• ગુરુવાર, 12 માર્ચ, 2026

કચ્છ આવતાં બે જહાજ પર મિસાઈલ હુમલો

અમદાવાદ, તા. 11 : કચ્છનાં કંડલા અને મુંદરા બંદરે આવતાં બે જહાજ પર મધ્યપૂર્વમાં પ્રોજેક્ટાઈલ (મિસાઈલ) વડે હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. ગુજરાતનાં કંડલા બંદરે આવી રહેલાં થાઇલેન્ડનાં કાર્ગો જહાજ ઉપર બુધવારે બે મિસાઇલથી હુમલો થયો હતો. આ દરમિયાન રેસ્ક્યૂ ઓપરેશનમાં 20 ક્રૂ મેમ્બર્સને બચાવવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ સભ્ય લાપતા હોવાનું કહેવાય છે. અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર આકરા પ્રતિબંધ લાદેલા છે. અહીંથી પસાર થનારાં યુરોપિયન, અમેરિકી અને અન્ય દેશોનાં જહાજો નિશાને લેવામાં આવી રહ્યાં છે. બીજીતરફ યુએઈના રાસ અલ ખૈમાદના કિનારા નજીક જાપાનના વન મેજેસ્ટી નામના કન્ટેનર જહાજ પર પણ હુમલો કરાયો હતો. આ જહાજ મુંદરા બંદરે આવતું હતું, તેમાં કોઈ જાનહાનિના હેવાલ નથી. રોયલ થાઈ નેવીએ કહ્યું હતું કે, બુધવારે યુએઈથી નીકળ્યાના અમુક સમય બાદ હોર્મુઝ નજીક એક થાઈ ધ્વજના કાર્ગો જહાજ ઉપર હુમલો થયો હતો. મયૂરી નારી જહાજ યુએઇના ખલીફા પોર્ટથી કંડલા પોર્ટ માટે નીકળ્યું હતું.  થાઇ નેવીએ કહ્યું હતું બે મિસાઇલ જહાજની પાણીની લાઇન ઉપર લાગી હતી, જેનાથી જહાજના પાછળના ભાગ અને એન્જિન રૂમમાં ધડાકા બાદ આગ લાગી હતી.  ઓમાનનાં નૌકાદળે ઘટના બાદ તરત જ વિસ્તારમાં બચાવ અભિયાન છેડયું હતું. જહાજની ઓળખ આંતરરાષ્ટ્રીય મેરિથઇમ સંસ્થાના નંબર પરથી કરાઇ હતી. હુમલા બાદ જહાજમાં લાગેલી આગે સ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી હતી. જો કે, સદ્ભાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. દરમ્યાન, અહેવાલોમાં એવો દાવો પણ કરાયો હતો કે, બચાવી લેવાયેલા 20 ક્રૂ સભ્ય સિવાય બેથી ત્રણ સભ્ય ફસાયેલા હતા. જેબેલઅલીથી મુંદરા આવી રહેલું `વનમેજેસ્ટી' પણ આજે સવારે અલગ હુમલામાં ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 97 કિલોમીટરનાં અંતરે હુમલો થતાં આ જહાજમાં 10 સેમીનું છિદ્ર થઈ ગયું હતું. તેવું વેસલ ટ્રેકર ડોટકોમના અહેવાલમાં જણાવાયું હતું. આ જહાજને સલામત રીતે લાંગરી દેવાયું હતું. તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત બચી ગયા હતા.મિત્સુઈ ઓ એસ કે લાઈન્સની માલિકી સાથે ઓસિયન નેટવર્ક એક્સપ્રેસ (વન) દ્વારા સંચાલિત આ જહાજને હુમલા વખતે પર્સિયાઈ અખાતમાં લાંગરી દેવાયું હતું. જહાજમાં દરિયાઈ પાણીનો ભરાવો, આગ લાગવી કે ઓઈલ લીક થવા જેવા કોઈ ગંભીર નુકસાનના અહેવાલ મળ્યા નહોતા. કંપનીએ સંબંધિત પક્ષો સાથે મળીને નુકસાનનું કારણ જાણવા તપાસ આદરી હતી. - હુમલો થયો તે જહાજમાં કંડલાથી 18 હજાર ટન ચોખા એક્સપોર્ટ થવાના હતા : ગાંધીધામ, તા. 11 : મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં  સમુદ્રી વ્યાપારને ભારે અસર પડી છે. આ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરાવતા ચાર જહાજ ઉપર ઈરાન દ્વારા હુમલો કરાયો તે પૈકી એક જહાજ કંડલા બંદરે આવવાનું હતું. આ હુમલાના પગલે ચોખાના જથ્થાના નિકાસમાં વિલંબ સર્જાયો છે. કંડલા આવતું પ્રથમ જહાજ હુમલાનો ભોગ બનતાં આયાત-નિકાસ ઉપર તેની અવળી અસર પડશે. આ અંગે મળતી વિગતો મુજબ અમેરિકા નેવી દ્વારા ચાર જહાજોને ઈરાને બંધ કરેલી હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર કાઢવામાં આવતાં હતાં. તેના ઉપર ઈરાન દ્વારા હુમલો કરાયો હતો.  મયૂરી નારી નામનું જહાજ કંડલા બંદરે  આવતું હતું. આજે સવારે કંડલા    બંદરે બર્થિંગ મિટિંગમાં જ 18 હજાર ટન નોન બાસમતી  ચોખા મોઝામ્બિક ખાતે ચોખા મોકલવાના હતા.  જો કે, આ જહાજમાં હુમલો થતાં હવે આ ચોખાના જથ્થાનો નિકાસ કરવા માટે બીજા જહાજનું બુકિંગ કરવાની કામગીરી  કરાશે. આ પ્રક્રિયામાં પાંચથી છ દિવસનો વિલંબ સર્જાશે.  વધારામાં હુમલાના કારણે જહાજોનાં ભાડાવધારા સહિતની પરિસ્થિતિ ઊભી થશે, જેના કારણે આયાત-નિકાસકારોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડશે. દરમ્યાન મળતી વિગતો મુજબ આ જહાજના માલિક કચ્છી હોવાનું જાણવા મળ્યું હતું.  આયર્લેન્ડ સ્થિત ક્રિશિયર્સ શિપિંગ કંપનીનું આ જહાજ હતું. કંપનીના માલિક કિરીટ શાહ કચ્છના વતની છે.  

Panchang

dd