ભુજ, તા. 16 : પશ્ચિમી
વિક્ષોભની અસરથી હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યમાં 18મી
તારીખથી કમોસમી વરસાદની આગાહી કરી છે. વરસાદના વર્તારા વચ્ચે મહત્તમ પારો એકથી બે ડિગ્રી
નીચે ઊતરતાં તાપનો પ્રભાવ આંશિક ઘટેલો જોવા મળ્યો હતો. ભુજમાં 37.7, કંડલા (એ.) ક્ષેત્રમાં 37.3, નલિયામાં 34 અને
કંડલા પોર્ટમાં 33 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો
ભુજને બાદ કરતાં બાકીનાં ત્રણેય મથકમાં 16થી
18 ડિગ્રીની વચ્ચે રહેતાં સવારના ભાગે વાતાવરણમાં થોડી
શીતળતાનો અનુભવ લોકોએ કર્યો હતો. ઘટેલા મહત્તમ તાપમાન વચ્ચે પવનની ઝડપમાં થોડો વધારો
જોવા મળ્યો હતો. આમ છતાં મધ્યાહ્ન સમયે તાપની અનુભૂતિ જળવાયેલી રહી હતી. હવામાન નિષ્ણાતોના
મતે મંગળવારની મધ્યરાત્રિ અથવા બુધવારે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. બુધ
અને ગુરુ એમ બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે પોતાના વર્તારામાં
વ્યક્ત કરી છે. વાતાવરણમાં પલટાનાં એંધાણથી ખાસ કરીને ધરતીપુત્રોના મુખ પર ઉચાટ જોવા
મળી રહ્યો છે.