ઘડાઈ રહ્યું છે, પણ તેમાં હજુ ઘણો સમય લાગશે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો જણાવી રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પીએનજી અને એલપીજી જોડાણો ઉપભોક્તાઓ એકસાથે રાખી નહીં શકે તેવો આદેશ જારી કર્યો છે, ત્યારે કચ્છમાં પાઈપલાઈન મારફત ગેસ વિતરણ શરૂ થતાં અત્યાર સુધી પંદર હજારથી વધુ એyલપીજી જોડાણધારકો ઘટયા છે. સરકારની તાકીદ બાદ આ આંકડો હજુ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ભુજ, માધાપર અને મુંદરામાં જ પાઈપલાઈન નેટવર્ક

કચ્છમાં ગુજરાત ગેસ દ્વારા પાઈપલાઈન વાટે ગેસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ગેસના ડેપ્યુટી મેનેજર કૈલાસ કુમારના જણાવ્યાનુસાર કચ્છમાં હજુ ભુજ, માધાપર નવાવાસ- જૂનાવાસ અને પદ્ધર તેમજ  મુંદરાના કેટલાક વિસ્તારમાં જ પાઈપલાઈન નેટવર્ક પહોંચ્યું છે. એટલે કે, દેશમાં સૌથી મોટા જિલ્લામાં મોટાભાગના વિસ્તારો પાઈપલાઈન નેટવર્કનાં જોડાણથી વંચિત છે.

1.66 લાખ ઘરને જોડવાનું આયોજન, પણ હજુ સમય લાગશે

ગુજરાત ગેસ દ્વારા પાઈપલાઈન ગેસ વિતરણનું નેટવર્ક વિસ્તારવા માટેનો તખતો ઘડવામાં આવી રહ્યો છે. સત્તાવાર રીતે મળેલી વિગત અનુસાર આગામી દિવસોમાં કચ્છના 1.66 લાખ ઘરોને પાઈપલાઈન વાટે ગેસ પહોંચાડવાનું આયોજન છે, પણ આ પ્રકિયાને પાર પાડવી થોડી લાંબી હોતાં તેમાં સમય લાગી શકે છે.

કચ્છમાં સાડા પાંચ લાખ એલપીજી અને સોળ હજાર પીએનજી જોડાણ

કચ્છની વાત કરીએ તો આ જિલ્લામાં હાલ સાડા પાંચ લાખ જેટલા એલપીજી જોડાણ છે, તો એનજી એટલે કે પાઈપ્ડ નેચરલ ગેસ જોડાણધારકોની સંખ્યા 16,000 જેટલી છે. 

પંદર હજાર એલપીજી જોડાણધારકો ઘટયા

સરકારે એલપીજી અને પીએનજી એમ બન્ને જોડાણ ધરાવનારાઓને એલપીજી કનેક્શન સરેન્ડર કરવા કહ્યું છે, ત્યારે કચ્છમાં પાઈપલાઈન મારફત ગેસ વિતરણ શરૂ થયા બાદ ભુજ અને માધાપરમાં પંદર હજાર જેટલા એલપીજી જોડાણધારકો ઘટયા છે.

Panchang

dd