ગાંધીધામ, તા. 5 : દેશના પશ્ચિમી કિનારે માલ પરિવહન
માટે મહત્ત્વના અને દેશના તમામ મહાબંદરોમાં નંબર વનનું સ્થાન ધરાવતા દીનદયાલ પોર્ટ
ઓથોરિટીને દુશ્મન દેશથી સુરક્ષા કવચ આપવા માટે પોર્ટ પ્રસાસન દ્વારા એન્ટિડ્રોન સિસ્ટમથી
સજ્જ કરવા નિર્ણય લેવાયો હતો. આ દિશામાં પોર્ટ પ્રશાસન દ્વારા વધુ એક પગલું મંડાયું
છે. આ સિસ્ટમથી પોર્ટને સજ્જ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સિસ્ટમ
દરિયાઈ સુરક્ષાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પાડોશી દેશ પાકિસ્તાનની
નજીક એવા કંડલા મહાબંદરની સુરક્ષાને મજબૂત બનાવવા માટે પોર્ટ પ્રશાસન દ્વારા પ્રયાસ
હાથ ધારાયા હતા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનગરની મુલાકાત દરમ્યાન આ સુરક્ષા
કવચ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરાયું હતું. સ્ટેટિક એન્ટિડ્રોન ટેક્નોલોજી સિસ્ટમની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન,
પરીક્ષણ અને કમિશાનિંગ માટે ટેન્ડર જારી કરાયાં છે. આ મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ
માટે 74.5 કરોડ જેટલી માતબર રકમ પોર્ટ
પ્રશાસન દ્વારા ફાળવવામાં આવી છે. ટેન્ડરમાં પાંચ વર્ષના વાર્ષિક જાળવણી કરાર કરાશે.
વર્ક ઓર્ડર અપાયાના 120 દિવસમાં ડ્રોન
વિરોધી સુરક્ષા સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે. 24 કલાક પોર્ટની સુરક્ષા જળવાય તે માટે રડાર, રેડિયો ફ્રિકવંશી, ઇલેક્ટ્રો
ઓપ્ટિકલ, ઇન્ફ્રારેડ અને એકોસ્ટિક ડિટેકશન ટેક્નોલોજીને સંકલિત
કરી ડ્રોન વિરોધી સુરક્ષા સિસ્ટમ તૈયાર કરવાની રહેશે. સિસ્ટમમાં આધુનિક રડાર સહિતની
સુવિધા હશે. લાંબી રેન્જ ધરાવતા કેમેરાથી સિસ્ટમ સજ્જ હશે. આ માટે એકીકૃત કમાન્ડ અને
કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે. એક સાથે લાંબી રેન્જમાં અનેક ડ્રોનનો ખાતમો બોલાવવા
માટે સિસ્ટમ સજ્જ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંડલામાં અનેક ટેન્ક ફાર્મ આવેલા
છે. વ્યૂહાત્મક રીતે પણ કંડલા મહાબંદર અત્યારે મહત્ત્વપૂર્ણ છે, ત્યારે પોર્ટની સુરક્ષા જરૂરી છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન જે ચાર કંપની દ્વારા ડ્રોન વિરોધી સુરક્ષા સિસ્ટમની
ચકાસણી કરાઈ હતી તે કંપનીઓએ રસ દાખવ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.