• ગુરુવાર, 12 માર્ચ, 2026

ભારાપર-સેડાતાની સીમમાં બે દાયકા જૂનાં વૃક્ષોનાં નિકંદનનો આક્ષેપ

ભુજ, તા. 11 : ભારતીય સંસ્કૃતિમાં ફાગણ મહિનામાં પરંપરાગત રીતે કેસૂડાનાં ફૂલોનું વિશેષ મહત્ત્વ છે. ભુજ તાલુકાના ભારાપર-સેડાતા ગામની સીમમાં આ ઔષધીય કેસૂડાના ઝાડનું કેટલાક તત્ત્વો દ્વારા નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાથી પર્યાવરણપ્રેમીઓ તથા જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ભારાપર અને સેડાતાની સીમમાં વર્ષ 2023ના આંકડા મુજબ બે દાયકા (20 વર્ષ)થી પણ જૂના 65થી વધુ કેસૂડાનાં વૃક્ષ અડીખમ ઊભાં હતાં. ઉપરાંત ખીજડા અને બોરડીનાં વૃક્ષો પણ હતાં. જંગલ ખાતાની હદમાં આવતા નદીપટ્ટના હાઇલેન્ડ અને શિશુકુંજ શાળાની વચ્ચે આવેલા આ વિસ્તારનાં સ્થળ નિરીક્ષણમાં જણાયું હતું કે, વિશાળ જૂના વૃક્ષોને મશીન કટરની મદદથી સીધા થડમાંથી જ કાપી નાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કોલસા અને બળતણ વ્યવસાય કરતા લોકો દ્વારા આ ગેરકાયદેસર કૃત્ય કરાયું હોવાનો આક્ષેપ કરાયો હતો. માત્ર વૃક્ષોનું છેદન જ નહીં, પરંતુ આ જ નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ઘટનાઓ અંગે પણ ફરિયાદો ઊઠી હતી. જંગલ ખાતું અને સંબંધિત અન્ય સરકારી કચેરીઓ તપાસ આદરે તેવી માંગ કરાઇ હતી. પર્યાવરણને નુકસાન પહોંચાડતા સામે પગલાં લેવા રજૂઆત કરાઇ હતી. 

Panchang

dd