• ગુરુવાર, 12 માર્ચ, 2026

જિલ્લામાં આરોગ્યની કામગીરી સુધારવા હાકલ

ભુજ, તા. 11 : કચ્છ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદ્ઢ બનાવવા જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેક્ટર આનંદ પટેલે બાળ અને માતા મરણનાં કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસૂતિની સંખ્યા તથા રસીકરણ કાર્યક્રમ, સંચારી રોગો અને બિન સંચારી રોગો (એનસીડી), વેકટર બોન ડિસીઝ મેલેરિયા અને ડેન્ગ્યુ અટકાયતી પગલા, સબસેન્ટર, પી.એચ.સી., સી.એચ.સી., એસ.ડી.એચ.માં નિયમિત સાફ સફાઈની કામગીરી, નેશનલ બ્લાઇન્ડ કંટ્રોલ પ્રોગામ, એચપીવી રસીકરણ, નમોશ્રી યોજના, કુંટુંબ નિયોજન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ટીબી મુક્ત ભારત અભિયાન, એચઆઇવી, પીએમજેએવાય, બ્લડ સ્ટોરેજ અને તેની ઉપલબ્ધતા વિ. કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લાનાં બાળકોનાં સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સારવાર સુધીની કામગીરીની સમીક્ષા કરીને ચશ્માની જરૂરિયાતવાળા બાળકોની સમયસર તપાસ થાય અને ચશ્મા મળે તે માટે સૂચના અપાઇ હતી. રસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ કરવા તથા જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને આરોગ્યલક્ષી કામગીરીની સંકલન સમિતિ અન્વયે યોજાયેલ બેઠકમાં વિવિધ બાબતે ચર્ચા કરાઇ હતી. પીવાના પાણીના ક્લોરિનેશન સહિતની કામગીરી ઝડપથી કરવા તથા મચ્છર ઉપદ્રવ નિયંત્રણ માટે ફોગીંગ કામગીરી અને  અન્ય પગલાઓ લેવા સૂચના અપાઇ હતી. જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં  `જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ' તથા `શૈક્ષણિક સંસ્થાઓના આસપાસના 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ' અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. ટોબેકો કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ અને ગુટકાનું વેચાણ કરતાં દુકાનદારો તેમજ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપાઇ હતી. ગાઈડલાઈન મુજબ સરકારી શાળાઓમાં અમલીકરણ થાય તે અન્વયે કાર્યવાહી કરવા જવાબદાર વિભાગોને જણાવાયું હતું. તમાકુ નિયંત્રણ અધિનિયમ- 2003 અન્વયે થયેલા દંડની કામગીરીની પણ સમીક્ષા કરાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, અંજાર, રાપરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિકારીઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષક, વિવિધ કચેરીના અધિકારીઓ-કર્મયોગીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd