• ગુરુવાર, 12 માર્ચ, 2026

ઇરાન યુદ્ધ : ગેસ સંકટથી અફરાતફરી

નવી દિલ્હી, તા. 11 : મીડલ ઇસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર હવે ભારતમાં ચર્ચાનો વિષય બની છે. રાંધણ ગેસ અંગે દેશમાં ચિંતાનો માહોલ બની રહ્યો છે. દિલ્હી હાઇ કોર્ટની વકીલ કેન્ટિનમાં ગેસ સપ્લાય બંધ થતા રસોઈ બંધ કરવી પડી હતી. જ્યારે રેલવે કેટરિંગ સંભાળતા આઇઆરસીટીસીએ પોતાના ફૂડ પ્લાઝા અને રિફ્રેશમેન્ટ યુનિટ્સને એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરય યુપી, બિહાર, કર્ણાટક સહિતનાં રાજ્યોમાં ગેસ એજન્સીઓની બહાર લાંબી કતાર જોવા મળી રહી હતી. આ દરમિયાન પ્રશાસનનું કહેવું છે કે સપ્લાય સામાન્ય છે અને અફવાથી બચવાની જરૂર છે. ઊર્જા આપૂર્તિ ઉપર દબાણના કારણે કેન્દ્ર સરકારે દેશમાં પ્રાકૃતિ ગેસના ઉપયોગની પ્રાથમિકતા  ફરીથી નક્કી કરી છે. સરકારે નિર્ણય લીધો છે કે રાંધણ ગેસના ઉત્પાદન, સીએનજી અને પાઇપ્ડ કૂકિંગ ગેસની આપૂર્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. જેથી ઘરો અને પરિવહન ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની કમી ન આવે. આ મામલે પેટ્રોલિયમ મંત્રાલયે આવશ્યક વસ્તુ અધિનિયન 1955 લાગુ કરતા નવો આદેશ જાહેર કર્યો છે. એલપીજીની જમાખોરી અને કાળાબજાર રોકવા માટે દેખરેખ સમિતિ બનાવવામાં આવી છે. નવા આદેશ અનુસાર પ્રાથમિકતાના વિનાનાં ક્ષેત્રોને મળતો ગેસનો હિસ્સો ઘટાડીને પ્રાથમિકતાનાં ક્ષેત્રો તરફ વાળવામાં આવશે. સરકારના કહેવા પ્રમાણે દેશમાં ગેસની કુલ ઉપલબ્ધતા પર્યાપ્ત છે. જો કે વર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાને રાખીને ઘરેલુ જરૂરિયાતને સુરક્ષિત રાખવી જરૂરી છે. સરકાર દ્વારા ચાલી રહેલી કવાયત વચ્ચે દેશભરમાં રાંધણ ગેસને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણાં રાજ્યોનાં પ્રમુખ શહેરોમાં ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો થઈ રહી છે. હોટલ, રેસ્ટોરાંની રોજિંદી કામગીરી પ્રભાવિત થઈ છે અને ભોજનની થાળીમાંથી વસ્તુઓ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. દિલ્હી હાઇ કોર્ટમાં વકીલોની કેન્ટિનમાં સપ્લાયમાં અડચણ આવતા મુખ્ય ભોજન બની શક્યું નહોતું. કેન્ટિનમાં સેન્ડવિચ, સલાડ, ફ્રૂટ ચાટ જેવી ઠંડી વસ્તુઓ આપવામાં આવી રહી હતી. એલપીજી સપ્લાય પ્રભાવિત થવાની આશંકાએ  આઇઆરસીટીસીએ પોતાના તમામ કેટરિંગ યુનિટ્સને નિર્દેશ જાહેર કર્યા છે. રેલવે સ્ટેશનોના ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ યુનિટ્સ અને જન આહારમાં યાત્રીઓને ભોજનની સેવા બંધ થવી જોઈએ નહીં. આઇઆરસીટીસીએ કહ્યું છે કે, એલપીજીની કમી થતાં માઇક્રોવેવ અને ઇન્ડક્શન જેવાં વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે. રેડી ટૂ ઇટ ફૂડનો પર્યાપ્ત સ્ટોક રાખવામાં આવે. જો કોઈ યુનિટમાં ગેસથી રસોઈ બંધ થાય તો તાકીદે કન્ટ્રોલ યુનિટને સૂચના આપવામાં આવે. 

Panchang

dd