• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

શિક્ષણ અને પ્રેમ દ્વારા શાંતિ સ્થાપવાનું અભિયાન જરૂરી

ભુજ, તા. 29 : યુવાનોને શિક્ષણ અને સ્વસ્થતાની તાલીમ દ્વારા દેશને શાંતિ તરફ લઇ જવાના વ્યાપક અભિયાનની આજે આવશ્યકતા છે. તાજેતરમાં ભુજ ખાતે શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરતા શિક્ષક તથા સંસ્થાને ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ એવોર્ડ વિતરણ સમારોહમાં એવોર્ડ અર્પણ કરતા સમારંભના અધ્યક્ષ લાલન કોલેજના પ્રાચાર્ય ડે. સી.એસ. ઝાલાએ આ મુજબ જણાવ્યું હતું. ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટ્રસ્ટ, ભુજ દ્વારા પ્રતિ 40 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરતા શિક્ષક/સંસ્થાને ચંદ્રકાંત અંજારિયાં મેમોરિયલ એવોર્ડ આપવામાં આવે છે. આ અંતર્ગત વિતરણનો 2023ના વર્ષનો `ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટ્રસ્ટ એવોર્ડ' મહેસાણાની `િવશ્વગ્રામ' સંસ્થાના શિક્ષક દંપતી સંજય-તુલાને તથા 2024નો શિક્ષણ ક્ષેત્રે અનોખો પ્રયોગ કરતી દ્વારકા જિલ્લાની ભાણવડના પુરુષાર્થ વિદ્યાલયને એનાયત કરવાનો કાર્યક્રમ તા. 24-11-24ના રોજ રોટરી હોલ-ભુજ ખાતે યોજાયો હતો. પ્રારંભે હરેશ ધોળકિયાએ 1983થી 2022 સુધી અપાયેલા એવોર્ડ અને આ એવોર્ડ માટે પસંદગીની પ્રક્રિયાની વિગતો આપી હતી. ટ્રસ્ટ દ્વારા પ્રત્યક્ષ પરિચય કે વ્યક્તિને એવોર્ડ અપાતો હોવાનું તેમણે ઉમેર્યું હતું. તો ડો. દર્શના ધોળકિયાએ આ ટ્રસ્ટ દ્વારા ખૂણે બેસીને ઝીણું કાંતનારને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવતા હોવાની વાત પર ભાર મૂકયો હતો. આ અગાઉ સ્નેહરશ્મિ, દર્શક, રમણલાલ સોની, રતિલાલ બોરીસાગર વગેરેને પણ આ સન્માન આપવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું તથા હાલમાં પુરસ્કારની રકમ 25000 કરવામાં આવી છે. દર્શનાબેને કાર્યક્રમના અધ્યક્ષ અને એવોર્ડ વિજેતાનો વિગતે પરિચય કરાવ્યો હતો. સન્માનપત્રોનું વાંચન ઉત્કંઠા ધોળકિયાએ કર્યું હતું. કાયક્રમના અધ્યક્ષ ડો. સી.એસ. ઝાલાના હાથે રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. પોતાના પ્રતિભાવમાં ભીમશીભાઇએ એવોર્ડ માટે પસંદગી માટે આનંદ વ્યક્ત કર્યો હતો. પોતાની શાળામાં જે. કૃષ્ણમૂર્તિ, ગિજુભાઇ બધેકા વગેરેની કેળવણી મુજબ શિક્ષણ અપાતું હોવાની વાત કરી હતી. વાલીઓને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ થતો હોવાનું તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું. શાળામાં બાળકો પ્રકૃતિ વચ્ચે રહી શિક્ષણ મેળવે છે. અહીં શિક્ષકો નથી, પરીક્ષા પદ્ધતિ નથી, અભ્યાસક્રમ નથી અને બાળકો પોતાની અભિરુચિ મુજબ વિવિધ કૌશલ્યો મેળવે છે. ખેતીવાડી, પ્લમ્બિંગ, પશુપાલન, ચિત્રકામ, રસોઇ વગેરેના પ્રયોગો દ્વારા શિક્ષણ અપાય છે. સંજયભાઇએ પોતાની સંસ્થા `વિશ્વાગ્રામ ' લોકશિક્ષણના સ્વરૂપો બદલવાની કામગીરી કરી રહી છે. આ સંસ્થા જોડવાનું અને પ્રેમ કરવાનું શીખવે છે. અશાંત કાશ્મીરમાં યુવાનોને શિક્ષણ અને સ્વસ્થતાની તાલીમ આપી ભારત સાથે જોડવાનું કાર્ય કરે છે. મણિપુરમાં પણ યુવાનોને શિક્ષણ આપી શાંતિ સ્થાપવાનું કાર્ય કરે છે. કોમી એકતા અને ગાંધી વિચાર માટે તેઓ શાંતિગ્રામ સંસ્થા પણ ચલાવે છે એવું જણાવ્યું  હતું. અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડો. સી.એસ. ઝાલાએ પરંપરાગત શિક્ષણમાં આજે ઉણપ વર્તાય છે ત્યારે એવોર્ડ મેળવનાર બંને સંસ્થાઓ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી હોવાથી આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં સંજય પરમાર, સંજય ઠાકર, કમલાબેન ઠક્કર, નિરૂપમ છાયા, રૂદ્રેશ છાયા, જગદીશકાંત છાયા, મેહુલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang